રાજકોટ: હોમિયોપેથિક સારવાર કુદરતી સિધ્ધાંતો આધારિત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજનો દિવસ વિશ્વ હોમિયોપેથિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે
જર્મનીના ડો.સેમ્યુઅલ હનીમેને1796માં હોમિયોપેથિક ચિકિત્સા પધ્ધતિની શોધ કરી હતી
રાજકોટ: 14 ભાષાનું જ્ઞાન ધરાવતા જર્મનીના ડો.સેમ્યુઅલ હનીમેન ઇ.સ.1796માં હોમિયોપેથિક ચિકિત્સાની શોધ કરી હતી. રોગને જડમૂડથી નાબૂદ કરતી આ ચિકિત્સાને વધુ લોકઉપયોગી બનાવવા માટે 10, એપ્રિલના દિવસે વિશ્વ હોમિયોપેથિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ હોમિયોપેથિક દિવસના અનુસંધાને રાજકોટની હોમિયોપેથિક મેડિકલ કોલેજની વિદ્યાર્થિની શ્રેયા કીર્તિકુમાર જોષીએ જણાવ્યું હતું કે, ડો.સેમ્યુઅલે હોમિયોપેથિક ચિકિત્સાની શોધ કરી એ સમયમાં લોકોને જે સારવાર આપવામાં આવતી હતી તે અત્યંત પીડદાયક અને અમાનવીય હતી.
આવા સમયે એક વૈધકીય પુસ્તકના ભાષાંતર વખતે ડો.સેમ્યુઅલને જાણવા મળ્યું કે, વૃક્ષની છાલનો રસ, તંદુરસ્ત માનવ દ્વારા લેવામાં આવે તો ખૂબ જ ઠંડી લાગવાની સાથે શરીરનું તાપમાન વધી જાય છે અને ખૂબ જ પરસેવો થયા બાદ તાવ ઉતરી જાય છે. આ સામાન્ય અવલોકન અને પ્રયોગોના અંતે ડો. સેમ્યુઅલે અનેક વનસ્પતિઓ અને વિવિધ ખનીજ તત્ત્વો તથા રાસાયણિક ક્ષારોનો ઉપયોગ તેના પોતાના પર તેમજ તંદુરસ્ત વ્યક્તિ પર કરીને ‘સમ ચિકિત્સા’નો સિધ્ધાંત પ્રસ્થાપિત કર્યો.
જે તત્ત્વ પદાર્થ તંદુરસ્ત વ્યક્તિમાં અમુક માત્રામાં લેવાથી, જે લક્ષણો ઉત્પન્ન થાય છે તેવા જ લક્ષણો વાળા રોગીષ્ટને આજ તત્ત્વ અમુક પાવરમાં આપવાથી તે રોગોના લક્ષણો તેના સંપૂર્ણ સ્વરૂપે દૂર થાય છે. હોમિયોપેથિક સારવારમાં આપવામાં આવતી મીઠી ગોળીઓ અને દવા વિવિધ તત્ત્વો પદાર્થમાંથી બનાવવામાં આવે છે. જેમ કે વનસ્પતિ, પ્રાણીની પેશીઓ, ખનીજ તત્ત્વો અને રસાયણો, જૈવિક શક્તિઓ અને દવાને અલગ-અલગ પાવરમાં ઉપલબ્ધ કરવામાં આવે છે.
લોકોએ હોમિયોપેથીને સ્વીકારવી જોઇએ: ડો.મેઘાણી
હોમિયોપેથિકના નિષ્ણાત ડો.એન.જે.મેઘાણીએ વિશ્વ હોમિયોપેથિક દિવસના અનુસંધાને જણાવ્યું હતું કે, વિદેશી દવાના ઉપયોગથી લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે, જ્યારે હોમિયોપેથીએ દર્દના મૂળ કારણને દૂર કરે છે આવા સંજોગોમાં લોકોએ હોમિયોપેથીનો ઓપનલી સ્વીકાર કરવો જોઇએ. ડો.મેઘાણીઅે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રપિતા ગાંધીજી કહેતા હતા કે, અહિંસાની લડત ફેલ નથી તેમ હોમિયોપેથી ફેલ નહીં જાય.