- વાલીઓએ ડીઈઓ અને કલેક્ટર ઓફિસે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા
- ખાનગી શાળામાં આડેધડ ફીના વધારા સામે વિરોધ પણ દર્શાવ્યો
રાજકોટ: રાજકોટની સ્વનિર્ભર શાળાઓને વેકેશન અને જાહેર રજાઓમાં સાયન્સના વર્ગો ચાલુ રાખવા દેવા માટે મંજુરી આપવાની માંગણી સાથે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓના વાલીઓએ બહુમાળી ભવન પાસે મોટી સંખ્યામાં એકત્રિત થયા બાદ રેલી કાઢી રાજકોટ જિલ્લા શિક્ષણધિકારી એસ.વી.રાજશાખા અને જિલ્લા કલેક્ટર મનીષા ચંદ્રાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જો કે, આ વાલીઓએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ખાનગી શાળાઓએ જે આડેધડ વધારો કર્યો છે તેની સામે પગલા લેવા જોઇએ.વાલીઓએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે માધ્યમિક શિક્ષણ બોર્ડના કેલેન્ડર મુજબ સાયન્સમાં થર્ક સેમેસ્ટર માટે 115 દિવસ અને ફોર્થ સેમેસ્ટર માટે માત્ર 90 દિવસ મળવાના છે
આ સંજોગોમાં વિદ્યાર્થીઓને શાળામાં રજાના દિવસો અને વેકેશનમાં ભણવા અટકાવવામાં આવે તો કોર્ષ પૂરો કરવો શક્ય બનશે નહીં અને પ્રિલીમીનરી પરીક્ષાની પ્રેક્ટીસ પણ મુશ્કેલ બનશે. કહેવાતા વાલી મંડળો અને વિદ્યાર્થી સંગઠનોની રજૂઆતોના કારણે વિદ્યાર્થીઓનું ભણવાનું બગતું હોય સાયન્સના વિદ્યાર્થીઓને તેમાંથી મુક્તિ આપવી જોઇએ.વાલીઓએ જો કે, એ સાથે એમ પણ જણાવ્યું હતું કે, રાજકોટની ખાનગી શાળાઓ દ્વારા દર વર્ષે જે રીતે આડેધડ ફી વધારો કરાય છે તે કોઈપણ રીતે યોગ્ય નથી. વાલીઓનો આર્થિક સ્થિતિનું ફી વધારો કરતી વખતે ધ્યાન રખાતું નથી. આવી શાળાઓ સામે પણ પગલાં લેવા જોઈએ.