ગોંડલમાં આખલા યુધ્ધમાં ઊકળતું તેલ ચાર વર્ષની બાળકી પર પડ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(અકસ્માતે દાઝી ગયેલી બાળકી)
- શિંગડા ભરાવી બે આખલા દુકાનમાં ઘૂસ્યા
- ગાંઠિયા લેવા ઊભેલી બાળકી ગંભીર રીતે દાઝી ગઇ

ગોંડલ: શહેરના ભોજરાજપરા વિસ્તારમાં મંગળવારે સવારે બે આખલાના યુધ્ધમાં ગાંઠિયા લેવા ગયેલી ચાર વર્ષની નિર્દોષ બાળકી ઉપર ઉકળતા તેલની કડાઇ બાળકી પર પડતાં આ બાળકી ગંભીર રીતે દાઝી ગઇ હતી. બાળકીને ગંભીર હાલતમાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી છે. શહેરમાં રેઢિયાળ ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. આખલાઓના યુધ્ધ હવે રોજિંદી ઘટના બનવા માંડી છે. આખલા યુધ્ધમાં અનેક નાગરિકો અડફેટે ચડે છે પણ નગરપાલિકાનું તંત્ર તાબોટા પાડતું હોય તેમ રખડતાં ઢોરનો ત્રાસ દૂર કરતું નથી ત્યારે મંગળવારે ભોજરાજપરા રોડ પર અરેરાટી પ્રસરાવી દે તેવી ઘટના બની હતી. આ ઘટનાએ પાલિકાના તંત્રવાહકોની માનવતા સામે પ્રશ્નાર્થ સર્જી દીધો છે.

ભોજરાજપરા શેરી નં.10 માર્ગ નં. 13 ઉપર ભાડાના મકાનમાં રહેતા ભાવેશભાઇ ગોસ્વામીની ચાર વર્ષની પુત્રી અર્ચલા સવારના સમયે નિશાળે નાસ્તો લઇ જવા ઘરની સામે આવેલા સદ્દગુરુ ફરસાણ નામની દુકાને પહોંચી હતી. આ દરમિયાન બે આખલા વચ્ચે યુધ્ધ શરૂ થયું હતું. બંને આખલાનું યુધ્ધ અેટલું ભયાનક હતું કે, વહેલી સવારે રસ્તા પરથી પસાર થતા તમામ વાહનો પણ એક તરફ ઊભા રહી ગયા હતા. રાહદારીઓએ આખલાની અડફેટથી બચવા સલામત સ્થળ શોધી લીધું હતું તેમ અર્ચલા પણ દુકાનમાં એક ખૂણે ઊભી રહી ગઇ હતી.

પણ, આખલાઓ લડતાં લડતાં છેક દુકાન સુધી પહોંચીને અંદર ઘૂસી ગયા હતા. અને ફરસાણ બનાવવા માટે કડાઇમાં તેલ ઊકળતું હતુ઼ં તેની સાથે બંને આખલા અથડાતાં તેલની કડાઇ ઉડીને દુકાનમાં ઊભેલી અર્ચલા પર પડ્યું હતું અને અર્ચલાની દર્દનાક ચીસોથી વાતાવરણ ગાજી ઉઠ્યું હતું. આ ઉકળતા તેલના કારણે અર્ચલાના શરીરની મોટાભાગની ચામડી ઉતરી ગઇ હતી. તેને તાકીદે સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી. રોજિંદા બનતા આખલા યુધ્ધથી શહેરીજનો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે ત્યારે નગરપાલિકા રેઢિયાળ ઢોરને કાબૂમાં લેવા તાબોટા પાડી રહ્યું છે. તેની સામે પ્રજાજનોમાં રોષની લાગણી જન્મી છે.

તંત્રની લાપરવાહીનો ભોગ નાગરિકો બને છે

શહેરમાં રસ્તે રઝળતા ઢોરને પાંજરે પુરવામાં નિષ્ક્રિય પાલિકાતંત્રના પાપે અનેક વાહન ચાલકો, રાહદરીઓને અકસ્માતનો સામનો કરવો પડે છે. થોડા સમય પૂર્વે આખલા યુધ્ધમાં પાંચ બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.