• Gujarati News
  • Gary Rajkot Tone Of Classical Music Have Fascinated Vidusie

રાજકોટની સ્વર વિદુષીએ શાસ્ત્રીય સંગીતના દિગ્ગજોને મુગ્ધ કર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : સને 1970ની કોલકાતાની ઉનાળાની એક સાંજ. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ ઉસ્તાદ આમીરખાં સાહેબને શાસ્ત્રીય સંગીતના અન્ય એક દિગ્ગજ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાં મળવા આવ્યા છે. પદ્મભૂષણ ગુલામ મુસ્તફા ખાંનો ટૂંકો પરિચય એ છે કે તેઓ બોલિવૂડના ગાયક ગાયિકાઓને શાસ્ત્રીય સંગીતની તાલીમ આપવા માટે જાણીતા છે. જેમના શિષ્યોમાં આશા ભોંસલે,ગીતા દત્તથી માંડીને અત્યારે એ આર રહેમાન સુધીનાઓનો સમાવેશ થાય છે.
- દેશના ટોચના તમામ શાસ્ત્રીય સંગીત સમારોહમાં ભાગ લઇ શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે રાજકોટના કલાક્ષેત્રને નવી ઓળખ પ્રદાન કરી છે
આ અે સમય હતો જ્યારે ઉસ્તાદ આમીર ખાં કોલકાતા આવે ત્યારે પોતાના શિષ્ય કમલ બન્દોપાધ્યાયને ત્યા તેની નાનકડી ઓરડીમાં ઉતરે. બન્ને બેઠા છે ત્યા બાજુની ઓરડીમાંથી બિહાગના સૂર છેડાય છે. ગુલામ મુસ્તફા ખાન સાહેબના કાન ચમકે છે. આટલો કોમળ અવાજ અને આટલી શુધ્ધતા. આમીર ખાં સાહેબને પૂછે છે, ‘કૌન ગા રહા હૈ, અતિ સુંદર..’ ખાં સાહેબ કહે છે મા‘કમલકી બેટી પિયુ ગા રહી હૈ, લેકીન ઉસે ભી પતા નહીં કી વો ક્યા ગા રહી હૈ, ક્યા ગઝબ ગા રહી હૈ.’ આજે આ ‘પિયુ’ એટલે કે પિયુ બેન સરખેલ ગુજરાતની એક માત્ર સરકાર સંચાલિત સંગીત સંસ્થા રાજકોટની સંગીત એકેડમીના પ્રિન્સિપાલ છે અને દેશ- વિદેશમાં પોતાના શાસ્ત્રીય ગાયન દ્વારા સંગીતના દિગ્ગજોને મુગ્ધ કર્યા છે. ઇન્દોર ઘરાનાના પિયુ સરખેલની કોલકાતામાં શરૂ થયેલી સંગીતયાત્રા તેઓ પોતાના પતિ સાથે રાજકોટમાં સ્થાયી થતા અહીં પણ અવિરત રહી છેે. સૌરાષ્ટ્રના તેઓ એકમાત્ર અેવા કલાકાર હશે જેમના શાસ્ત્રીય સંગીતના કોન્સર્ટ યોજાતા હશે.

પાકિસ્તાન સહિતના દેશોમાં શાસ્ત્રીય સંગીત રેલાવ્યું
પિયુ સરખેલને ગત વર્ષે (2014)માં પાકિસ્તાનમાં સંગીતના સમારોહમાં શાસ્ત્રીય સંગીત રજૂ કરવાની તક મળી હતી. યુકે ઉપરાંત જર્મનીમાં પણ પોતાના કંઠના કામણ રેલાવ્યા હતા. 2012માં ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. દેશના ટોચના સંગીત સમારોહ જેવા કે સવાઇ ગાંધર્વ સંગીત સમારોહ પુણે, તાનસેન સંગીત સમારોહ ગ્વાલિયર, ઉસ્તાદ આમીર ખાં સંગીત સમારોહ ઇન્દોર, બાબા હરવલ્લભ સંગીત સમારોહ , સપ્તક અમદાવાદ વગેરેમાં તેમણે ભાગ લીધો છે.
સારંગીના શહેનશાહ સુલતાન ખાન ઓડિયન્સમાં બેઠાં
પોતાના યાદગાર સંસ્મરણો વાગોળતા પિયુબહેન કહે છે કે ‘મારા ગુરુ એટલે મારા બાબા(પિતા કમલ બંદોપાધ્યાય), તેમના ગુરુ આમીર ખાન સાહેબ સાથેના સંસ્મરણોનો તો ખજાનો છે. તે સિવાય સંગીત સમારોહમાં અનેક મોટા કલાકારોનેે મળીએ ત્યારે અનેક યાદગાર પળો હોય છે, પરંતુ રાજકોટમાં બનેલી એક ઘટના હંમેશાં યાદ રહેશે. હેમુ ગઢવી હોલમાં સુલતાન ખાન સાહેબનું સારંગીવાદન હતું તેમાં તેમણે મને કાર્યક્રમના પહેલા ભાગમાં મને ગાવાનો આગ્રહ કર્યો હતો. જેમાં મેં રાગ બસન્ત બહાર રજૂ કર્યો ત્યારે આ મહાન કલાકારે ઓડિયન્સમાં બેસીને મારી સરહના કરી હતી.’