રાજકોટ: વિસર્જન બાદ નવસર્જન, શાળાઓમાં ગણેશનું સ્થાપન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પ્રેરણાદાયી પહેલ : શહેરના પંડાલોના સંચાલકો પાસેથી વિઘ્નહર્તાની મૂર્તિ‌ઓ વિસર્જન બાદ મેળવીને સરકારી શાળામાં સ્થાપન કરાયું
- લોધિકા પ્રાથમિક શિક્ષણ સંઘના પર્યાવરણપ્રેમી
- શિક્ષકોનો નવતર પ્રયોગ: પીઓપીથી બનેલી પ્રતિમાઓનું પાણીમાં વિસર્જન કરવાથી પર્યાવરણને થતું નુકસાન બચાવવા શિક્ષકોએ નવો રાહ ચિંધ્યો

રાજકોટ: લોધિકા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોએ પર્યાવરણને થતું નુકસાન અટકાવવા માટે નવી જ પહેલ કરી છે. પીઓપીથી બનેલી ગણપતિ બાપ્પાની મૂર્તિ‌નું પાણીમાં વિસર્જન કરવાને બદલે આવી પ્રતિમાઓનું સરકારી સ્કૂલોમાં સ્થાપન કરીને નવતર પ્રયોગ શરૂ કર્યો છે. આ વર્ષથી જ શરૂ કરાયેલા આ અભિયાનને સારી એવી સફળતા મળી છે. કુલ ૪પ પ્રતિમાઓ એકઠી કરવામાં આવી છે અને તેનું લોધિકા તાલુકાની ૪પ સરકારી શાળાઓમાં સ્થાપન કરવામાં આવ્યું હોવાનું સંઘના પ્રમુખ રાજુભાઇ પટેલે જણાવ્યું હતું.

ગણપતિ બાપ્પાની પ્રતિમાઓનું પાણીમાં વિસર્જન કરવાના બદલે આવી મૂર્તિ‌ઓનું સરકારી શાળામાં સ્થાપન થાય અને વિદ્યાર્થીઓ દુંદાળા દેવની દરરોજ પૂજા-અર્ચના કરી શકે તેમજ પર્યાવરણને થતું નુકસાન પણ અટકાવી શકાય તે માટે અખબારોના માધ્યમથી પંડાલોના સંચાલકો તેમજ પોતાની ઘેર ગણપતિજીનું સ્થાપન કરતા લોકોને અપીલ કરવામાં આવી હતી અને તેને સારી એવી સફળતા પણ શિક્ષક સંઘને મળી છે.

મહોત્સવ પૂર્વે અપીલ કરી હતી

લોધિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રાજુભાઇ પટેલ, જિલ્લા પ્રતિનિધિ હરપાલસિંહ ચુડાસમા, મહામંત્રી રમેશભાઇ મણવર અને ઉપ-પ્રમુખ આશિષભાઇ રાણપરિયાએ જણાવ્યું હતું કે, પ્રતિમાઓના પાણીમાં વિસર્જનથી પર્યાવરણને થતાં નુકસાન અંગે અમે જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. ગણેશ મહોત્સવ પૂર્વે જ પંડાલોના સંચાલકો તેમજ અન્ય ભાવિકોને પત્ર લખીને તેમજ, અખબારોના માધ્યમથી અપીલ કરી હતી. અમારી એ અપીલને સુંદર પ્રતિભાવ પ્રાપ્ત થયો છે. પ્રતિમાઓ અમને આપજો, અમો ગણપતિદાદાની પ્રતિમાનું સરકારી શાળામાં સ્થાપન કરીશું.

પ્રતિમા આપનાર પંડાલોને ફોટા સાથેનો અહેવાલ અપાશે

સંઘના પ્રમુખ રાજુભાઇ પટેલે જણાવ્યું હતું કે, જે પંડાલો પાસેથી ગણપતિદાદાની મૂર્તિ‌ઓ મળી છે, તે તમામ પંડાલોના સંચાલકોને જે સરકારી શાળામાં બાપ્પાની પ્રતિમાનું સ્થાપન કરાયું છે તેના ફોટોગ્રાફ્સ સાથેના અહેવાલ તૈયાર કરીને મોકલી આપવામાં આવશે.

૨૬ મોટી મૂર્તિ‌ઓનું શાળામાં સ્થાપન કરાયું

રાજકોટમાં ઇંદિરા સર્કલ, ગૂંજન વાટિકા, ક્રિષ્ના ગ્રૂપ, વિમલનગર સહિ‌તના પંડાલો પાસેથી ૨૬ મોટી મૂર્તિ‌ઓ શિક્ષક સંઘને મળી છે, જ્યારે ઘરમાં સ્થાપન કરાયેલી નાની મૂર્તિ‌ઓ પણ વિસર્જનની વિધિ કરાયા બાદ લોધિકા પ્રાથમિક શિક્ષક સંઘને આપવામાં આવી હોવાનું હોદ્દેદારોએ જણાવ્યું હતું.

આટલી શાળામાં સ્થાપન થયું

રાજકોટમાંથી મળેલી ગણપતિ બાપ્પાની પ્રતિમાઓનું લોધિકા તાલુકામાં આવેલી પાળ પ્રાથમિક શાળા, ઢોલરા પ્રાથમિક શાળા, મેટોડા પ્રાથમિક શાળા, મેટોડા સરદાર પટેલ પ્રાથમિક શાળા, બાલસર પ્રાથમિક શાળામાં સ્થાપન કરી દેવામાં આવ્યું છે. અન્ય પ્રતિમાઓ મેટોડાની સ્કૂલમાં રાખવામાં આવી છે. આગામી દિવસોમાં તાલુકામાં આવેલી તમામ ૪પ સ્કૂલોમાં બાપ્પાની મૂર્તિ‌નું સ્થાપન થઇ જશે. ત્યારબાદ, લોધિકામાં આવેલી સરકારી કચેરીઓમાં પણ મૂર્તિ‌નું સ્થાપન કરવાનું આયોજન હોવાનું હોદ્દેદારોએ જણાવ્યું છે.