• Gujarati News
  • Election Of Rajkot District Bank In Rajkot Latest News

રાજકોટ, ગોંડલ, જેતપુરમાં એક-એક સભ્ય કપાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પોલિટિક્સ | રાજકોટ જિલ્લા સહકારી બેન્કની ચૂંટણીમાં રાદડિયા જૂથ સોમવારે ફોર્મ ભરશે
- બેંકની માત્ર એકાદ-બે બેઠકો પરથી ચૂંટણી યોજાય તેવી શકયતા

રાજકોટ: રાજકોટ જિલ્લા સહકારી બેન્કની આગામી 29ના રોજ યોજાનારી 17 બેઠકોની ચૂંટણી સંદર્ભે રાદડિયા જૂથ દ્વારા ઉમેદવારોની પસંદગીનો ધમધમાટ સરૂ કરવામાં આવ્યો છે ત્યારે નવા નિયમો મુજબ યોજાનારી બેન્કની ચૂંટણીમાં હાલમાં રાજકોટ, ગોંડલ અને જેતપુરના એક-એક ઉમેદવારો કપાશે, જ્યારે જૂના જોગીઓમાંથી કોઇ ઉમેદવારનો છેદ ઉડાવવામાં આવશે કે નહીં, તે બાબતે ભારે સસ્પેન્શ રાખવામાં આવી રહ્યું છે. ઉમેદવારોની ફાઇનલ પસંદગીની સત્તા ભાજપ દ્વારા પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાને આપવામાં આવી છે અને તેઓ સોમવારે પોતાના જૂથ સાથે ઉમેદવારી નોંધાવશે તેવી સત્તાવાર જાહેરાત કરી છે. હવે તેમના જૂથમાંથી કોની બાદબાકી કરવામાં આવે છે તે સોમવારે જ ખબર પડશે.

ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન ‌વિઠ્ઠલભાઇ રાદડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા ત્યારે સહકારી ક્ષેત્રમાં તેમને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આ‌વશે તેવી ખાતરી આપવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખી તાજેતરમાં ડિસ્ટ્રિક્ટ બેન્કની ચૂંટણીના સંબંધે વિઠ્ઠલભાઇ, કેબિનેટ મંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રમુખ લાલજીભાઇ સાવલિયા વચ્ચે એક મિટિંગ યોજાઇ હતી. જેમાં નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા વિઠ્ઠલભાઇ રાદડિયાને સોંપવામાં આવી છે.

નવા નિયમ મુજબ રાજકોટ, ગોંડલ અને જેતપુરના એક-એક સભ્ય ઉપરાંત બેથી ત્રણ જૂના જોગીઓને પણ કાપવામાં આવે તેવી સંભાવના વ્યક્ત થઇ રહી છે અને જો રાદડિયા જૂથમાં ટિકિટથી વંચિત રહી ગયેલા સભ્યો દ્વારા બળવો કરવામાં આવે તો એકાદ -બે બેઠક પર ચૂંટણી જંગ ખેલાવાની શક્યતા પણ વ્યકત થઇ રહી છે. આમ છતાં હાલમાં રાદડિયા જૂથ દ્વારા સમગ્ર ચૂંટણી બિનહરીફ થાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે.

કયા સભ્યો કપાવવાની શક્યતા

ડિસ્ટ્રિક્ટ બેન્કની વર્તમાન બોડીમાં રાજકોટ, જેતપુર અને ગોંડલમાં બે-બે સભ્યો હોય એક-એક કપાશે. ભીતરમાંથી જાણવા મળ્યા મુજબ રાજકોટમાંથી છગનભાઇ ગઢિયા, જેતપુરમાંથી ગોરધનભાઇ ધામેલિયા અને ગોંડલમાંથી પ્રવીણભાઇ રૈયાણીને રાદડિયા જૂથની પેનલમાં સ્થાન મળે તેવી શકયતા છે, જ્યારે રાજકોટના હરિભાઇ અજાણી, જેતપુરના દિનેશભાઇ ભુવા અને ગોંડલના મગનભાઇ ઘોણિયાનું નામ કપાવવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.

આઠ ફોર્મ ઉપડ્યા

વાંકાનેરના ધારાસભ્ય મોહમ્મદ જાવિદ પીરઝાદા
દત્તાત્રેય મંડળીના ટપુભાઇ લીંબાસિયા
મહાત્મા ગાંધી મંડળીના યજ્ઞેશભાઇ જોશી
ગોંડલ માલધારી મંડળીના મૈયાભાઇ ટોલિયા
શિવરાજગઢ જૂથ સેવા સહકારી મંડળીના મગનભાઇ ઘોણિયા
ખેડૂત સેવા સહકારી મંડળી રીબડાના હસમુખભાઇ હરિલાલ ઘેલાણી
અદિતિ ક્રેડિટ કો.ઓપ. સોસાયટી રાજકોટના સહદેવસિંહ ગોહિલ
રાજકોટ શહેર ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક મંડળીના ભૂપેન્દ્રસિંહ જાડેજા

લોધિકા, ધોરાજી અને વાંકાનેરમાંથી ઉમેદવારો ઉમેરાશે

બેન્કની જૂની બોડીમાં લોધિકા, ધોરાજી અને વાંકાનેરનો એકપણ સભ્ય ન હતો, પરંતુ હાઇકોર્ટની ગાઇડલાઇન મુજબ ચૂંટણી નવા નિયમો મુજબ યોજાતી હોય આ ત્રણેય તાલુકાની મંડળીઓના સભ્યોને બેન્કમાં ઉમેદવારી કરવાની અને સભ્ય થવાની તક મળશે.