શિક્ષણ વિભાગે જ કર્યા બોગસ ઓર્ડર, સરકારી કોલેજમાં સમાવી લેવાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ખાનગી અને ગ્રાંટ-ઇન-એઇડના બે વ્યાખ્યાતાને સીધા જ સરકારી કોલેજમાં સમાવી લેવાયા - રાજકોટની કુંડલિયા અને પોરબંદરની એમ.ડી. સાયન્સ કોલેજમાં બન્ને છ-છ વર્ષથી ફરજ બજાવે છે

જૂનાગઢ ઘોડાસરા કોલેજમાં બી.બી.એ.ના અભ્યાસક્રમ માટે ભરતી કરાયેલા બે વ્યાખ્યાતાઓને કોઇપણ પ્રકારના ઇન્ટરવ્યું કે ભરતી પ્રકિયા વિના સીધા જ સરકારી કોલેજમાં સમાવી લેવાયાનો હુકમ ઉચ્ચ શિક્ષણ વિભાગે જ કર્યાની વિગતો બહાર આવતાં ચકચાર મચી જવા પામી છે. વર્ષ ૨૦૦૫માં કરાયેલા આ બોગસ હુકમ બાદ છેલ્લા સાત-સાત વર્ષથી બન્ને વ્યાખ્યાતાઓ રાજકોટની કુંડલિયા કોલેજ અને પોરબંદરની એમ.ડી.સાયન્સ કોલેજમાં ફરજ બજાવી રહ્યા છે. આમ છતાં કોઇના ધ્યાને આ બાબત ન આવી તે પણ આશ્ચર્યની વાત છે. જયોતિન્દ્ર જાની અને દિલીપ ત્રાંબડિયા જૂનાગઢની ખાનગી કોલેજમાં વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવતા હતા. દરમિયાન ફેબ્રુઆરી-૨૦૦૫માં ઉચ્ચ શિક્ષણ કમિશનર પી.વી.ત્રિવેદી અને સંયુક્ત શિક્ષણ નિયામકની સહી સાથેનો એક હુકમ પત્ર ક્રમાંક સયજ/૨૦૦૩/૩૩૧૪/ખ.૧ તા.૧૩/૯/૨૦૦૪ અને તા.૮/૨/૨૦૦૫ અન્વયે મોકલાયો હતો જેમાં એમ.એમ.ઘોડાસરા મહિલા આર્ટસ-કોમર્સ, જૂનાગઢના બી.બી.એ.ના અભ્યાસક્રમ માટે ભરતી કરેલ બન્ને વ્યાખ્યાતાઓને નવી નિમણૂંક ગણી અન્ય અનુદાનપાત્ર સંસ્થામાં સમાવવાની મંજૂરી મળતાં તેમને બિન સરકારી અનુદાનપાત્ર કોલેજમાં જે તે વિષયની ખાલી જગ્યા ઉપર સમાવવા જણાવાયું હતું. એ પત્ર દ્વારા જયોતિન્દ્ર એમ.જાની અને દિલીપ જે. ત્રાંબડિયાને પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે સમાવવાના આદેશ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ શિક્ષણ વિભાગના આદેશ બાદ સૌથી મહત્વનો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે જયોતિન્દ્ર જાની સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ફરજ બજાવતાં હતાં. તો તેઓની નિમણૂક સરકારી કોલેજમાં કેવી રીતે કરી શકાય ? દિલીપ ત્રાંબડિયા પણ ગ્રાંટ ઇન એઇડ કોલેજમાં હતાં છતાં તેઓને પણ પોરબંદરની સરકારી કોલેજમાં નિમણુંક આપી દેવાઇ.

છેલ્લા સાત સાત વર્ષથી બન્ને વ્યાખ્યાતાઓ રૂ.૮૫૦૦-૨૭૫-૧૩૫૦૦ના પગાર ધોરણ મુજબ પગાર મેળવી રહ્યા છે. સરકાર તેને દરમહિને પગાર પણ કરી રહી છે. જૂનાગઢથી સરપ્લસ થઇને જયોતિન્દ્ર જાની રાજકોટની કુંડલિયા કોલેજમાં નિમણુંક પામ્યા છે અને અધ્યાપકોના યુનિયનમાં મહામંત્રીનો હોદ્દો પણ શોભાવી રહ્યા છે. આ પ્રકરણે આગામી દિવસોમાં નવાજૂની થવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે.

- કેવી રીતે થયો ભાંડાફોડ

જયોતિન્દ્ર જાની રાજકોટ ખાતે ફરજ બજાવતાં હતાં તેને છ વર્ષ પૂરા થયા બાદ કહેવાય છે કે, તેઓએ પ્રિન્સપાલને જ અપાતો ખાસ પાસવર્ડ યેનકેન પ્રકારે મેળવી લઇને પગાર સ્કેલમાં જાતેજ સુધારા વધારા કરી નાંખ્યા છ-છ વર્ષથી ગેરકાયદે રીતે ફરજ બજાવી રહેલાં જાની વધુ પગાર મેળવવાની લાલચ ન રોકી શક્યા પણ પાપે છાપરે ચડીને પોકાર્યું પેવેરિફેશન યુનિટના એકાઉન્ટન્ટ (ગાંધીનગર)નાં ધ્યાન પર ચેડાં થયાની બાબત આવી ગઇ તેઓએ તા.૧/૧/૨૦૦૬નો પગાર અને સિસ્ટમ કેલ્કયુલેટ પગારમાં તફાવત આવે છે તે બાબતે જાનીનો ખુલાસો પૂછી તેમની પ્રથમ નિયમિત નિમણૂંક અંગે પગાર અને પગાર ધોરણની વિગત સાથેની સેવાપોથીમાં નોંધ કરેલ સક્ષમ અધિકારીની સહીવાળું હુકમની નોંધ સાથેનું પાનું સ્કેન કરવા જણાવ્યું.

(ઓનલાઇન પ્રક્રિયા થતી હોવાથી) ખુલાસો થઇ શકે તેવી સ્થિતિ જ નથી ખાનગી કોલેજમાંથી સરકારી કોલેજમાં નિમણુંક આપતો હુકમ ગેરકાયદે હોવાથી જયોતિન્દ્ર જાની પ્રથમ નિયમિત નિમણુંક અંગે પત્ર ખુલાસારૂપે રજૂ કરે તો સત્ય વિગતો બહાર આવી શકે તેમ છે. તેમજ પગાર ધોરણમાં કરાયેલા ચેડાની વિગતો પણ પ્રકાશમાં આવી જાય આ કૌભાંડ તેઓએ કેવી રીતે કર્યું અને પાસવર્ડ કેવી રીતે મેળવાયો? તેમા કોની મદદ લેવામાં આવી? સહિતની વિગતો પણ જાનીએ જાહેર કરવી પડે.