કચરા નિકાલનો નાકરાવાડી પ્લાન્ટ બંધ, શહેરમાં કચરાના ગંજ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દિવાળીની રજામાં કોન્ટ્રાક્ટરે પ્લાન્ટને તાળાં મારી દીધા

રાજકોટમાંથી નીકળતા કચરાના નિકાલ માટે મનપાએ નાકરાવાડી ખાતે બનાવીને કોન્ટ્રાક્ટ પર આપેલો ગાર્બેજ પ્લાન્ટ છેલ્લા ૧૧ દિવસથી બંધ હાલતમાં છે. કોન્ટ્રાક્ટરે કારણ એવું દર્શાવ્યું છે કે, માણસો દિવાળીની રજા પર ઉપડી જતાં વ્યવસ્થા થઇ શકતી ન હતી. પ્લાન્ટ ૧૧ દિવસ સુધી બંધ જ પડયો રહેતા અમુક કચરો સોખડા ડમ્પિંગ યાર્ડ તો બાકીનો કચરો જ્યાં ત્યાં નિકાલ કરી દેવાતાં શહેરની હાલત કચરાનગર જેવી બની ગઇ છે. રાજકોટમાંથી દૈનિક ૪પ૦ ટન જેટલો કચરો નીકળે છે.

કચરાને શહેરની બહાર નિકાલ કરવા માટે મનપાએ નાકરાવાડી અને સોખડા એમ બે જગ્યાએ ડમ્પિંગ યાર્ડ બનાવીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. કોન્ટ્રાક્ટર આ કચરો જમીનમાં દાટીને તેમાંથી ખાતરનું ઉત્પાદન કરે છે. દરમિયાન ધનતેરસથી લઇને સળંગ ૧૧ દિવસ સુધી નાકરાવાડી ગાર્બેજ પ્લાન્ટ બંધ હાલતમાં પડયો હતો. પ્લાન્ટ પર કામ કરતાં માણસો દિવાળીની રજામાં ચાલ્યા જતાં વ્યવસ્થા થઇ શકી ન હોવાનું કારણ કોન્ટ્રાક્ટરે મનપાને આપ્યું છે. કોન્ટ્રાક્ટર માણસોની વૈકલ્પિક વ્યવસ્થા કરીને પ્લાન્ટ ચાલુ રાખ્યો ન હોવા છતાં મનપા કોન્ટ્રાક્ટરને થાબડભાણા કરી રહ્યું છે.

બીજીબાજુ નાકરાવાડી ગાર્બેજ પ્લાન્ટનો બોજ સોખડા ડમ્પિંગ યાર્ડ પર આવતા ત્યાં પણ અવ્યવસ્થા સર્જા‍ઇ હતી. કચરો જમીનમાં દાટવા માટે જગ્યા સહિ‌તનો મેળ કરવામાં વ્યવસ્થા ડખે ચડી ગઇ હતી. નાકરાવાડીએ મોકલવાનો થતો કચરો અમુક જથ્થો સોખડા લઇ જવાતો હતો તો મોટાભાગનો જથ્થો શહેરમાં જ જ્યાં જગ્યા મળે ત્યાં ખુલ્લા પ્લોટમાં ઠલવી દેવામાં આવતો હતો. અમુક વિસ્તારોમાંથી તો કચરો જ ઉપાડવાનું બંધ કરી દેવાતાં સ્થિતિ ગંભીર બની હતી.

રિપોર્ટ મુક્યા વગર રજા પર ઉતરી જનાર સફાઇ કામદારોના પગાર કાપી નાખવા આદેશ

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો મોટાભાગનો સ્ટાફ શહેરની સફાઇ વ્યવસ્થા રેઢીપડ મૂકીને દિવાળીની રજા પર ઉતરી ગયા હતા. અમુકે તો રજા રિપોર્ટ પણ મુક્યો હતો. વગર રજાએ રજા પર ઉતરી ગયા હોય એવા સફાઇ કામદારથી માંડી સેનેટરી ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર સહિ‌તનાનો પગાર કાપી લેવાનો આદેશ થયો છે.