નર્મદાના ધાંધિયાના પાપે દૂષિત પાણી ધાબડવાનું શરૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નર્મદાના ધાંધિયાના પાપે દૂષિત પાણી ધાબડવાનું શરૂ
- આજી ઝોન બાદ હવે રૈયાધાર ઝોનમાં આવકમાં ગાબડું પડવા લાગતાં સિંચાઇ માટે રખાયેલા ન્યારી-૨ના દૂષિત પાણીનો ઉપાડ થવા લાગ્યો


આજી ઝોનમાં તો છેલ્લાં બે મહિ‌નાથી નર્મદાના ધાંધિયા છે. હવે રૈયાધાર ઝોનમાં પણ નર્મદાની આવકમાં ગાબડા પડવા લાગતાં આ ખાંચો પૂરો કરવા માટે સિંચાઇ માટેના ન્યારી-૨ ડેમનું દૂષિત પાણી ઉપાડીને પીવાના પાણી તરીકે ધાબડી દેવાનું શરૂ થયું હોવાની ચોંકાવનારી માહિ‌તી પ્રકાશમાં આવી છે. રાજકોટમાં નર્મદાના ધાંધિયા દિવસેને દિવસે વધુ વકરતા જાય છે.

આજી ઝોન બાદ હવે રૈયાધાર ઝોનમાં પણ નર્મદાના ગાબડાં પડવા લાગ્યા છે. આવી સ્થિતિમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાના આયોજનમાં ઇન્ડસ્ટ્રીયલ અને દૂષિત પાણીનો નિકાલ જે ડેમમાં થાય છે અને સિંચાઇ માટે રખાયેલા ન્યારી-૨ ડેમમાંથી ઘટતો જથ્થો ઉપાડીને પ્રજાને વિતરણ થઇ રહ્યો હોવાનું જાણવા મળે છે. રૈયાધાર ઝોનને પપ એમએલડીની જરૂરિયાત સામે ૧પ એમએલડી જેટલું નર્મદા નીર ઓછું મળી રહ્યું હોય આ ખાંચો પૂરવા ન્યારી-૨નું દૂષિત પાણી ઉપાડીને રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટમાં ભેળવીને વિતરણ શરૂ કરાયું છે.

'પાણી ક્લોરિનેશન કરીને વિતરણ કરવામાં આવે છે' - ન્યારી-૨નું પાણી ઉપાડીને સીધું જ વિતરણ કરવામાં આવતું નથી. આ પાણીને રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ પર લઇ જઇને બાદમાં કલોરિનેશન સહિ‌તની ટ્રીટમેન્ટ કરીને પીવાલાયક બનાવીને બાદમાં વિતરણ કરવામાં આવે છે. તેનાથી જનઆરોગ્યને નુકસાન થતું નથી. વી.સી.રાજ્યગુરુ, સિટી ઇજનેર, વોટર વક્ર્સ શાખા

સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં અધિકારીનો ઉધડો લેવાયો

સ્ટેન્ડિંગની ઔપચારિક મિટિંગ શુક્રવારે મળી હતી. આચારસંહિ‌તાના કારણે કોઇ દરખાસ્તનો નિર્ણય કરી શકાયો ન હતો. દરમિયાન પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ડો.જૈમન ઉપાધ્યાયે વોટર વક્ર્સ શાખાના સિટી ઇજનેર વી.સી.રાજ્યગુરુનો ઉધડો લીધો હતો અને ગત વર્ષે આજી, ન્યારી અને ભાદર સહિ‌ત સ્થાનિક જળાશયોમાં પર્યાપ્ત પાણી આવ્યું હોવા છતાં વિતરણ વ્યવસ્થા શા માટે ચલાવી શકાતી નથી તેવો સવાલ ઉઠાવીને ઉધડો લીધો હતો.

રોહીદાસપરામાં લાઇન લીકેજ શોધવા મનપાની ટીમ ધંધે લાગી
પાણીની લાઇન સાથે ડ્રેનેજનું પાણી ભળતા અનેકને ઝાડા-ઊલટી


ઉપલાકાંઠે આવેલા રોહીદાસપરામાં ઝાડા-ઊલટીના કેસ વધતાં તપાસ દરમિયાન પાણીની લાઇનમાં ડ્રેનેજનું ગંદું પાણી ભળતું હોવાની આશંકા ઊઠી હતી. ત્રણ વ્યક્તિને તો સરકારી હોસ્પિટલે ખસેડવા પડયા હતા. ર્વોડ નં.પમાં મોરબી રોડ પર આવેલા રોહીદાસપરામાં છેલ્લાં ત્રણેક દિવસથી ઝાડા-ઊલટીના એકપછી એક કેસ દેખાતા આ અંગે આ વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમના ડિરેક્ટર અનિલ મકવાણાને જાણ થતાં વિસ્તારમાં દોડી ગયા હતા.

રોહીદાસપરામાં આવતા પાણીની તપાસ કરતાં પાણીમાંથી દુગ્ર્‍ાંધ આવતી હોવાનું માલૂમ પડયુ હતું. બાદમાં વધુ તપાસ કરતા પાણીની ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં ડ્રેનેજની લીક થયેલી લાઇનમાંથી ગંદું પાણી ભળતું હોવાની આશંકા જણાઇ હતી. દરમિયાન ત્રણ દિવસમાં સંખ્યાબંધ લોકો ઝાડા-ઊલટીના ભરડામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. એ પૈકી જમનાબેન સાગઠિયા, કિશોરભાઇ સાગઠિયા અને ક્રિષ્નાબેન સાગઠિયા સહિ‌ત ત્રણ વ્યક્તિને હોસ્પિટલે ખસેડાયા હતા.