ઢોલ-ત્રાંસા વગાડી ગૌસેવા માટે ૧૪ લાખનું ફંડ એકત્રિત કરાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લજાઇના ઢોલ ત્રાંસા મંડળના સદસ્યોએ અનોખું ઉદાહરણ પૂરું પાડયું

અત્યારના કળિયુગમાં પણ કેટલીક સેવા એવી હોય છે કે જે સતયુગની યાદ અપાવી દે છે. આજે પણ માનવીમાં માનવતાના ગુણ એટલી જ પ્રચંડતાથી જીવે છે. મોરબી પાસેના લજાઇ ગામના ઢોલ ત્રાંસા મંડળના સભ્યોએ તાજેતરમાં ગોંડલ પંથકની ગૌશાળાઓમાં રૂપિયા ૧૪ લાખના ખોળનું વિતરણ કરી ગૌસેવાનું અનેરું ઉદાહરણ પૂરું પાડયું છે. આજના યુગમાં માણસ ભીખ આપવામાં પણ ઉદારતા દાખવતો નથી, તો પશુઓ પ્રત્યે તો શી ઉદારતા રાખે? ત્યારે માલેતુજારો પણ ન કરી શકે તેવું સરાહનીય કામ લજાઇના યુવાનો છેલ્લા આઠ વર્ષથી કરી રહ્યા છે અને કામધેનુ ઢોલ ત્રાંસા મંડળ ચાલી રહ્યું છે.

યુવાનોની ધગશ પ્રશંસનીય

પ્રફુલ્લભાઇ પટેલના વડપણ હેઠળ ચાલતા આ મંડળમાં ૩૦ યુવાનો સેવા આપે છે.આ યુવાનોમાં કોઇ ખેતી કરે છે, કે કોઇ વ્યવસાય કરે છે. હાલના સમયમાં માનવી ખુદ પણ માનવીનું ભલું કરી શકતો નથી ત્યારે આ યુવાનો સમાજને પ્રેરણા લેવા જેવું કામ કરી રહ્યા છે. લગ્ન કે અન્ય માંગલિક પ્રસંગોમાં ઢોલ વગાડીને આ યુવાનો સંગીતની સુરાવલીઓના સથવારે પ્રસંગને તો મહેકાવે જ છે,સાથોસાથ સેવાના અભિગમને પણ.

અત્યાર સુધીમાં ૨૦ લાખનું દાન અપાયું


ઢોલ ત્રાંસા મંડળે અત્યાર સુધીમાં ૨૦ લાખનો ઘાસચારો તો વિતરણ કરી દીધો છે. છેલ્લા પાંચ - છ દિવસથી ગોંડલ પંથક અને અન્ય વિસ્તારોમાં આ મંડળે મુકામ કર્યો છે. મંડળના મોભી પ્રફુલ્લભાઇએ જણાવ્યું હતું કે મંડળના તમામ સભ્યોને આ કામ કરવામાં કોઇ જ ક્ષોભ નથી. બલ્કે ગૌ માટે કંઇક કરી છૂટવાનો આત્મસંતોષ મળે છે. સૌરાષ્ટ્રભરમાં ગૌસેવા માટે આમેય ગોંડલ જાણીતું જ છે. તેમણે ગોંડલમાં ગૌસેવક ગોપાલભાઇ ટોળિયા, જયકરભાઇ જીવરાજાની, મોવિયાના કિશોરભાઇ ફળદલિયા, ગુંદાળાના રાજભા ઝાલા સહિ‌ત અન્ય ગૌભક્તોની સેવાના કાર્યને બિરદાવ્યા હતા.