આ વર્ષે પણ શહેર થશે પાણી-પાણી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ક્યાં-ક્યાં પાણી ભરાય છે તે જાણ હોવા છતાં મનપા તંત્રે તેના નિકાલની કોઈ વ્યવસ્થા કરી નથી રાજકોટને પાણી પાણી કરવાનું વચન ભાજપે આપ્યું છે. પીવાનું પાણી તો પૂરતા પ્રમાણમાં મળતું નથી. પરંતુ વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કોર્પોરેશને આ વર્ષે પણ કરી નથી. તેથી શહેર ફરી પાણી પાણી થઈ જશે. પરકોલેશન વેલ, રસ્તાની બન્ને બાજુએ ઢાળ કે નાના વોટર વે જેવી કોઈ વ્યવસ્થા તંત્રએ હજુ સુધી કરી નથી. કેરળમાં ચોમાસાનું શાહી આગમન થઇ ચૂક્યું છે. ૧૮મી જૂન આજુબાજુ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે તેમ હવામાનખાતાએ જણાવ્યું છે. રાજકોટમાં પ્રિ-મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર જ ચાલી રહી છે. વર્ષોથી રાજકોટમાં મુખ્ય રાજમાર્ગો ઉપર માત્ર ત્રણ ઇંચ વરસાદમાં રોડ નદીમાં ફેરવાઇ જાય છે. સમસ્યા : રાજકોટમાં સૌથી ગંભીર સમસ્યા ચોમાસામાં લક્ષ્મીનગર નાલાની સર્જાય છે. ચારથી પાંચ ઇંચ વરસાદમાં અહીંથી પસાર થવું મુશ્કેલ બને છે. આ સમસ્યા વર્ષો જૂની છે. કોઇ નિકાલ હજુ સુધી કરાયો નથી. તે ઉપરાંત, આ વખતે તો ત્યાં ડિવાઇડર મૂકવામાં આવ્યા છે. જેનાથી ચોમાસામાં સૌથી વધુ અકસ્માત સર્જાશે. આ નાલુ ઔદ્યોગિક વિસ્તાર, વ્યાપારી ઝોન, જૂના શહેરને ૧૫૦ ફૂટ રિંગરોડ સહિતના મોટા વિસ્તારો સાથે જોડે છે. હજારો લોકો ચોમાસામાં ત્યાં ફસાય છે, હેરાન થાય છે. ઉકેલ : સૌ પ્રથમ તો ડિવાઇડર દૂર કરવા જોઇએ, ત્યાં મોટી જાળીવાળો કૂવો બનાવવો અને પાણીના નિકાલ માટે પાઇપલાઇનો નાખવી જોઇએ. - હેમુ ગઢવી/ટાગોર રોડ સમસ્યા : છેલ્લા ૧૦ થી ૧૫ વર્ષથી પાણી ભરાય છે. ટાગોર રોડ, હેમુગઢવી પાછળના ભાગેથી વરસાદનું પાણી હેમુગઢવી હોલના આગળના ભાગે એકત્ર થાય છે. ત્યાં ડિવાઇડર મૂકી દેવાયા છે. જેથી પાણી ગોઠણ સુધી ભરાય છે. પાણીના નિકાલ માટે જાળીવાળો કૂવો બનાવાયો હતો. જે હાલ ધૂળથી ભરાયેલો છે. તંત્રએ કોઇ કાર્યવાહી નહીં કરતા આ વર્ષે પણ લોકો હેરાન થશે. ઉકેલ : વરસાદ પહેલા ડિવાઇડરમાં જગ્યા મૂકવી જોઇએ, કૂવાને સાફ કરાવવો જોઇએ. પાણી યોગ્ય દિશામાં આગળ જાય તેવી તાકીદની વ્યવસ્થા કરવી જોઇએ. આ રસ્તાને અડીને ધર્મેન્દ્રસિંહ કોલેજનું મેદાન છે. તેમાં પરકોલેશન વેલ કરી પાઈપ લાઈન દ્વારા પાણી ત્યાં લઈ જવું જોઈએ. - યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ સમસ્યા : રાજકોટના તમામ લોકો આ રોડ ઉપર અવર-જવર કરે છે. ખાસ કરીને વરસાદમાં રામકૃષ્ણ આશ્રમ પાસે ગોઠણડૂબ પાણી ભરાઇ રહે છે અને સતત લોકોની અવર-જવરના કારણે ચોમાસામાં સૌથી વધુ ટ્રાફિકજામ સર્જાય છે. શહેરનો હાઈલી કોમર્શિયલ આ રસ્તો છે. મનપા ટેક્સની કરોડો રૂપિયાની આવક આ રસ્તા પરથી મેળવે છે. પરંતુ વેપારીઓને અને લોકોને આ સમસ્યામાંથી ઉગારવા તંત્ર પાસે કોઈ વ્યવસ્થા નથી. ઉકેલ : ચોમાસા દરમિયાન ડિવાઇડર દૂર કરવા જોઇએ અને પાણી નિકાલની અત્યારથી વ્યવસ્થા કરવી જોઇએ. તે ઉપરાંત, ટ્રાફિકજામ હળવો કરવા પોલીસે વ્યવસ્થા ગોઠવવી જોઇએ. - રૈયા રોડ, આઝાદ ચોક સમસ્યા : ૩ ઇંચ વરસાદમાં રૈયારોડ-જૂના રાજકોટથી વિખૂટો પડી જાય છે. સ્કૂટર તો શું કાર લઇને પણ જવું લોકો માટે મુશ્કેલ બને છે. કાલાવડ રોડ સાઇડ અને રૈયારોડ ઉપરથી પાણી અહીંયા એકત્ર થાય છે. આગળ પાણી જવાની કોઇ જ વ્યવસ્થા નથી. આ વિસ્તારમાં રહેતા લોકોને ચોમાસામાં અસહ્ય મુશ્કેલીઓ સહન કરવી પડે છે. ઉકેલ : રૈયારોડ હવે અત્યંત ગીચ છે, ત્યાં રસ્તા પર ભરાતું પાણી અંદરની સોસાયટીઓમાં જાય છે. પ્રથમ તો રહેણાંક વિસ્તારમાં વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત બનાવવું જોઈએ તે ઉપરાંત રસ્તાની બન્ને બાજુએ નાના-નાના પરકોલેશન વેલ બનાવી પાણી સીધું અંદર ઉતરે તેવું કરવું જોઈએ.