જમીન ભાજપના નેતાઓની, અને દબાણ હટાવશે મનપા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મોરબી રોડ પર ભાજપ અગ્રણીની જમીન પર ચણાયેલાં મકાનો ખાલી કરાવવાની કોશિશ શહેરના મોરબી રોડ પર શહેર ભાજપ અને પ્રદેશ ભાજપના નેતાઓ સહિતના મોટાં માથાંઓની સહિયારી ભાગીદારીથી ખરીદાયેલી ખાનગી જમીન ઉપર બનેલા સૂચિતના ૧૬ મકાનો સત્તાના જોરે મહાપાલિકા પાસે ખાલી કરાવવાનો ખેલ ખેલાઇ રહ્યો છે. આજે મનપાએ આ ૧૬ કબજેદારોને નોટિસ ફટકારતા આ આખો ખેલ ખુલ્લો પડ્યો હતો. મોરબી રોડ પર ગ્રીનલેન્ડ ચોકડીથી જકાતનાકા વચ્ચે ૨૦ એકર ખેતીની જગ્યા રાજકોટ શહેર ભાજપના બે અને એક પ્રદેશ ભાજપની સાથોસાથ યુનિવર્સિટીના રાજકારણમાં પણ સક્રિય એવા એક નેતા તથા અન્ય બે થી ત્રણ મોટાં માથાંઓ સહિયારી ભાગીદારીથી ખરીદ કરવાની વાટાઘાટ ચાલી રહી છે. આ જમીન ઉપર સૂચિતના ૧૬ મકાનો બની ગયેલા છે. તેમાં રહેતા પરિવારો વર્ષોથી અહીં વસવાટ કરી રહ્યા છે. સૂચિતના આ મકાનો મોકાની જમીન પર અડચણરૂપ હોય તેને હટાવવા માટે છેલ્લાં ત્રણેક મહિનાથી પ્રયાસો ચાલી રહ્યા છે. જમીન બીનખેતી માટે આ બાંધકામ દૂર કરવા પડે તેમ છે. જમીન ખુલ્લી કરાવવા માટે ભાજપના આ નેતાઓએ સત્તાનો પૂરેપૂરો ઉપયોગ કરી મહાપાલિકા પાસે કાર્યવાહી કરાવવાનો રસ્તો અપનાવ્યો છે. આજે આ તમામ ૧૬ કબજેદારોને ટાઉન પ્લાનિંગ એક્ટ ૨૬૦/૧ની નોટિસ ફટકારી છે. - કબજેદારોને પૈસા આપીને જમીન ખાલી કરાવવાનો પ્રયાસ થયો હતો ખેતીની જમીન પર બની ગયેલા ૧૬ મકાનો ખાલી કરાવવા કબજેદારોને ભાજપના નેતાઓએ પૈસા આપીને જગ્યા ખાલી કરાવવાનો પ્રયાસ પણ કરેલો છે. પરંતુ કબજેદારોની માગણી વધુ હોય મામલો ઉકેલાતો નથી. અંતે ભાજપના નેતાઓએ મહાપાલિકા અને કલેક્ટર તંત્રનો ઉપયોગ કરવાનો રસ્તો અપનાવ્યો છે. - મેં હાઇકોર્ટના આદેશનું પાલન કર્યું છે: રૂપાણી આ પ્રકરણ અંગે ટાઉન પ્લાનિંગ અધિકારી બકુલ રૂપાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, મૂળ ખાતેદાર હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટે એવો આદેશ આપ્યો છે કે, મહાપાલિકાએ અરજદારની રજૂઆત મુજબ નોટિસ આપવી. હાઇકોર્ટના આ આદેશ સંદર્ભે મનપાની લીગલ શાખાનો અભિપ્રાય માગ્યો હતો અને બાદમાં આ આદેશનું પાલન કરીને ૨૬૦/૧ એટલે કે, હયાત બાંધકામમાં વધારાનું કન્સ્ટ્રકશન ન કરવું અને ૧૦ દિવસમાં કબજેદારે રજૂઆત કરવી. - બિનખેતી કરાવી ૫૦૦ પ્લોટ પાડવાનું આયોજન ! મોરબી રોડ પર હાલ ખેતીની આ જમીન પરનું દબાણ કોઇપણ ભોગે દૂર કરાવી બાદમાં જમીન બિનખેતી કરાવી ત્યાં ૫૦૦ પ્લોટિંગ પાડવાનું આયોજન હોવાનું જાણકારોમાં ચર્ચાઇ રહ્યું છે. અહીં રહેણાક અને કોમર્શિયલ બન્ને બાંધકામનું પ્લાનિંગ થઇ ચૂક્યું હોવાનું પણ કહેવાય છે.