રાજકોટ: મુસ્લિમ અગ્રણીના ભાઈ સહિતે ખડકેલા 34 દબાણો તોડી પડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- એસ્ટ્રોન ચોક, ભોમેશ્વર વાડી, વાલ્મીકિ વાડીમાં ડિમોલિશન
- દબાણકર્તાઓ દ્વારા વોંકળામાં અને વિસ્તારમાં 32 મકાનો અને 2 મંદિરો ખડકી દેવાયા હતા

રાજકોટ: રાજકોટના એસ્ટ્રોન ચોક વોંકળા પર, ભોમેશ્વર વાડી અને વાલ્મીકિ વાડીમાં મુસ્લિમ અગ્રણીના ભાઇ ઇશાદ જાનમહંમદ મેણુ સહિત 27 આસામીઓએ ગેરકાયદે ખડકેલા 32 મકાનો અને 2 મંદિરો પર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ દબાણ હટાવ ઓપરેશન દરમિયાન માતા-પુત્રીએ પોતાના હાથ પર છરીના ઘા મારવાનું ડીંડક કરી ડિમોલિશ અટકાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તંત્રે મચક આપી ન હતી.

ટીપી ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું કે, મુસ્લિમ અગ્રણીના ભાઇ ઇશાદભાઇ જાનમહંમદ મેણુએ ગેરકાયદેસર રીતે 4 ઓરડી ખડકી દીધી હતી અને હાજરાબેન મેણુએ બે ગેરકાયદે ઓરડી ચણી લીધી હતી. આ બંનેએ સરકારી જગ્યામાં ગેરકાયદે ઊભી કરેલી ઓરડીઓ ભાડે દઇ દીધાનું બહાર આવ્યું છે.

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની સૂચનાના પગલે ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી. સાગઠિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે સેન્ટ્રલ ઝોન વિસ્તારની ટી.પી. સ્કીમ નં.23ના અનામત પ્લોટ નંબર 24/બી તથા 12.00 મીટર ટી.પી. રોડ પરના દબાણો, એસ્ટ્રોન ચોકમાં વોંકળાના દબાણો, વાલ્મીકિ વાડી અને ભોમેશ્વર વાડીમાં સરકારી જમીનો પર ખડકાયેલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું. મહાનગરપાલિકાએ 27 આસામીઓ દ્વારા ખડકાયેલા 32 કાચા-પાકા મકાનો અને 2 મંદિરના દબાણો દૂર કરી કિંમતી જમીનો ખાલી કરાવી હતી. આ ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિજિલન્સ શાખાની ટીમ સાથે રાખવામાં આવી હતી.

મહિલાએ છરીથી હાથ પર કાપો મૂકવા પ્રયાસ કર્યો

ભોમેશ્વરવાડીમાં ભૂતનાથ મંદિર સામે વોંકળામાં ડિમોલિશન દરમિયાન શોભનાબેન ગોગનભાઇ પરમાર નામની મહિલાએ છરીથી હાથ પર કાપો મૂકવા પ્રયાસ કર્યો હતો પરંતુ, વિજિલન્સની ટીમે તેમને ઝડપી લીધા હતા. શોભનાબેને મહાનગરપાલિકાએ નોટિસ આપ્યા વગર જ ડિમોલિશન કર્યાનો આક્ષેપ કર્યો હતો. જેની સામે મનપાના અધિકારીઓએ વોંકળામાં ઝૂંપડું બાંધીને રહેતા શોભનાબેને પાકું મકાન ચણ્યાનું જણાવ્યું હતું. વિજિલન્સે ડિમોલિશન અટકાવવા પ્રયાસ કરનાર માતા-પુત્રીની સામે અટકાયતી પગલાં લીધા હતા.