રાજકોટમાં મંત્રીના ‘પગલે’ આવાસ યોજનામાં સફાઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એક વર્ષથી કાગળ પર રહેલા પ્રોજેક્ટનું આજે મંત્રી આનંદીબેનના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત

રાજકોટમાં આવતીકાલે શહેરી વિકાસ મંત્રી આનંદીબેન પટેલ છેલ્લા એક વર્ષથી કાગળ પર રહેતા હોય એવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવા આવી રહ્યા છે. આ સમયે આવાસ યોજનાઓની હાલત અંગે આનંદીબેનને ઉઠા ભણાવવા માટે વામ્બે આવાસ યોજનામાં આંગણવાડીના લોકાર્પણનો કાર્યક્રમ હોય જે આવાસ યોજના ગઇકાલ સુધી ગંદકીથી ખદબદતી હતી તે અચાનક જ ચોખ્ખીચણાક કરી નાખવામાં આવી છે.

વામ્બે આવાસ યોજનામાં મહાપાલિકાએ આંગણવાડીનું નિર્માણ કર્યું છે. શહેરી વિકાસ મંત્રી આનંદીબેન આવતીકાલે રાજકોટમાં વિવિધ વિકાસ કામોની ચર્ચા, સ્થાનિક કક્ષાએ પ્રશ્નોનું નિરાકરણ અને અમુક કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવા આવી રહ્યા છે. આંગણવાડીના લોકાર્પણ સમયે આવાસ યોજનાની સાફ સુથરી છબિ ઊભી કરવા માટે હજુ ગઇકાલ સુધી ગંદકી ખદબદતી હતી એ એકાએક સફાઇ કરીને આવાસ યોજના ચોખ્ખી ચણાક કરી દેવામાં આવી છે.

મહેસૂલ મંત્રીના આગમનના પગલે મહાનગરપાલિકાનો સ્ટાફ પણ રેવન્યુ તંત્રની સાથે જ દોડધામ કરી રહ્યો છે. આજે તમામ અધિકારીઓની બેઠક બોલાવીને લોકાર્પણના વિવિધ સ્થળની જવાબદારી તેઓને સોંપવામાં આવી હતી. કેટલાક અધિકારીઓની રજા પણ રદ થઇ હોવાનો વસવસો વ્યક્ત થઇ રહ્યો હતો. આવતીકાલે બપોર સુધી મનપાના ઉચ્ચ અધિકારીઓ મંત્રીની સેવામાં વ્યસ્ત રહેશે. બપોર બાદ મહેસૂલ તંત્રની મિટિંગ બોલાવાઇ છે જેમાં ખાસ કરીને દુષ્કાળ અંગે ચર્ચા થવાની શક્યતા છે.

- વર્ષોથી ઝૂંપડામાં વસતા મદારીઓના પરિવારોને મળશે આવાસ માટે પ્લોટ

મહેસૂલ અને શહેરી વિકાસ મંત્રી આનંદીબેન પટેલના હસ્તે વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. રામપરા બેડી પાસે મદારી પરિવારને ૪૦ ચોરસ મિટર જમીન ફાળવણીની સનદનું વિતરણ પણ કરવામાં આવશે. તા.૨ને શનિવારે સવારે ૯.૩૦ વાગ્યે જલજીત હોલ સામે, બોલબાલા માર્ગ પર રૂ.૧૩૨૦ લાખના ખર્ચે બનનાર કોમ્યુનિટી હોલ અને નાનામવા મુખ્ય માર્ગને રૂ.૧૮૫૬.૭૪ લાખના ખર્ચથી આરસીસીથી મઢવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ ઉપરાંત સવારે ૯.૪૫ વાગ્યે વામ્બે આવાસ કેમ્પ, વૃંદાવન સોસાયટી પાછળ, કાલાવડ રોડ પર રૂ.૪૯.૫૦ લાખના ખર્ચથી બનેલી ડૉ.ભીમરાવ આંબેડકર પ્રાથમિક શાળાની ઈમારત અને આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવશે. સવારે ૧૦ વાગ્યે નાનામવા મેઇન રોડ પર મહાત્મા ગાંધી સ્કૂલની સામે જાહેર કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કૃષિ રાજ્ય મંત્રી ગોવિંદભાઇ પટેલ, મેયરશ્રી જનકભાઇ કોટક સહિત મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજરી આપશે.

સવારે ૯ વાગ્યે રામકૃષ્ણનગર, પારેવડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા મહેસૂલ તંત્ર દ્વારા કુવાડવા જીઆઇડીસી પાસે કામચલાઉ ઝૂંપડામાં રહેતા ૬૦ મદારી કુટુંબોને રામપર બેટી ગામે રહેણાક હેતુના ૪૦ ચોરસ મિટરના પ્લોટ ફાળવણીની સનદ વિતરણ કરવામાં આવશે. તેમ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિની કચેરીની યાદીમાં જાણ કરાઇ છે.