ભાજપના કાર્યકરની હત્યાનો આરોપી પોલીસ સલાહકાર સમિતિમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગૃહ વિભાગને લાગ્યું કે રઝાક જામનગરી પોલીસને યોગ્ય સલાહ આપી શકશે ! - રમેશ રૈયાણી હત્યા કેસ સહિતના અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે નામ છે રાજકોટના લોકો માટે જંગલેશ્વર અને નહેરુનગર વિસ્તારના નામ અને તે વિસ્તારમાં રહેતા કેટલાક લોકોના નામ અજાણ્યા નથી. આ બે ‘જાણીતા’ વિસ્તાર પૈકી જંગલેશ્વરમાં રહેતા એક વ્યક્તિની નિમણુંક પોલીસ સલાહકાર સમિતિમાં થઇ છે. અલબત્ત આ નિમણુંકને કોઇ એરિયા સાથે પણ ન જોડીએ તો મહત્વની વાત એ છે કે પોલીસ સલાહકાર સમિતિનો આ સભ્ય પોતે જ અનેક વાર પોલીસ ચોપડે ચડી ચૂકયો છે અને તેમાં એક કેસ તો ભાજપના કાર્યકરની હત્યાનો જ હતો ! જંગલેશ્વર વિસ્તારમાં રહેતા રઝાક જામનગરી નામના ચર્ચાસ્પદ વ્યક્તિની નિયુક્તિ તાજેતરમાં પોલીસ સલાહકાર સમિતિમાં થઇ છે. આ વાત જેવી ફેલાઇ કે અનેક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.રઝાક જામનગરી સામે મારામારી જેવા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. સૌથી અગત્યની વાત એ છે કે ટપુભાઇ લિંબાસિયા જ્યારે ચૂંટણી જીત્યા ત્યારે નીકળેલા વિજય સરઘસમાં ભાજપના કાર્યકર રમેશ રૈયાણીની હત્યા થઇ હતી અને આ હત્યાના આરોપસર રઝાક જામનગરીની પોલીસે ધરપકડ કરી હતી. આ રઝાકને રાજ્યના ગૃહવિભાગે સલાહકાર સમિતિમાં નિમણુંક આપી છે. જંગલેશ્વર વિસ્તારમાં વસતા અને રાજકીય પક્ષો ઉપરાંત સામાન્ય લોકોમાં પણ જે નામ સતત ચર્ચામાં હોય છે તેને આવી મહત્વની સમિતિમાં સ્થાન મળતાં વિવિધ તર્ક તથા આમાં કોની ભૂમિકા હોઇ શકે તેની વાતો શરૂ થઇ છે.