પાંચ ઢોર પાંજરાપોળ મોકલવાનો ખર્ચ ૧૦ હજાર, ૧ મહિ‌નાનું બિલ ૨ લાખ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાયકા પહેલા ઢોર પરિવહનનું તોસ્તાન કૌભાંડ ખુલ્યા બાદ ફરી આ કામગીરી શંકાના દાયરામાં

રાજકોટમાં મહાપાલિકામાં એક દાયકા પૂર્વે ઢોર પાંજરાપોળ મોકલવાની કામગીરીમાં તોસ્તાન કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને તેમાં મુખ્ય શાખા અધિકારી બથવારને સસ્પેન્ડ કરાયા હતા. ફરી એકવખત આવી જ શંકા ઉપજે એવો વહીવટ સામે આવ્યો છે. હાલ રાજકોટથી ૪૦૦ કિ.મી. દૂર વડોદરા જિલ્લાના બોડેલી ગામની પાંજરાપોળમાં મોકલાઇ રહ્યા છે. એક મોટી ટ્રકમાં માત્ર પાંચ ઢોર જ સમાઇ શકે છે અને તે પાંજરાપોળ મોકલવા કોન્ટ્રાક્ટરને ચૂકવાતા રૂ.૧૦ હજારના ખર્ચમાં શંકા ઉપજી રહી છે. એક મહિ‌નામાં રૂ.૨ લાખનું બિલ કોન્ટ્રાક્ટરને ચૂકવાઇ ગયું છે.

રખડતાં ઢોર મહાપાલિકાના હાથે પકડાયા બાદ પોલીસ કાર્યવાહી વગર ન છોડવાનો કડક નિયમ અમલી બન્યા બાદ મોટાભાગના માલધારીઓ ઢોર છોડાવવા આવતા નથી. નિયમ અમલી બન્યા બાદ અત્યાર સુધીમાં પ૨પ થી વધુ ઢોર પકડાયા છે તેમાંથી અત્યાર સુધીમાં ૧૩૨ ઢોર વડોદરા જિલ્લાના બોડેલી ગામની પાંજરાપોળમાં મોકલાયા છે. મનપાને એક ટ્રક રવાના કરવાનો રૂ. ૧૦ હજારનો ખર્ચ થાય છે. એક ટ્રકમાં મોટા પાંચ ઢોર સમાઇ શકે છે.

અગાઉ ઢોર પરિવહનમાં પકડાયેલા તોસ્તાન કૌભાંડને નજરમાં રાખતા હાલ જે રીતે પાંચ ઢોર મોકલવા રૂ.૧૦ હજારનો ખર્ચ દેખાડવામાં આવે છે તેમાં પણ કૌભાંડની બૂ આવી રહી છે. છેલ્લા એક મહિ‌નામાં કોન્ટ્રાક્ટરને રૂ.૨.૬૪ લાખનું ચૂકવણું થઇ ચૂક્યું છે.

ઢોર ડબ્બો હાઉસફૂલ થઇ જતાં પકડવાની ઝુંબેશ ઢીલી પાડવી પડી, શહેરના રાજમાર્ગો પર ફરી પશુઓના અડ્ડા

આજી ડેમ પાસે આવેલા મનપાના ઢોર ડબ્બામાં ૩૦૦ ઢોર સાચવવાની ક્ષમતા છે. હાલ ૨પ૦થી વધુ ઢોર પૂરાયેલા છે. ઢોર ડબ્બો હાઉસફૂલ થઇ જતા ઢોર પકડવાની ઝુંબેશ ઢીલી પાડી દેવાની નોબત આવી છે. ખરેખર તો પકડાયેલા ઢોર સામેની કડક કાર્યવાહીની ગાડી પાટે ચડી છે ત્યારે મહાપાલિકાએ સ્થાનિક કક્ષાએ જ પકડાયેલા ઢોર સચવાય એવી વ્યવસ્થા કરવી જોઇએ.

'ખર્ચ ઘટાડવા નજીકના સ્થળે પાંજરાપોળની શોધખોળ ચાલુ છે'

'ઢોર છેક વડોદરા જિલ્લામાં મોકલાઇ રહ્યા છે. ૪૦૦ કિ.મી. દૂર મોકલવા માટે આટલો ખર્ચ તો થાય જ ને. હાલ અમને સૌથી મોટી ચિંતા એ છે કે, બોડેલી પાંજરાપોળમાં પણ ક્ષમતા પૂરી થવામાં છે. મનપાના ઢોર ડબ્બાની ક્ષમતા પણ હવે નથી. કોઇ પાંજરાપોળ તૈયાર થતી નથી. બોડેલીથી ઢોર સ્વીકારવાનું બંધ કરવામાં આવશે તો શું કરવું એ ચિંતા પણ છે. ખર્ચ ઘટાડવા માટે નજીકનું સ્થળ શોધવાની કવાયત ચાલી જ રહી છે'
- નિલેષ પરમાર (મ્યુનિ. અધિકારી)