ચાર મહિનાનો કોર્સ છ વર્ષે પૂરો કરાવતી કોલેજ!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચર કોલેજ સામે તપાસનો આદેશ આપતા કુલપતિ ચાર મહિનાના સમયગાળામાં પૂરી થઇ જતી શિક્ષણની કાર્યવાહી માટે છ - છ વર્ષ માટે વિદ્યાર્થીઓને ટટળાવતી સૌરાષ્ટ્રની એકમાત્ર ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચર કોલેજ સામે તપાસના આદેશ કરવામાં આવ્યા છે. મંગળવારે મળેલી એકેડેમિક કાઉન્સિલમાં આ મુદ્દે ગરમાગરમ ચર્ચા થયા બાદ કુલપતિએ એક કમિટીની રચના કરીને તેનો રિપોર્ટ ટૂંક સમયમાં જ આપવા કમિટીને જણાવી દીધું છે. આ ઉપરાંત એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કેટલાક નવા અભ્યાસક્રમોને મંજૂરી આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ ફેકલ્ટીઓના ડીન અને અધરધેન ડીનનું પ્રથમ બેઠકમાં કુલપતિએ સ્વાગત કર્યું હતું. જ્યારે એકેડેમિક કાઉન્સિલના બે સભ્યોની સિન્ડિકેટ સભ્ય તરીકે બિનહરીફ વરણી પણ કરવામાં આવી હતી. જ્યારે નવી કોલેજોની મંજૂરી માટે લોકલ ઇન્કવાયરી કમિટીની પણ આ તકે રચના કરવામાં આવી હતી. - કેટલીક વિદ્યાર્થિનીઓના લગ્ન થઇ ગયા પણ થિસિસ પૂરો ન કરી શકી ઇન્દુભાઇ પારેખ આકિટેકચર કોલેજમાં અભ્યાસ કરતી કેટલીક વિદ્યાર્થિનીઓ પોતાના લગ્ન થઇ જતાં અભ્યાસક્રમ અધવચ્ચેથી છોડી દેવાની ફરજ પડી હતી. પાંચ વર્ષના અભ્યાસક્રમ માટે આઠથી નવ વર્ષ લાગે તે કોઇપણ વિદ્યાર્થીઓના વાલીઓને પરવડે તેમ ન હોય આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પાડલિયા અને સિન્ડિકેટ સભ્ય ગીરીશ ભીમાણી સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં ઉપરોકત કોલેજ પોતાની મનમાની ચલાવતી હતી. - ફેકલ્ટીના ડીને લૂલો બચાવ કર્યો ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચરના ડીન હિતેશ ચાંગેલાને એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં છ - છ વર્ષ સુધી થીસીસ પૂરા શા માટે કરાવવામાં આવતા નથી તે અંગેનો સવાલ કરવામાં આવતા તેઓએ લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ સત્વરે પોતાના થિસીસનું કાર્ય પૂર્ણ કરે તે માટે કોલેજ પ્રયત્નશીલ છે. જો કે અનેક વિદ્યાર્થીઓના દસમા સેમેસ્ટર દરમિયાન થિસિસ છ -છ વર્ષ સુધી પૂરા થયા નથી તે પણ હકીકત છે. વડોદરાની એમ. એસ. યુનિવર્સિટી સહિત ગુજરાતમાં આવેલી આકિeટેકચરની બાર કોલેજોમાં દસમાં સેમેસ્ટરમાં જ થિસીસ સહિતની કાર્યવાહી આટોપી લેવામાં આવે છે અને વિદ્યાર્થીઓને તેનું પરિણામ પણ આપી દેવામાં આવે છે. - કમિટીની રચના આર્કિટેકચરના વિદ્યાર્થીઓને ગાઇડ સહિતના મુદ્દે હેરાન - પરેશાન કરીને છ છ વર્ષ સુધી થિસીસ માટે ધક્કા ખવડાવતી ઇન્દુભાઇ પારેખ કોલેજ સામે તપાસ કરવા માટે કુલપતિએ કમિટીની રચના કરી છે. જેમાં પ્રતાપસિંહ ચૌહાણ, એન. આર. શેઠ, હિતેશભાઇ ચાંગેલા, ડૉ. ગીરીશ ભીમાણી, રાહુલભાઇ મહેતા અને નેહલ શુક્લની નિમણુંક કરી છે. - હિરાણી અને છીછિયા સિન્ડિકેટ સભ્ય તરીકે ચૂંટાયા એકેડેમિક કાઉન્સિલમાંથી બે સભ્યોની સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણુંક કરવાની હોય છે. આ માટેની ચૂંટણી જાહેર થયા બાદ એકમાત્ર જયદીપસિંહ ડોડિયાએ ફોર્મ ભર્યું હતું. પરંતુ તેઓએ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા મંગળવારે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠક દરમિયાન ડૉ. ચન્દ્રકાંત હિરાણી અને વર્ષાબેન છીિછયાની એસી-ટુ સિન્ડિકેટ સભ્ય તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.