રાજકોટ: કોંગ્રેસના સ્નેહમિલનમાં મિલન થયું, સ્નેહ ન રહ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કોંગ્રેસના સ્નેહમિલનમાં ઉપસ્થિત કાર્યકરો)
- સ્ટેજ પર સ્થાન ન મળતા કોંગ્રેસના ત્રણ યુવા નેતાએ ચાલતી પકડી
- ઘરનો જ કાર્યક્રમ હોવા છતાં યુવા નેતાઓની અવગણનાથી કાર્યકરો પણ નારાજ

રાજકોટ: રાજકોટમાં અરવિંદભાઇ મણિયાર હોલમાં યોજાયેલા કોંગ્રેસના સ્નેહમિલનના કાર્યક્રમમાં વિવાદ થયો હતો. યુવા નેતાઓને સ્ટેજ પર સ્થાન ન મળતા બે નેતા અને તેના સમર્થકોએ ચાલતી પકડી હતી. આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખનો સંપર્ક કરતા તેઓએ કંઇ થયું ન હોવાનું જણાવ્યું હતું. સ્નેહમિલનના કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે સ્થાનિક આગેવાનો અને કાર્યકરોનું મિલન તો થયું હતું પરંતુ, સ્નેહ ક્યાંય જોવા મળ્યો ન હતો.

રાજકોટમાં સ્નેહમિલનનો કાર્યક્રમ રખાયો હતો અને શંકરસિંહ સહિતના નેતાઓ હાજર રહેવાના હોવાથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહ હતો. બપોરના સમયેે અરવિંદભાઇ મણિયાર હોલમાં સૌ એકઠાં થયા હતા અને એકબીજાને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. જો કે, યૂથ કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજા તેમજ શહેર એનએસયુઆઇ પ્રમુખ મયૂર વાંક તેમજ પૂર્વ પ્રમુખ મુકેશ ચાવડાને સ્ટેજ પર સ્થાન અપાયું ન હતું. આથી, ગણગણાટ શરૂ થયો હતો. કાર્યક્રમ શરૂ થયા બાદ પ્રદેશના તેમજ સ્થાનિક આગેવાનોના ધ્યાન પર ઉપરોક્ત વાત આવતા ત્રણેય યુવા નેતાઓને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું.

અવગણના થતાં ત્રણેય નેતાઓ થોડો સમય સ્ટેજ પર બેસ્યા બાદ ત્યાંથી ચાલ્યા ગયા હતા. આથી, આ નેતાઓના સમર્થક કાર્યકરોએ પણ સ્નેહમિલનના કાર્યક્રમમાંથી ચાલતી પકડી હતી. રાજકોટ શહેર કોંગ્રેસમાં આમ તો જો કે, અનેક જૂથ છે પરંતુ, સ્નેહમિલન જેવા કાર્યક્રમમાં યુવા નેતાઓની અવગણના થતાં કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી.