આર્કિટેકટ દ્વારા બોગસ કમ્પ્લીશન સર્ટિફિકેટનું કૌભાંડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઇમ્પેક્ટ ફીનો ફાયદો લેવાના ઇરાદે બોગસ સર્ટિ‌. ઊભા કર્યા અને ફસાઇ ગયો

રાજકોટ મહાપાલિકામાં પ્રેકિટસ કરતા આર્કિટેક્ટ દીપક મેઘાણી દ્વારા બાંધકામ અંગે અપાતું કમ્પ્લીશન સર્ટિ‌ફિકેટ બોગસ બનાવીને મિલકત ખરીદનારને ધાબડી દેવામાં આવતું હોવાનું ચોંકાવનારું કૌભાંડ પકડાયું છે. દીપક મેઘાણીના પિતા ખોડીદાસભાઇ ભાજપના જૂના અને સક્રિય કાર્યકર છે. દીપક મેઘાણીનું લાઇસન્સ રદ કરી દેવાયું છે.

આ સમગ્ર કારસ્તાન આર્કિટેકટ તરીકે દીપક મેઘાણીએ ઇમ્પેક્ટ ફી માટે ઇનવર્ડ કરાવેલી એક અરજી પરથી ખુલ્યું હતું. ઇમ્પેક્ટ ફીની કામગીરી સંભાળતા એટીપી કુંતેશ મહેતા પાસે આવેલી અરજીમાં સામાકાંઠે રણછોડનગર શેરી નં. ૧૧/૧૩માં રિધ્ધિ ડેવલોપર્સના પાર્ટનર ધનસુખભાઇ મોરારજીભાઇ રાયચુરા દ્વારા રિધ્ધિ એપાર્ટમેન્ટ નામે ૮ રહેણાક ફ્લેટમાં વધારાના બાંધકામને કાયદેસર કરવા અંગે ઇમ્પેક્ટ ફીની અરજી આવી હતી. આ અરજી આર્કિટેક્ટ દીપક મેઘાણીના સહી સિક્કા સાથે ઇનવર્ડ થઇ હતી. હકીકતમાં જે બાંધકામને ઇમ્પેક્ટ ફી હેઠળ લેવાની અરજી થયેલી છે તે બાંધકામ હાલમાં ચાલુ છે. ઇમ્પેક્ટ ફીના કાયદામાં બાંધકામ ૨૦૧૧ પહેલાનું હોય તો જ કાયદેસર થવા પાત્ર છે.

બાંધકામને જૂનું દેખાડવા માટે તા. ૧૩-૩-૨૦૧૧ના રોજની પરવાનગી નં. પ૭૮ તથા બીયુપી(બિલ્ડિંગ યૂઝ પરમિશન) તા. ૨-૧૨-૨૦૧૧માં ક્રમાંક નં. ૪૨૮થી અપાઇ હોવાની વિગત દર્શાવાઇ હતી. આ બન્ને સર્ટિ‌ફિકેટ પ્રથમ દ્રષ્ટિએ જ બનાવટી હોવાની આશંકા ટીપી શાખાને જતાં ટીપીઓ બકુલ રૂપાણી અને એટીપી કુંતેશ મહેતાએ ખાનગીરાહે તપાસ હાથ ધરી હતી અને તપાસના અંતે મનપાના ખોટા સ્ટેમ્પ બનાવડાવી, બોગસ દસ્તાવેજ બનાવીને બન્ને સર્ટિ‌ફિકેટ અનઅધિકૃત હોવાનું સાબિત થઇ ગયું હતું. આ કારસ્તાનનો પર્દાફાશ થયા બાદ મ્યુનિ. કમિશનર અજયકુમાર ભાદુએ તાત્કાલિક પગલાંના ભાગરૂપે દીપક મેઘાણીને જીડીસીઆરની જોગવાઇ મુજબ અપાયેલું કન્સલ્ટિંગ એન્જિનિયર તરીકેનું લાઇસન્સ નં. ઈ/૧પ૦ અને સ્ટ્રકચરલ એન્જિનિયર તરીકેનું લાઇસન્સ નં. ૭પ રદ કરી નાખ્યું છે. તેની સામે ફોજદારી ફરિયાદ પણ કરાશે. તેમ મ્યુનિ. કમિશનર જણાવ્યું હતું.

બોગસ ક‌મ્પ્લિશનના આધારે મિલકતો વેચાઇ પણ ગઇ

રણછોડનગરના કેસ ઉપરાંત કોઠારિયા કોલોનીમાં ક્વાર્ટર નં. પપપનું બાંધકામ પરવાનગી મિલકતધારક કુમુદબેન પારેખને આર્કિટેક્ટ દીપક મેઘાણીએ બનાવી આપ્યું છે. આ ઉપરાંત બિપીનભાઇ ચૌહાણ નામના એક આસામીને નાના મવા રેવન્યુ સર્વે નં. પ૬માં સ્વાતિ સોસાયટીમાં બે રહેણાક મકાનનું કમ્પલિશન બનાવી આપ્યું છે. આ તમામ સર્ટિ‌. દસ્તાવેજી પુરાવા માટે મનપાએ મકાનમાલિક પાસેથી કબજે લીધા છે.

આર્કિટેક્ટના પિતા ધારાસભ્ય ગોવિંદભાઇના કાર્યાલય ઇન્ચાર્જ હતા

આર્કિટેક્ટ દીપક મેઘાણી ઉપર ભાજપના ચાર હાથ હોવાનું કહેવાય છે. તેમના પિતા ખોડીદાસભાઇ મેઘાણી વર્ષો જૂના ભાજપના કાર્યકર છે. ગત વિધાનસભાની ચૂંટણી વખતે ગોવિંદભાઇ પટેલે ગુંદાવાડીમાં મધ્યસ્થ કાર્યાલય ખોલ્યું હતુ ત્યારે આર્કિટેક્ટ દીપક મેઘાણીના પિતા ખોડિદાસભાઇ કાર્યાલય ઇન્ચાર્જ હતા. દીપક મેઘાણીનું લાઇસન્સ રદ થયા પછી મનપાના સંબંધિત અધિકારીઓ ઉપર ભલામણોના ફોન ધણધણવા લાગ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

અન્ય બાંધકામોની પરવાનગી પણ તપાસનો આદેશ

આર્કિટેક્ટ દીપક મેઘાણીએ અત્યાર સુધીમાં કેટલીક જગ્યાએ બાંધકામની પરવાનગીઓ મેળવી છે એ તમામ ડેટા આપવા મ્યુનિ. કમિશનર ભાદુએ ટાઉન પ્લાનિંગ શાખાને આદેશ આપ્યો છે. આ તમામ પરવાનગીઓની પણ તપાસ કરવામાં આવશે.