રાદડિયા સામે તપાસ કરવા સીઇઓનો આદેશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાદડિયા સામે તપાસ કરવા સીઇઓનો આદેશ
- રાજકીય ખેલ - મતદારોને પૈસા વિતરણ કરવાના મામલે
- કુતિયાણાના કોંગ્રેસ પ્રમુખ અસલમ ખોખરની ફરિયાદના પગલે રાજકોટ અને પોરબંદરના ચૂંટણીતંત્રને તપાસ સોંપાઇ


મતદારોને પૈસાનું વિતરણ કરવાના મામલે કુતિયાણાના શહેર કોંગ્રેસ પ્રમુખ અસલમ જે.ખોખરે ચીફ ઇલેક્શન ઓફિસ(સીઇઓ) ને કરેલી ફરિયાદના અનુસંધાને રાજકોટ અને પોરબંદરના ચૂંટણીતંત્રને તપાસનો આદેશ કરાયો છે.

કુતિયાણાના કોંગી પ્રમુખ ખોખરે સીઇઓને પોરબંદરના વિઠ્ઠલભાઇ રાદડિયા મતદારોને પૈસાનું વિતરણ કરતા હોવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદના અનુસંધાને ચીફ ઇલેક્શન ઓફિસ ગુજરાત દ્વારા રાજકોટ અને પોરબંદરના ચૂંટણીતંત્રને વિઠ્ઠલભાઇ રાદડિયા વિરુધ્ધ થયેલી ફરિયાદની તપાસ કરવાનો આદેશ કરાયો છે.

પેઇડ ન્યૂઝના મામલે ભાજપ-કોંગ્રેસને ૧૯ નોટિસો

લોકસભાની ચૂંટણીમાં અખબારોમાં પેઇડ ન્યૂઝ આપવાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના બન્ને ઉમેદવારોને તંત્રે છેલ્લા ત્રણ દિવસમાં વધુ ૧૧ નોટિસો ફટકારી છે. જેમાં, ભાજપના મોહનભાઇ કુંડારિયાને અત્યાર સુધીમાં ૧૧ અને કોંગ્રેસના કુંવરજીભાઇ બાવળિયાને ૮ નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત અન્ય બાબતોમાં પણ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને તંત્રે નોટિસ ફટકારી છે. સાથોસાથ ચૂંટણી કામગીરીમાં બેદરકારી દાખવનારા કર્મચારીઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં ૧.૨૩ લાખ સ્લિપોનું વિતરણ બાકી

લોકસભાની ચૂંટણી સંદર્ભે રાજકોટ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા છેલ્લા ૧૧ દિવસથી મતદારોની ફોટાવાળી સ્લિપોની વિતરણની કામગીરી ચાલી રહી હતી અને અત્યાર સુધીમાં ૨૪,પ૮,પ૩૮ સ્લિપોનું વિતરણ થઇ ચૂક્યું છે અને ૧,૨૨,૯૪૦ સ્લિપોનું વિતરણ બાકી છે. જેમાં, મૃત્યુ પામેલા મતદારો, સ્થળાંતરના કારણે ન મળેલા મતદારો તથા નામ બેવડાવવાના કારણે બાકી રહી ગયેલા મતદારોનો સમાવેશ થાય છે. મોરબીમાં ૮૦૬૨, ટંકારામાં ૧૩પ૧૦, વાંકાનેરમાં ૮૪૮૮, રાજકોટ પૂર્વમાં ૧૭પ૪, રાજકોટ દક્ષિણમાં ૨૭૭૯૪, રાજકોટ ગ્રામ્યમાં ૮પ૯૪, ગોંડલમાં ૪૬૦૪, જેતપુરમાં ૧૩૧પ અને ધોરાજીમાં ૯પ૧૪ સ્લિપોનું વિતરણ બાકી છે. સૌથી વધુ રાજકોટ પ‌શ્ચિ‌મમાં ૩૯૦૬૨ અને સૌથી ઓછી જસદણમાં ૨૪૩ સ્લિપોનું વિતરણ બાકી હોવાનું જાણવા મળે છે.

બાબા રામદેવ વિરુધ્ધ સ્વયમ્ સૈનિક દળ દ્વારા અધિક કલેક્ટરને આવેદન

બાબા રામદેવે ઇટીવીના ઇન્ટરવ્યૂમાં રાહુલ ગાંધી દલિતોના ઘરે હનિમૂન મનાવતા હોવાની કરેલી વાંધાજનક ટિપ્પણીથી ખફા થઇ ગયેલા રાજકોટના દલિત સમાજના સ્વયમ્ સૈનિક દળ દ્વારા અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કાયદેસરના પગલાં ભરવામાં ન આવે તો ચૂંટણીનો બહિ‌ષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.