મોદીની શપથવિધિની આજે રાજકોટમાં ભવ્ય ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મોદીની શપથવિધિની આજે રાજકોટમાં ભવ્ય ઉજવણી
- તમામ વોર્ડમાં આતશબાજીના કાર્યક્રમ

દિલ્હી ખાતે આજે સોમવારે સાંજે નરેન્દ્રભાઇ મોદી ભારતના વડાપ્રધાન તરીકેના શપથ લેશે. એ ઐતિહાસિક ક્ષણને વધાવવા માટે દેશના કરોડો ભાજપના કાર્યકરોમાં અનેરો થનગનાટ છે. રાજકોટમાં પણ ભાજપ દ્વારા એ પ્રસંગને ઉમંગભેર ઉજવવામાં આવશે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઇ વસોયાએ જણાવ્યું હતું કે, સોમવારે સાંજે ૬:૦૦ કલાકે શહેરના તમામ ૨૩ વોર્ડના મુખ્ય ચોકમાં ભાજપ દ્વારા ફટાકડાં ફોડીને આ ઐતિહાસિક પ્રસંગના વધામણા થશે. દરેક વોર્ડમાં મીઠાઇ વિતરણ કરાવવામાં આવશે.

શહેર ભાજપ અગ્રણીઓ ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું કે, દેશના લાખો-કરોડો ભાજપના કાર્યકરોએ લાલ કિલ્લા પર કેસરિયો લહેરાય એ સ્વપ્ન નિહાળ્યું હતું. સોમવારે એ સ્વપ્ન સાકાર થશે. દેશના નવા ગૌરવવંતા ઉજ્જવળ યુગનો સોમવારે સાંજે નરેન્દ્રભાઇ વડાપ્રધાનપદના શપથ લે એ સાથે જ આરંભ થશે. એ પ્રસંગને માત્ર ભાજપના કાર્યકરો જ નહીં, પણ સમગ્ર રાજકોટની જનતા હેતથી વધાવશે એવું એ બન્ને અગ્રણીઓએ ઉમેર્યું હતું. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં ભાજપના આગેવાનો શહેરીજનોના મોં મીઠા કરાવશે.

ભાજપ કાર્યાલયે મોટા પડદા પર પ્રસારણ

સોમવારે નરેન્દ્ર મોદીનો શપથવિધિ સમારોહ નિહાળવા માટે દેશ આખો ટી. વી. સામે ગોઠવાઇ જશે. રાજકોટમાં ભાજપના કરણપરા સ્થિત મધ્યસ્થ કાર્યાલયે એ શપથવિધિ સમારોહનું જીવંત પ્રસારણ મોટા પડદા પર નિહાળી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.