રાજકોટ...

મચ્છુ હોનારતને 37 વર્ષ પૂરા, આજે પણ યાદ કરી લોકો કાંપી જાય છે
મચ્છુ હોનારતને 37 વર્ષ પૂરા, આજે પણ યાદ કરી લોકો કાંપી જાય છે

Prakash Parmar

Aug 10, 2016, 09:37 AM IST
મોરબીઃ મોરબીના મચ્છુ હોનારતને 11 ઓગસ્ટે 37 વર્ષ પૂરા થયા છે. મોરબીના મચ્છુ ડેમની હોનારત આજે પણ સાક્ષીઓની નજરે તરી રહી છે. સતત વરસાદ અને ઉપરવાસના પાણીને લઇ મચ્છુ ડેમની જળ હોનારતમાં અસંખ્ય માનવ જિંદગી અને પશુઓના મોત થયા હતા. તંત્ર મૃતકોને સાયરન વગાડી સલામી આપશે. તે સમયની કુદરતની ક્રૂરતાની તસવીરો જોઇ આજે પણ લોકોની આંખોમાંથી આંસુ આવી જાય છે.
11 ઓગસ્ટ 1979ના દિવસે બપોરના 3.15 વાગે મચ્છુ-2 ડેમ તૂટ્યો હતો

11 ઓગસ્ટ, 1979નો એ દિવસ. બપોરનો 3.15 કલાકનો સમય અને સમાચાર વહેતા થયા કે ત્રણ ત્રણ દિવસથી વરસતો વરસાદ અને ઉપરવાસથી થતી પાણીની જંગી આવકથી મચ્છુ-2 ડેમ તૂટ્યો અને લોકો જીવ બચાવવા કંઇ વિચારે કે પગલાં ભરે એની તક પણ પાણીએ ન આપી. ધસમસતા આવતા મચ્છુના નીરે મોરબીને ઘેરી લીધું અને શરૂ થઇ સંહાર લીલાની શરૂઆત. દર વર્ષે મોરબી આ મોતના તાંડવને યાદ કરે છે. પૂરના પાણી ઓસરી ગયા છે. પરંતુ હૃદયમાં કોતરાયેલા ઘાવ નથી રૂઝાયા. મોરબી ફરી બેઠું થઇ ગયું અને વિકાસની કેડીએ દોડતું પણ થઇ ગયું. પરંતુ કાળની થપાટે જેમના પરિવારજનો કે સર્વસ્વ છીનવ્યું છે તેમની પીડાને કલાકો, દિવસો કે વરસો મલમ નથી લગાવી શક્યા.
શું બન્યું હતું તે દિવસે બપોરે 3.15 કલાકે?
સતત વધતી પાણીની આવક ન સમાવી શકતા ડેમ તૂટ્યો અને 3.30 કલાકની આસપાસ તો મોતના તાંડવે આખા શહેરને બાનમાં લઇ લીધું હતું. શહેરમાં જળની સપાટી વધવા લાગી, જીવ બચાવવા પણ ક્યાં જવું? એ મોટો સવાલ! માત્ર બે જ કલાકમાં તો મકાનો અને ઇમારતો જમીનદોસ્ત બનવા લાગી. હજારો માનવ જિંદગીઓ કંઇ સમજે તે પહેલાં તો પાણીમાં તણાઇને ક્યાંય પહોંચી ગઇ. સૌથી વધુ ભોગ અબોલ જીવોનો લેવાયો. જે બચી ગયા એ લાચાર આંખે પોતાના પરિવારજનોને, મિલકતને તણાતા જોવા સિવાય કશું કરવા અસમર્થ હતા.
કાળની એક જ થપાટે આશિયાના સ્મશાન સમા બની ગયા
કાળની એક જ થપાટે આશિયાના સ્મશાન સમા બની ગયા. કોણે શું ગુમાવ્યું એનો હિસાબ તો શક્ય જ ન હતો. બસ વધી હતી લાચારી, બેબસી અને અસહાયતા. ત્રણ જ કલાકમાં આ ખેલ પૂરો થઇ ગયો અને તેની ભૂતાવળ સમી યાદગીરી કાયમી બની ગઇ. આજે એ ઘટનાને સાડા ત્રણ દસકા વીતી ગયા તેમ છતાં પોતાના સ્વજનોને ખોઇ બેસનારા લોકોની આંખો આજે પણ એ ઘટનાની યાદમાં સજળ બની જાય છે.
મચ્છુ હોનારતની વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો.....(તસવીરો: રોહન રાંકજા, મોરબી)
X
મચ્છુ હોનારતને 37 વર્ષ પૂરા, આજે પણ યાદ કરી લોકો કાંપી જાય છેમચ્છુ હોનારતને 37 વર્ષ પૂરા, આજે પણ યાદ કરી લોકો કાંપી જાય છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી