૧૨ વર્ષના માસૂમ તરુણને બનેવીએ ગુપ્તી ઝીંકી દીધી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માર્કેટિંગયાર્ડ નજીક મારામારી ત્રણ ઘવાયા
ઘવાયેલા ત્રણેયને હોસ્પિટલમાં ખસેડાયા, સશસ્ત્ર મારામારીથી નાસભાગ
શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં માર્કેટિંગયાર્ડ પાસેની આંબાવાડીમાં રહેતા બે પરિવારો વચ્ચે સશસ્ત્ર મારામારી થતાં નાસભાગ મચી ગઇ હતી. તરુણને તેના બનેવીએ ગુપ્તીનો ઘા ઝીંકી દેતાં તેને ગંભીર ઇજા થઇ હતી. બંને જૂથે ત્રણ લોકોને ઇજા થઇ હતી.
આંબાવાડીમાં રહેતો રાજુ લાભુભાઇ જખાણિયા (ઉ.વ.૧૨) રવિવારે રાત્રિના નવેક વાગ્યે પોતાના ઘરે હતો ત્યારે તેનો બનેવી રાજુ ભના સાડમિયા ધસી આવ્યો હતો. અને કોઇ કારણસર ઝઘડો કરી રાજુને ગુપ્તીનો ઘા ઝીંકી દીધો હતો. તરુણ પર હુમલો થતાં જખાણિયા પરિવાર ડઘાઇ ગયો હતો. અને તેણે પાડોશમાં રહેતા શિવા રામુ જસાણી (ઉ.વ.૧૬) અને વિજય ચના જસાણી (ઉ.વ.૨૦) પર તલવાર ધારિયાથી હુમલો કર્યો હતો. રાજુ જખાણિયા અને ઉપરોકત બંને સહિ‌ત ત્રણેયને લોહિ‌યાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બે જૂથ વચ્ચે ઘાતક હથિયારોથી મારામારી થતાં આંબાવાડી વિસ્તારમાં રહેતા લોકોમાં થોડીવાર માટે ભયનું લખલખુ પ્રસરી ગયું હતું. બનાવની જાણ થતા બી.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. અને હુમલાનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. તેમજ બંને પક્ષની ફરિયાદ પરથી સામસામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી. ૧૨ વર્ષના તરુણ પર તેના બનેવીએ કરેલા ઘાતક હુમલાએ ભારે ચકચાર જગાવી હતી.
શ્રમજીવી સોસા.માં બે યુવાન પર ખૂની હુમલો
ઉપલાકાંઠા વિસ્તારની લાખાજીરાજ સોસાયટીમાં રહેતા આરીફ ગુલાબહુશેનભાઇ ચાવડા (ઉ.વ.૩૪)ને અગાઉ રમીઝ ઉર્ફે રાજુ ગફાર સાથે સામે જોવાના મુદ્દે બોલાચાલી થઇ હોય તેનો ખાર રાખી રમીઝ, ઇદાયત અફઝલ, હસન ઉર્ફે અલુ, હારૂન ચાનિયા, મોહસિન અને સીરાજ કાસમ સુમરાએ આરીફ ચાવડા અને તેના મિત્ર આબીદ પર કોયતા-છરીથી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા બંને યુવાનોને લોહિ‌યાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે આરીફના ભાઇ ઇરફાન ચાવડાની ફરિયાદ પરથી હુમલાખોરો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.