બેદરકારતંત્રની બલિહારી : લાઇન તૂટતાં હજારો લિટર પાણીનો વ્યય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બેદરકારતંત્રની બલિહારી:લોકો વલખાં મારે અને આવી રીતે પાણીના ધોધ વહે

રાજકોટ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ભગવતીપરા વિસ્તારમાં આજે સેંકડો લિટર પાણીનો વ્યય થયો હતો. કોર્પોરેશન આ વિસ્તારમાં અન્ડરબ્રિજનું કામ શરૂ કરી ચૂક્યું છે તેમાં તો ટેક્નિકલ ક્ષતિ સર્જાઇ જ છે પરંતુ આજે તે પુલનું ખોદકામ થઇ રહ્યું હતું ત્યારે મનપાના મહાપંડિત ગણાતા ઇજનેરોના અજ્ઞાનને લીધે પાણીનું વહન કરી રહેલી પાઇપલાઇન પર ખોદકામના સાધનોના ધણ વાગતાં ફુવારા છુટયા હતા.

અલબત્ત રવિવારે થોડું કામ કરાય? તેવી માનસિકતા ધરાવતો સ્ટાફ આ ઘટના પછી પણ કલાકોના વિલંબ બાદ પહોંચ્યો હતો અને તેથી જે પાણીનો વેરો તંત્ર માફ કરતું નથી તે પાણી નકામું વહ્યું હતું. ગોંડલ રોડ બ્રિજનું કામ હજુ પૂર્ણ થયું નથી ત્યાં આ નવા પુલના કામની શરૂઆતથી જ અણઘડ આયોજન છતું થઇ રહ્યું છે.

ભગવતીપરા અને આસપાસનમા વિસ્તારમાં આજે બપોરે અચાનક પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો. લોકો કાંઇ વિચારે તે પહેલાં તો ચોમેર પાણી પાણી થઇ ગયું હતું અને છેક લાતી પ્લોટ સુધી આ નદી પહોંચી હતી. આ વખતે તો ચોમાસામાં પણ આટલું પાણી ક્યારેય વહ્યું નથી તો અત્યારે શું થયું તેવો સવાલ લોકોને થયા પછી તરત જ તેમણે જ તોડ કાઢ્યો હતો કે કોર્પોરેશનની પાણીની પાઇપલાઇન તૂટી હશે. અને લોકોની ધારણા સાચી નીકળી હતી.

રાજકોટ મનપાની પાણની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હોવાથી આ સ્થિતિ સર્જાઇ હતી અને આ કોઇ ટેક્નિકલ કારણ કે પછી હવાના દબાણને લીધે પાઇપલાઇન તૂટી હોય તેવું સામાન્ય કારણ નહોતું. માનવસર્જિત ભૂલને લીધે જ આ પાઇપ તૂટી હતી. ભગવતીપરા પાસે અન્ડરબ્રિજનું કામ માંડ માંડ શરૂ થયું છે અને તે માટે ખોદકામ ચાલુ હતું ત્યારે જમીન ખોદતાં ખોદતાં પાઇપલાઇન પર બોથડ પદાર્થ ટકરાયો હતો અને પાણી વહી નીકળ્યું હતું. કલાકો સુધી પાણી વહેતું રહ્યું હતું.

એક તરફ રાજકોટમાં પાણીની તીવ્ર અછત પ્રવર્તી રહી છે. શહેરીજનો ફકત નર્મદાનીર પર આધારિત છે,જળાશયો તદ્દન ખાલી થવા તરફ છે ત્યારે કેમ પાણી બચે તે જોવાના બદલે તંત્ર પાણી વેડફાઇ જાય ત્યાં સુધી જાગૃત થતું નથી. ડંકી કરવી,બોર ગાળવા જેવાં અનેક આયોજનો કરવાં અને બીજી તરફ આવી રીતે પાણી વેડફાય તો ય બપોરની ‘ઊંઘ’ માણવી તે બે ય કેમ ચાલે?તેવો સવાલ પાણીની તંગી વેઠી રહેલા લોકોને થઇ રહ્યો છે.

- એન્જિનિયરોને અન્ડરગ્રાઉન્ડ વ્યવસ્થાની જાણ જ નથી!

ગોંડલરોડ પર બ્રિજ બન્યો ત્યારે પણ આવી સમસ્યા સર્જાઇ હતી. મહાનગરપાલિકાના એન્જિનિયરોને ક્યા વિસ્તારમાં પાણીની કે ડ્રેનેજની પાઇપલાઇન અન્ડરગ્રાઉન્ડ છે તેનો ખ્યાલ જ નથી હોતો. અગાઉ સેટેલાઇટ સર્વે,મેપિંગ અને ફોટોગ્રાફી કરાવાઇ છે. એજન્સીઓ ભોજન કરી લાખો રૂપિયા લઇને જતી રહી છે નકશા ક્યાં અને મેપ ક્યાં તે એન્જિનિયરોને ખ્યાલ નથી!તેથી કોઇ પણ દિવસે કોઇ પણ પાઇપલાઇનમાં સીધું કાણું પડે છે!