પુસ્તકો વિક્રેતા સુધી નહીં પહોંચતા દેકારો, વાલીઓની હાલત કફોડી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નવું શૈક્ષણિક સત્ર ઢૂંકડું છે ત્યારે ધો. ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓની કફોડી પરિસ્થિતિ

રાજકોટ સહિત રાજ્યભરની શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. તેમ છતાં, પાઠ્યપુસ્તક વિક્રેતાઓને ધો. ૧ થી ૧૨ના ત્રણ-ચાર વિષયના પાઠ્યપુસ્તકોની પૂરતી પુરવણી પાઠ્યપુસ્તક મહામંડળ દ્વારા હજુ સુધી આપવામાં આવેલ ન હોવાથી પાઠ્યપુસ્તક વિક્રેતાઓમાં દેકારો બોલી ગયો છે.

પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ગુજરાતી મીડિયમનો અભ્યાસક્રમ ગત વર્ષે બદલાયા બાદ પાઠ્યપુસ્તક મહામંડળ દ્વારા ગુજરાતી મીડિયમના ૧ થી ૮ અને અંગ્રેજી મીડિયમના ૧ થી ૪ના અમુક પુસ્તકો જ પાઠ્યપુસ્તકોના વિક્રેતાઓને આપવામાં આવેલ છે. જ્યારે, અન્ય પાઠ્યપુસ્તકો હજુ સુધી આપવામાં આવેલ નથી.

ચાલુ વર્ષે ધો. ૬ થી ૮ ગુજરાતી મીડિયમના અભ્યાસક્રમ બદલી નવા પુસ્તકો અમલી બનાવાતા જે વિક્રેતા પાસે પાઠ્યપુસ્તકોનો જૂનો સ્ટોક હતો તેઓને નુકસાની સહન કરવી પડે તેમ હોય જેથી વિક્રેતાઓએ માલ ઉપાડવાનો ઇન્કાર કરી દેતાં મહામંડળે સમાધાનકારી વલણ દાખવી વિક્રેતાને સમાજ, વિજ્ઞાન, હિન્દી વિષયના પુસ્તકોની પુરવણી કરી આપવાની ખાતરી આપી હતી હાલ તો, મહામંડળ દ્વારા પૂરતા પુસ્તકો વિક્રેતા સુધી નહીં પહોંચતા હાલત કફોડી બની છે.

દરમિયાન નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ પુસ્તકના ધાંધિયા થતાં વાલીઓ અને વિદ્યાર્થીગણમાં દોડધામ મચી ગઈ છે આમ છતાં જવાબદાર શિક્ષણ તંત્ર દ્વારા આ દિશામાં કોઈ નક્કર પગલાં ભરાયા નથી.

- પૂરતાં પુસ્તકો વિક્રેતાને પહોંચાડવાની જવાબદારી અમારી નથી : ડીઈઓ

વિક્રેતાઓ અને વાલી, વિદ્યાર્થીઓ હાલ પૂરતા પાઠ્યપુસ્તકો નહીં મળતા હેરાન-પરેશાન થઇ ગયા છે. આ બાબતે, રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી જે. કે. વિસિયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ પ્રશ્ન અમારો નથી. પાઠ્યપુસ્તક મહામંડળ અને વિક્રેતાઓનો છે. અમારા વિભાગમાં ન આવે.

- નિ:શુલ્ક અપાતાં પુસ્તકો પહોંચાડવાની જવાબદારી ડીઈઓની હોય : કોરાટ

ધો. ૯ થી ૧૨ના એસ. ટી. એ. સી. બક્ષીપંચના વિદ્યાર્થીને રાજ્યસરકારે વિનામૂલ્યે પુસ્તકો આપવાની જાહેરાત કરી છે. રાજ્યસરકાર આ પુસ્તકો જે-તે જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરીએ મોકલી આપે છે. દરેક જિલ્લા શિક્ષણાધિકારીની જવાબદારી આવે કે આ પુસ્તકો પૂરતા પ્રમાણમાં જે-તે શાળાને પહોંચાડે તેમ શિક્ષણ બોર્ડના સભ્ય ડૉ. પ્રિયવદન કોરાટે અને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના ઉપપ્રમુખ કનુભાઇ સોરિઠયાએ જણાવ્યું હતું.

- વિક્રેતાઓની માગણી પ્રમાણે પુસ્તકો આપેલા છે : નાયબ નિયામક

પાઠ્યપુસ્તક મંડળના નાયબ નિયામક હરેશભાઇ લિંબાસિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટના વિક્રેતાઓએ જે પ્રમાણે ગણતરી કરી પુસ્તકો માગ્યા છે તે પ્રમાણે પુસ્તકો આપેલા જ છે. લોકલ લેવલે વિતરણમાં ખામી હોય તો યોગ્ય વિક્રેતા સુધી પુસ્તકો ન પહોંચ્યા હોય તેવું બને. છતાં, પુસ્તકો ઘટતા હોય તો હજુ મગાવી લેવાની વિક્રેતાઓને છુટ જ છે.