રિમાન્ડ દરમિયાન બિશુ વાળાને દુ:ખાવો, હોસ્પિટલમાં દાખલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૪ માસ સુધી ફરાર રહેલા ફાઇનાન્સરને ખરેખર પીડા ઉપડી કે બીમારીના બહાને દાખલ ? અનેક ચર્ચા

મારામારી, ફાયરિંગ અને અપહરણ, લૂંટના ગુનામાં રિમાન્ડ ઉપર સોંપાયેલા કુખ્યાત ફાઇનાન્સર બશિુ બહાદુરભાઇ વાળાને પડખામાં દુ:ખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જેલ અથવા પોલીસ કસ્ટડીમાં રખાયેલા ગુનેગારો આરામ કરવા બીમારીના બહાને હોસ્પિટલમાં દાખલ થઇ જતા હોવાના અનેક બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે.

ત્યારે ચાર માસ સુધી ફરાર રહીને રાજ્યભરમાં આંટાફેરા કરનાર ફાઇનાન્સરને અદાલતે રિમાન્ડ ઉપર સોંપવાનો આદેશ કર્યા પછી એકાએક દુ:ખાવો શરૂ થતા અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં રહેતા ફાઇનાન્સર બિશુ વાળાએ ૨/૧૦/૧૨ના રોજ પાર્કિંગના મુદ્દે પડોશી છગનભાઇને ધમકી આપી હતી તેમજ ફાયિંરગ કરીને છગનભાઇના મિત્ર જિતેન્દ્ર રમેશભાઇ જોષીનું અપહરણ કરી ભંગડા ગામની વાડીમાં ગોંધીને માર માર્યો હતો.

બાદમાં રોકડ, ચેઇન લઇ જિતેન્દ્રને શાસ્ત્રીમેદાન નજીક ધમકી આપીને મુકત કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. ઉપરોકત ગુનામાં ફાઇનાન્સરના પુત્ર સહિતના આરોપીની જે તે સમયે ધરપકડ થઇ હતી. ચાર માસ સુધી ફરાર રહ્યા બાદ એકાએક પોલીસ સમક્ષ રજૂ થયેલા બિશુ વાળાને પાંચ દિવસના રિમાન્ડની માગ સાથે રજૂ કરાતા અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. લૂંટનો મુદ્દામાલ, હથિયાર કબજે કરવાની કાર્યવાહી શરૂ થતા આજે બપોરે બિશુ વાળાએ પડખામાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી. તેને સારવાર માટે લઇ જવાતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.