બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ તરીકે સંજય વોરા ચૂંટાયા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વન-ડે મેચ હોવા છતાં ૫૧.૪૦ ટકા મતદાન થયું
- પ્રમુખ સહિત ૧૪ હોદ્દા માટે ૩૬ ઉમેદવાર વચ્ચે જંગ હતો : રાતે ૧૧ વાગે પરિણામ જાહેર


વકીલો માટે પ્રતિષ્ઠાભરી મનાતી રાજકોટ બાર એસોસિએસનની વર્ષ ૨૦૧૩ માટેના પ્રમુખ સહિતના હોદ્ેદારોની ચૂંટણી આજે સંપન્ન થઇ હતી. રાતે મત ગણતરી સંપન્ન થતાં પ્રમુખ તરીકે સંજયભાઇ વોરા, ઉપ પ્રમુખ તરીકે સિધ્ધરાજસિંહ જાડેજા ચૂટાઇ આવ્યા છે.

બાર એસોસિએસનમાં પ્રમુખ સહિત કુલ ૧૨ જગ્યા માટે કુલ ૩૬ વકીલોએ ઉમેદવારી નોંધાવી હતી. દર વર્ષે ઉમેદવારી નોંધાવવાથી માંડીને ચોકઠા ગોઠવવામાં માહિર ગણાતા સિનિયર ધારાશાસ્ત્રીઓ પહેલેથી જ નિષ્ક્રિય રહેતા ચૂંટણી નિરસ બને તેવી ધારણા હતી. પરંતુ આજે રાજકોટમાં આજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે વન-ડે ક્રિકેટ મેચ હોવા છતાં વકીલોએ ભારે ઉત્સાહ સાથે પ૧.૪૦ % મતદાન કર્યું હતું. કુલ ૨૪પ૧ નોંધાયેલા સભ્યોમાંથી ૧૨૬૯ વકીલે મતદાન કર્યું હતું.

રાતે મત ગણતરી સંપન્ન થતાં પ્રમુખ તરીકે એસ.કે.વોરા ૮૯૬ મત મેળવીને તેમના હરીફ હરિસિંહ વાઘેલા અને એન.જે.કંટારિયાને પરાસ્ત કર્યા હતા.ઉપ પ્રમુખ તરીકે સિધ્ધરાજસિંહ જાડેજા ૮૪૬ મત સાથે તેમના હરીફ દિનેશભાઇ સાજડાને હરાવીને વિજેતા ગયા હતા. સેક્રેટરી તરીકે મુકેશભાઇ દેસાઇ તેના હરીફ ચેતનસિંહ પરમારને પરાસ્ત કરીને જોઇન્ટ સેક્રેટરી તરીકે ઉજજવલ રાવલ તેના હરીફ બિપીનભાઇ ગાંધી અને સંજયભાઇ જોષીને હરાવીને વિજેતા થયા હતા. જ્યારે ટ્રેઝેરર તરીકે હસમુખભાઇ જોષી તેના હરીફ ઇન્દ્રસિંહ ઝાલાને હરાવીને વિજેતા જાહેર થયા હતા.

કારોબારી સભ્ય તરીકે મુકેશભાઇ પીપિળયા,હરેશભાઇ પરસોંડા,જીજ્ઞેશભાઇ જોષી, જયેન્દ્રભાઇ ગોંડલિયા, વિશાલભાઇ ગોસાઇ, અજયભાઇ યાજ્ઞિક, પ્રશાંતભાઇ પટેલ, મિતુલભાઇ આચાર્ય, લતાબેન અબોટા વિજેતા જાહેર થયા હતા. ચુંટાઇ આવેલા તમામ હોદેદારોને વકીલોએ હર્ષથી વધાવ્યા હતા. અને ફૂલહાર કરી અબીલગુલાલની છોળો વચ્ચે તમામનું અભિવાદન કરાયું હતું. વિજેતા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદેદ્દારોએ વકીલ આલમની સમસ્યાઓના નિરાકરણ માટે તથા સુવિધા વધારવા સંદર્ભે સક્રિય રહી કામગીરી કરવાની ખાતરી આપી હતી.