કોર્પોરેશનની જીપ ઉપર પથ્થરમારો, ભાજપના યુવા કાર્યકર સાથે ભરવાડ તૂટી પડ્યો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ચાનો થડો જપ્ત કરાતાં ભરવાડ શખ્સ ભાજપના યુવા કાર્યકર સાથે તૂટી પડ્યો, બે કર્મચારી ઘાયલ આજે શહેરના માયાણીનગરના ચોકમાં જગ્યારોકાણ શાખાનો સ્ટાફ ચાનો થડો જપ્ત કરવા ગયો હતો. ત્યારે માથાભારે ભરવાડ શખ્સોએ જીપ ઉપર પથ્થરમારો કર્યો હતો. હુમલામાં એસ્ટેટ ઓફિસર સહિત બે કર્મચારી ગંભીર રીતે ઘવાતાં હોસ્પિટલે ખસેડવા પડ્યા હતા. મનપાની વેસ્ટ ઝોન કચેરીની જગ્યારોકાણ શાખાનો સ્ટાફ મંગળવારી બજારમાંથી વહીવટી ચાર્જ વસૂલ કરીને પરત આવતો હતો ત્યારે માયાણીનગર ચોકમાં એક ભરવાડ શખ્સે રોડ પર ટ્રાફિકને અડચણ થાય એ રીતે રાખેલો ચાનો થડો તેમણે જપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. જગ્યારોકાણ શાખાની ટુકડીએ ચાનો થડો જપ્ત કરતા ભરવાડ શખ્સ યુવા ભાજપના એક કાર્યકર સાથે ધસી આવ્યો હતો અને માથાકૂટ કરી એસ્ટેટ શાખાની ટીમને તગેડી મૂકી હતી. આ ઘટના પછી પણ સાતથી આઠ શખ્સો જગ્યારોકાણ શાખાની જીપનો પીછો કરી જીપને આંતરી હતી અને ભરબજારે જીપ ઉપર પથ્થરમારો કરી ધોકાથી જીપમાં તોડફોડ કરી હતી. આ હુમલામાં એસ્ટેટ ઇન્સપેક્ટર લલિત ચોૈહાણ અને મજૂર બટુક શિંગાળાને ઇજા થતા બન્નેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે હુમલાખોરોમાં દિલીપ માટિયા અને અજાણ્યા શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. - યુવા ભાજપના કાર્યકરે ગાળો ભાંડી ચાનો થડો ચલાવતો ભરવાડ શખ્સ યુવા ભાજપના એક કાર્યકરને સાથે લઇને આવ્યો હતો. ભાજપના આ કાર્યકરે જગ્યા રોકાણ શાખાના સ્ટાફ સાથે માથાકૂટ કરી બાદમાં એસ્ટેટ શાખાના ઓફિસરને ફોન કરી ગાળો ભાંડી હતી. - ભરબજારે હુમલો કરી માલ છોડાવી ગયા સરકારી તંત્ર પણ લુખ્ખાઓની દાદાગીરીથી બાકાત નથી રહ્યું એ હદે રાજકોટમાં વકરી ગયેલી ગુંડાગીરીના વરવાં દ્રશ્યો માયાણીનગર ચોકમાં જોવા મળ્યા હતા. યુવા ભાજપના કાર્યકરના સહયોગથી માથાભારે ભરવાડ શખ્સ અને તેના સાગરીતો ખુલ્લેઆમ મનપાએ જપ્ત કરેલો માલસામાન છોડાવી ગયા હતા. - વિજિલન્સ બંદોબસ્ત વગર તંત્ર લડવા નીકળ્યું’તું મનપામાં વિજિલન્સ પી.આઇ. ઝાલાની બદલી થઇ ચૂકી છે. તંત્ર કોઇપણ કામ કરવા જાય ત્યારે જાનનું જોખમ પૂરેપૂરું રહે છે. આજે માયાણીનગરમાં પણ એવી જ હાલત થઇ હતી. વિજિલન્સ બંદોબસ્ત વગર જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ બુઠ્ઠા હથિયારે લડવા નીકળવા જેવી હાલતમાં હતા. - એસ્ટેટ ઓફિસરે કમિશનરને પણ જાણ ન કરી એસ્ટેટ ઇન્સપેક્ટર સહિતના સ્ટાફ ઉપર હુમલાની ઘટના બનવા છતાં ઓફિસર અસોડા ઘટનાસ્થળે આવ્યા ન હતા. ત્યાં સુધી કે આવી ગંભીર ઘટના અંગે મોડે સુધી મ્યુનિ. કમિ. કે ડેપ્યુટી કમિશનરને જાણ પણ કરી ન હતી. આવા વલણ અંગે કર્મચારી યુનિયનમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સુરક્ષા વગર કામગીરીન કરવાની સઘન વિચારણા શરૂ કરી છે.