તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Atakotamam Enigmatic Young Man's Death, Burial, Without Notice To Police

આટકોટમાં યુવાનનું ભેદી મોત, પોલીસને જાણ કર્યા વિના દફનવિધિ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નજીકના વ્યક્તિઓએ મારેલા ઢોર મારથી મૃત્યુ થયાની ચર્ચા
- હત્યાની આશંકાથી પોલીસ તપાસનો ધમધમાટ


આટકોટમાં રહેતા મુસ્લિમ યુવાનનું ભેદી સંજોગોમાં મૃત્યુ નીપજયા બાદ પરિવારજનોએ પોલીસને જાણ કર્યા વિના બારોબાર દફનવિધિ કરી નાખી હતી. એ યુવાનનું મોત કુદરતી નથી થયું પરંતુ તેની હત્યા કરવામાં આવી હોવાની કાન ફાડી નાખે તેવી ચર્ચા શરૂ થતાં પોલીસે હત્યાની શંકાથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કાનૂની વિધિ બાદ મૃતદેહ બહાર કઢાવીને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
ચર્ચાસ્પદ બનતી વિગત મુજબ વાહનચોરી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ઇરફાન અલ્લારખાભાઇ નામના આશરે ૨૨ વર્ષના યુવાનનું ગતરાતે શંકાસ્પદ હાલતમાં મૃત્યુ નીપજ્યું હતું. યુવાનના મૃત્યુ અંગે પોલીસને જાણ કરવાના બદલે પરિવારજનોએ દારૂના બંધાણી પુત્રનું બીમારીથી મૃત્યુ થયાનું જાહેર કરીને તેની અંતિમવિધિ આટોપી લીધી હતી.

ચર્ચાતી વિગત મુજબ બે દિવસ પહેલાં દારૂ પીને આવેલા ઇરફાને પરિવારના સભ્યો સાથે અભદ્ર વર્તન કરતા ઉશ્કેરાયેલા સભ્યોએ તેને આડે હાથ લીધો હતો. ઢોર મારના કારણે તેને ઊલટી થઇ હતી. અમાનુષી મારથી બેભાન બની ગયેલા યુવાનને એક ભંગારના ડેલા નજીક ગોંધી રાખવામાં આવ્યો હતો. ભૂખ,તરસથી તરફડિયા મારતો ઇરફાન કોઇ રીતે બહાર નીકળીને નજીકમાં જ હાઇ-વે ઉપરની એક હોટેલ પહોંચ્યો હતો.

જ્યાં પાણી પીધું તે સાથે ફરી ઊલટી થઇ હતી. ઇરફાન બહાર નીકળી ગયાની જાણ થતાં રોષે ભરાયેલ પરિવારનો એક સભ્ય તેને ફરી ઘરે લઇ જઇ માર મારતા જીવલેણ મારથી યુવાનના પ્રાણ નીકળી ગયા હતા. ઉપરોકત બનાવ અંગે આટકોટના જમાદાર પૂનાભાઇનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે યુવાનના શંકાસ્પદ મોત અંગે ચર્ચા થઇ રહી છે.જોકે હજી સુધી પોલીસમાં વિધિવત કોઇ નોંધ નથી. જોકે ચર્ચા એવી છે કે મૃતકના શરીરે ઇજાના નિશાન હતા.