સોની બજારમાંથી ૫ લાખની મતા ભરેલો થેલો તફડાવનાર ગેંગ ઝબ્બે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મહારાષ્ટ્રથી એન્ટિક વસ્તુ વેચવાના બહાને ગુના આચરતા હતા

સોની બજારમાં પાર્સલ સર્વિસની પેઢીનું સંચાલન કરતા રાજસ્થાની સાળા-બનેવી ઉપર હુમલો કરીને થયેલી ૬૦ લાખની લૂંટના પ્રકરણમાં પોલીસ હજી દિશાવિહીન છે. પરંતુ ૧૭ દિવસ પહેલા સોની બજારમાં વેપારીની નજર ચૂક્વીને પાંચ લાખની માલમતા ભરેલા થેલાની તફડંચી કરનાર મહારાષ્ટ્રની ગેંગના ટાબરિયા સહિત ત્રણ શખ્સને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે.

આરોપીઓ પાસેથી રોકડા ૧,૨૫,૯૦૦ મળી આવ્યા છે. જો કે રોકડ કાઢીને ઘરેણા ભરેલો થેલો સોની બજારમાં જ ફેંકી દીધાની આરોપીની કેફિયત પોલીસને ગળે ઉતરતી નથી. કમિશનર એચ.પી.સીંઘના આદેશના પગલે એ ડિવિઝનના ફોજદાર એલ.એલ.ચાવડા, મદદનીશ શિવરાજસિંહ, હિરેન આહીર, ચેતનસિંહ અને રામ આહીરે ગત રાત્રે ત્રિકોણબાગ નજીકથી ત્રણ શકમંદને અટકાયતમાં લીધા હતા.

ત્રણેયના સામાનની તલાસી લેવાતા રોકડા રૂ.૧,૨૫,૯૦૦ મળી આવ્યા હતા. આ રકમ અંગે યોગ્ય ખુલાસો નહીં કરી શકનાર રામુ નાયડુ (ઉ.વ.૨૦), સુરેશ નાયડુ (ઉ.વ.૨૧) અને શંકર લક્ષ્મણ નાયડુ (ઉ.વ.૧૬) ની ધરપકડ કરવામાં આવી હતી. આકરી પૂછતાછમાં ઉપરોકત રોકડ સોની બજારમાં એક વેપારીના ઝૂંટવેલા થેલામાંથી મળી આવવાની કબૂલાત આપી હતી.

પોલીસે જણાવ્યું હતું કે વાણિયાવાડીમાં જગદંબા જવેલર્સ નામે દુકાન ધરાવતા દેવકરણભાઇ હરસુરભાઇ ગઢવી ૧૭ તારીખે સોની બજાર ગયા હતા. ગોલ્ડન પ્લાઝા ચેમ્બર બહાર તેમના બાઇક આડે પાર્ક થયેલું સ્કૂટર હટાવવા ગયા તેટલી વારમાં તેમના બાઇકમાં ટાંગેલો થેલો ૧૬ વર્ષનો ટાબરિયો તફડાવી ગયો હતો. થેલામાં ૧.૪૦ લાખ રોકડા અને ૩.૬૦ લાખની કિંમતના ઘરેણા હતા.

- ટ્રેનમાં મુસાફરોના સામાનની તફડંચીમાં સંડોવણીની શંકા

પકડાયેલી ત્રિપુટી મહારાષ્ટ્રથી એન્ટિક ચીજ વસ્તુ લાવીને વેચવાના બહાને ગુનો આચરે છે. ટ્રેન રસ્તે રાજકોટ-મુંબઇ આવ જા કરતી આ ગેંગના સભ્યોએ ટ્રેનમાં પણ અનેક મુસાફરોનો માલ સામાન તફડાવ્યાની માહિતી મળતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.