તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Animal Hostel Of Municipal Corporation Rajkot Latest News

મનપાની એનિમલ હોસ્ટેલમાં 200 ઢોરના પ્રવેશ સાથે શ્રીગણેશ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- માલધારી સમાજની પ્રારંભિક બેઠકમાં લેવાયેલો નિર્ણય, પ્રવેશ માટે સામૂહિક ફોર્મ ભરશે

રાજકોટ: રાજકોટની પ્રગતિ અને સુખાકારી માટે જેમણે હરહંમેશ કદમથી કદમ મિલાવ્યા છે એવા માલધારી સમાજ માલઢોર એનિમલ હોસ્ટેલમાં મૂકવા માટે સહમત થવા લાગ્યો છે. મહાપાલિકા તંત્ર, શાસક ભાજપ, વિપક્ષ કોંગ્રેસના પ્રયાસો વચ્ચે દિવ્ય ભાસ્કર માલધારી અને તંત્ર વચ્ચે એક સેતુ બન્યું છે. જેના પગલે બુધવારે માલધારી સમાજની પ્રારંભિક બેઠક મળી હતી. જેમાં ઉપસ્થિત માલધારીઓમાંથી 200 ઢોર એકાદ-બે દિવસમાં મોકલી દેવા તૈયારી દર્શાવી હતી.

કમિશનર નેહરા, મેયર રક્ષાબેન, સ્ટેન્ડિંગ ચેરમેન ભારદ્વાજ, ડેપ્યુટી મેયર કાનગડ, અરવિંદ રૈયાણી તેમજ વિપક્ષમાંથી નેતા ગાયત્રીબા વાઘેલા સહિતના આગેવાનોએ પણ શહેરની સળગતી એવી રખડતા ઢોરની સમસ્યાના કાયમી ઉકેલ લાવવા ભગીરથ પ્રયાસ કર્યો અને અંતે આ પ્રયાસે સફળતાની દિશા પકડી છે.1 ફેબ્રુઆરી પછી મનપા તંત્ર રખડતા ઢોર મામલે આક્રમક બનવા જાય એ પહેલાં જ માલધારીઓએ સંઘર્ષ નહીં પણ સહયોગ, એવો પ્રશંસનીય અભિગમ દાખવ્યો છે.

બુધવારે રાત્રે દીવાનપરામાં આવેલા માલધારી સમાજના સ્થાનક મચ્છો માતાજીના મંદિરે સમાજના આગેવાનીની મિટિંગ મળી હતી. સમાજના આગેવાન કરણાભાઇ માલધારી, રણજીતભાઇ મુંધવા, ભીખાભાઇ પડસારિયા, મુન્નાભાઇ ઘોડાસરા, કરણભાઇ ગમારા, મનોજભાઇ ફાંગલિયા, રામભાઇ ડોંડા, જીણાભાઇ સાંગડિયા, ચિરાગભાઇ મેવાડા, અમભાઇ રાતડિયા, દેવશીભાઇ રાતડિયા, દિલીપભાઇ ગમારા, ગીલાભાઇ મેવાડા, બિજલભાઇ ચાવડિયા, ભગાભાઇ રાતડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટિંગ દરમિયાન એક એવો નિર્ણય લેવાયો હતો કે, પ્રારંભિક તબક્કામાં એકાદ-બે દિવસમાં જ 200થી વધુ માલઢોર એનિમલ હોસ્ટેલમાં મૂકીને શ્રીગણેશ કરાશે. જે માલધારી આગેવાનો હાજર રહ્યા હતા તેમણે ખુદે જ સામેથી પોતાના આ માલઢોર એનિમલ હોસ્ટેલમાં મૂકવા માટે સહમતી દર્શાવી હતી. મિટિંગમાં હાજર રહી શકયા ન હોય તેમના માલઢોર પણ એનિમલ હોસ્ટેલમાં પ્રવેશ મેળવે એવા સફળ પ્રયાસ કરવાનો નિર્ધાર પણ આ મિટિંગમાં કરાયો હતો.

સામૂહિક ફોર્મ ભરીને પ્રેરણાદાયી પ્રયાસ કરવામાં આવશે

જે 200 ઢોર એનિમલ હોસ્ટેલમાં મૂકવા સહમતી દર્શાવી છે એ તમામ માલધારીઓએ શકય હશે તો પ્રવેશવિધિના ફોર્મ સામૂહિક રીતે ભરીને અન્યને પ્રેરણા મળે એવા પ્રયાસ કરવાનું નક્કી થયું છે. સંજોગોવસાત એકઠાં થવાનું સંભવ નહીં બને તો પણ એકાદ-બે દિવસમાં માલઢોર એનિમલ હોસ્ટેલમાં મૂકવા માટેની પ્રવેશવિધિ વ્યક્તિગત રીતે આટોપી લેવામાં આવે.

મ્યુનિ.કમિશનરની વધુ એક પહેલ

કમિશનર નેહરાએ એવી જાહેરાત કરી છે કે, માલઢોરને પ્રવેશ કરાવવા ઇચ્છતા માલધારીઓને સામૂહિક રીતે બોલાવીને એક મિટિંગ કરી બાદમાં સ્થળ પર જ ફોર્મ ભરવા સહિતની વિધિ માટે મનપાના મિટિંગ હોલમાં વ્યવસ્થા કરી અપાશે.

માલધારીઓ અભિનંદનને પાત્ર

દિવસભર વરસાદી માહોલ રહ્યો. પરિણામે દૂધની વ્યવસ્થામાં મોડું થઇ ગયું હોય એવા માલધારીઓ મિટિંગમાં આવી શકયા ન હતા, પરંતુ મોટાભાગના માલધારીઓએ ફોન કરીને કહ્યું હતું કે, તમે જે નિર્ણય કરો એ યોગ્ય જ છે. અમે સાથે છીએ. ખરેખર માલધારીઓનો આ અભિગમ ધન્યવાદને પાત્ર છે.