આંગડિયાઓએ રોકડ હવાલાનો વ્યવહાર કર્યો બંધ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ચૂંટણીપંચ દ્વારા આચારસંહિતા અંતર્ગત આર્થિક વ્યવહારો પર વોચ ગોઠવાતા લેવાયેલો નિર્ણય - અબજોના બેનામી વ્યવહારો ઠપ્પ: ચૂંટણી સંપન્ન થયા બાદ સેવા ફરી શરૂ કરાશે ચૂંટણીપંચ દ્વારા આચારસંહિતા અંતર્ગત આર્થિક વ્યવહારો અંગેના કડક નિયમો અમલી બનાવતા રાજ્યભરના આંગડિયાઓએ ૨પ હજારથી વધુ રોકડ રકમના વ્યવહારો બંધ કરી દીધા છે. રોકડ રકમના વ્યવહારો ઉપર ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સને વોચ રાખવા અપાયેલી સૂચનામાં જે વ્યક્તિ પાસેથી અઢી લાખથી વધુ રોકડ મળી આવે તો તેની કડક પૂછપરછ કરીને આયકર વિભાગના હવાલે કરવાની સૂચના આપવામાં આવી છે. આ નિયમના કારણે આંગડિયાઓએ ચૂંટણી સંપન્ન થઇ જાય ત્યાં સુધી રોકડ રકમની લેવડ-દેવડ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી માત્ર રાજકોટમાં રોજના ૩પ કરોડના વ્યવહારોને સીધી અસર પડી હોવાનુ સૂત્રો જણાવી રહ્યા છે. - ચૂંટણી સંપન્ન થયા પછી રાબેતા મુજબ સેવા શરૂ આંગડિયા મારફત થતી નાણાકીય લેવડ દેવડમાં મોટાભાગના વ્યવહારો બેનામી નાણાંના હોય છે.આંગડિયા પેઢીના શાખ ઉપર વેપારીઓ પ હજારથી માંડીને પ૦ લાખ સુધીના હવાલા પાડે છે. લાખો,કરોડોની લેવડ દેવડમાં કોઇ પાવતી અપાતી નથી માત્રને માત્ર વિશ્વાસ ઉપર ચાલતા આ આર્થિક નેટવર્કને ચૂંટણી પંચના આકરા નિયમોના કારણે કામ ચલાઉ બંધ કરવા નિર્ણય લેવાયો છે. હાલમાં માત્ર પાકા (એટલે કે એક નંબરના અને તે પણ વધુમાં વધુ ૨પ હજાર ) નાણાની લેવડ દેવડ કરવામાં આવશે. ચૂંટણી સંપન્ન થયા પછી રાબેતા મુજબ સેવા ચાલુ કરવામાં આવશે તેમ એક આંગડિયાએ જણાવ્યું હતું. - રાજકોટમાં દરરોજ ૩પ કરોડનું, સૌરાષ્ટ્રમાં ૬૦ કરોડનું ટ્રાન્જેકશન રાજકોટમાં આંગડિયા થકી હવાલા મારફત દરરોજ અંદાજિત ૩પ કરોડની લેવડ-દેવડ થતી હોવાનું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે સૌરાષ્ટ્રમાં આંગડિયા થકી થતાં ટ્રાન્જેકશનનો આંકડો ૬૦ કરોડથી વધુ મનાય છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ ઉપરાંત ભાવનગરમાં પણ આંગડિયા પેઢીઓ રોજિંદો કરોડોની રોકડ રકમનો વિનિમય કરવામાં આવે છે. ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી એ બધા વ્યવહારો ઠપ્પ થઈ જશે. - અનેક ‘નિર્દોષ’ વ્યવહારોને પણ અસર થશે આંગડિયા પેઢીઓએ રોકડની લેતીદેતી બંધ કરવાનો નિર્ણય કરતાં બેનામી નાણાઓનો વ્યવહાર તો અટકી જ જશે. પરંતુ, એ સાથે જ કેટલાક જરૂરિયાત ભર્યા ક્ષેત્રોને પણ તેની અસર થશે. માની લો કે રાજકોટની કોઈ વ્યક્તિ મુંબઈની હોસ્પિટલમાં સારવાર માટે ગઈ હોય અને તેને ઈમરજન્સીમાં મોટી રકમની જરૂર પડે તો અત્યાર સુધી આંગડિયા પેઢીના માધ્યમથી મિનિટોમાં જ એ રકમ પહોંચતી થઈ જતી પરંતુ અત્યારે હવે એ શક્ય નહીં બને. એ જ રીતે ચાંદી કે અન્ય કિંમતી વસ્તુઓનું રાજ્ય બહાર વેચાણ કરતા વેપારીઓ જે તે સ્થળે રોકડ રકમ સ્વીકારી આંગડિયા મારફત એ રકમ પોતાના મૂળ શહેરમાં પહોંચાડતા. પરિણામે સલામતી રહેતી. હાલ પૂરતી એ સુવિધા પર પૂર્ણવિરામ લાગી ગયું છે. - સેવા બંધ કરવાનું મુખ્ય કારણ ચૂંટણી પંચ દ્વારા સ્ટેટિક સર્વેલન્સ સ્કવોડ મારફત આર્થિક વ્યવહારો ઉપર ગોઠવવામાં આવેલી વોચમાં ગઇ કાલે ડોળાસા નજીકથી રાજકોટના યુવાન પાસેથી૩.પ૦ લાખની રોકડ ,મહેસાણાના ચાણસોલ નજીક ૭.૮૮ લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી. પુરાવા ન મળતા એ રકમ આયકર વિભાગને સુપરત કરવામાં આવી હતી. એજ રીતે શનિવારે સાણંદ તાલુકા પંચાયતના સભ્ય પાસેથી પ લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી. તંત્રના કડક ચેકિંગના કારણે આંગડિયા મારફત લાખોના બેનામી વ્યવહાર કરતા ગ્રાહકોમાં ભય પેસી ગયો છે. કોઇ ખુલાસા કે અન્ય લફરામાં પડવું ન પડે એ હેતુથી ચૂંટણી સુધી રોકડ રકમના વ્યવહારો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ એક જાણીતી આંગડિયા પેઢીના સંચાલકે જણાવ્યું હતું. - રાજકોટમાં કેટલા આંગડિયા કાર્યરત રાજકોટમાં હાલમાં મોટા ગજાના કહી શકાય તેવા ૧૧ આંગડિયા સહિત અંદાજિત ૪૬ જેટલી આંગડિયા પેઢી કાર્યરત છે. મોટા આંગડિયાની મુખ્ય ઓફિસ સોની બજારમાં છે. - અર્થતંત્રને અસર પહોંચવાની સંભાવના અત્યાર સુધી આંગડિયાના માધ્યમથી ઠલવાતું અબજોનું નાણું અટકી જતાં એ રકમ બજારમાં ફરતી બંધ થશે અને પરિણામે અર્થતંત્રને પણ અસર પહોંચશે એવું જાણકારોનું માનવું છે. - કોણ મોકલાવે છે આંગડિયા મારફત પૈસા આંગડિયાની હવાલાની સેવા બેનામી નાણાકીય લેવડ દેવડ માટે થાય છે. સોની બજારના વેપારીઓ,ઇમિટેશન જવેલરીના ધંધાર્થીઓ,કારખાનેદાર,ઉદ્યોગપતિઓ, મશીનરી,સ્પેરપાર્ટસના ધંધાથી,ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણના કાપડ,તૈયાર વસ્ત્રોના વેપારીઓ, ચાઇના મોબાઇલના ધંધાર્થીઓ, શેર,સોના-ચાંદીનો સટ્ટો રમાડતા ડબ્બા સંચાલકો અને ક્રિકેટ સટ્ટો રમાડતા બુકીઓના મોટી રકમના વ્યવહાર આંગડિયા મારફત થાય છે.