રાજકોટમાં આનંદીબેન પટેલે અધિકારીઓને ‘વિશિષ્ટ’ ભાષામાં ધમકાવ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ટીપી સ્કીમ બાબતે અધિકારીઓને મહેસૂલમંત્રીએ ‘વિશિષ્ટ’ ભાષામાં ધમકાવ્યા

રાજકોટ આવેલા મહેસૂલમંત્રી આનંદીબેન પટેલે આજે નગર રચના આયોજન બાબતે અધિકારીઓને આડેહાથ લીધા હતા અને કાપો તો લોહી ન નીકળે તેવી આખી બોલીમાં તેમને જે કહેવાનું હતું તે કહ્યું હતું. અધિકારીઓએ જ્યારે જવાબદારી ખંખેરવાની કોશિશ કરી ત્યારે મંત્રીએ ત્યાં સુધી સૂકહી દીધું હતું કે તમે બધા એક જ જાતના છો!!

રાજકોટ મહાનગરપાલિકા, રેવન્યૂ વિભાગ તથા રૂડાના અધિકારીઓની મિટિંગમાં મહેસૂલમંત્રી લાલઘૂમ થઇ ગયા હતા અને કહ્યું હતું કે ૧૯૯૨થી કેટલીક ટીપી સ્કીમો અંગેના નિર્ણયો પડતર છે. શા માટે આ કામ થતાં નથી? એક અધિકારીએ એવી દલીલ કરી હતી કે કોર્પોરેશનના ટાઉન પ્લાનર દરખાસ્ત મોકલવામાં વિલંબ કરે તો અમે શું કરીએ? આ દલીલ સાંભળીને મંત્રીએ કહ્યું કે એ કાંઇ પણ હોય તમે બધા એક જ જાતના છો. અને તમે બધા શું કરો છો તે ખબર જ છે. બે-ચાર સેન્ટિમીટરનો ફેર પ્લાનિંગમાં કરવાનો હોય તો પણ ગેરરીતિ થાય છે.

આ કાર્યપધ્ધતિને લીધે લોકોને મુશ્કેલી પડે છે. તેમણે કહ્યું કે જયારથી જે પ્રશ્ન પડતર હોય તે એક વર્ષમાં બધું ક્લિઅર કરી નાખો. મિટિંગમા મ્યુનિસપિલ કમિશનર અજયભાદુએ મોરબી રોડ પર સ્મશાનની જગ્યા સહિતના પ્રશ્નો અંગે રજુઆત કરી હતી. ખુદ મંત્રીએ એવું કબૂલ્યું હતું કે ટીપી સ્કીમ ફાઇનલ થવાની પ્રક્રિયા લાંબી થાય છે.

શહેરી વિકાસ મંત્રાલય આ પ્રક્રિયાને નાની કરવા માગે છે. આ અહેવાલ ફકત અખબારનો નથી માહિતી ખાતાંની યાદીમાં પણ આ વિગત એવી રીતે જ અપાઇ છે કે ‘ઘણી ટીપી સ્કીમ તો વર્ષોથી પૂર્ણ થઇ નથી આવી સ્કીમોને ઝડપથી પૂર્ણ કરવા મંત્રીએ નગર રચના અધિકારીઓને તાકીદ કરી હતી’.

- અધિકારીઓના મનમાં શું ઘોળાતું હતું?

જે વાત અધિકારીઓના મનમાં હતી પરંતુ મોઢે આવી શકી નહોતી તે એ હતી કે ભ્રષ્ટાચારનો ઉપદેશ મંત્રી આપણને આપે છે પરંતુ જમીન દબાવવામાં રાજકીય માથાંઓ જ હોય છે. સૂચિત સોસાયટીઓના નિર્માતા કોણ હોય છે?રાજકોટના વૈશાલી નગર જેવા વિસ્તાર કે પછી મોરબી રોડ પર જે દબાણ થાય તેમાં પાછળ કોણ હોય છે? આવાં પ્રકરણો કેમ મંત્રીના ધ્યાન બહાર રહેતા હશે?