• Gujarati News
  • Amreli Is Very Hot City In Gujarat State, 42.7 Degree Selious Temperature

અમરેલી 42.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્રમાં આજે ફરી સૂર્યનારાયણ આકરાપાણીએ રહેતા પારો સડસડાટ ઊંચો ચઢયો હતો. આજે અમરેલી સમગ્ર રાજ્યમા સૌથી ગરમ શહેર રહ્યું હતું. આગામી બે દિવસ પણ આગઝરતી ગરમીનો માહોલ બરકરાર રહેશે. કચ્છમાં ગરમીમાં સહેજ ઘટાડો નોંધાયો હતો.

આજે સૌરાષ્ટ્રમાં સૂર્યનારાયણનો દબદબો બરકરાર રહ્યો હતો. હાલના ઉત્તર-પ‌શ્ચિ‌મના ભેજવાળા પવનોને કારણે ઉકળાટ પણ અનુભવાઇ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અમરેલીમાં પારો ૪૩ ડિગ્રીએ પહોંચતા આકરા તાપમાં ભુંજાયું હતું. આજે ગઇકાલ કરતાં ગરમીમાં વધારો થયો હતો અને ૪૨.૭ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમરેલી ઉપરાંત રાજકોટ,જૂનાગઢ, સુરેન્દ્રનગર અને કંડલામાં પણ મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીની પાર રહ્યો હતો. આજે રાજકોટમાં મહત્તમ તાપમાન ૪૧.૬ ડિગ્રીને આંબી ગયું હતું. બપોરે રાબેતા મુજબ અંગદઝાડતી લૂનો માહોલ રહ્યો હતો. જનજીવન આકરી ગરમી અને ઉકળાટમાં પરસેવે રેબઝેબ બન્યું હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં ૪૧.૦ ડિગ્રી અને કંડલામાં પારો ૪૧.૨ ડિગ્રીએ રહ્યો હતો. આજે ભાવનગમાં ગરમી ૩૯.૬ ડિગ્રી રહી હતી.

જૂનાગઢમાં ગઇકાલ કરતાં સહેજ ગરમી વધી હતી.એકાદ ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૪૧.પ ડિગ્રી રહ્યો હતો. કચ્છમાં પ્રમાણમાં પારો ઘટયો હતો. ગઇકાલે ભુજમાં ૪૧.૦ ડિગ્રી ગરમી રહી હતી જે ઘટીને પારો આજે ૩૮.૮ સુધી ઉતર્યો હતો. કાંઠાળ વિસ્તારોમાં મોટાભાગનાં શહેરોમાં ગરમી પ્રમાણમાં ઓછી રહી હતી. આજે દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ,જામનગર સહિ‌તના શહેરોમાં પારો ૩૦ ડિગ્રીથી ૩પ ડિગ્રી વચ્ચે રહ્યો હતો.

રાજ્યભરમાં ગરમીનું સામ્રાજ્ય યથાવત

સમગ્ર રાજ્યમાં આજે ગરમીનું સામ્રાજ્ય યથાવત રહ્યું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૭ ડિગ્રી, ડીસામાં ૪૦.૪ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૧.પ ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં ૪૧.૬ ડિગ્રી, બરોડામાં ૪૧.૦ ડિગ્રી અને સુરતમાં મહત્તમ તાપમાન ૩૬.૯ ડિગ્રી રહ્યું હતું.