અમદાવાદની પરિણીતાની રાજકોટમાં આત્મહત્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ રહેતી સોની પરિણીતા રાજકોટ પિતાના ઘરે વેકેશન કરવા આવ્યા બાદ સાસણ જવાના મુદ્દે પતિ સાથે બોલાચાલી થતાં ટ્રેન નીચે પડતું મૂકી જીવનનો અંત આણી લીધો હતો.

રાજકોટની ભાગોળે કોઠારિયા સોલવન્ટ નજીક ગુરુવારે રાત્રિના એક યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ દોડી ગઇ હતી. અને તપાસ કરતાં આપઘાત કરનાર અમદાવાદમાં બોખલ ગ્રામ પંચાયત પાસે આવેલી અમીધારા સોસાયટીમાં રહેતી સોની પરિણીતા ઇશા ધૈર્યકુમાર સાગર (ઉ.વ.૩૧) હોવાનું ખુલ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ કે, આઠેક વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કરનાર ઇશાના પિતા રાજકોટમાં ૧પ૦ ફૂટ રિંગ રોડ પરના ગુલમહોર એપાર્ટમેન્ટમાં રહે છે.

ગત બુધવારે ઇશા અમદાવાદથી પિતાના ઘરે રાજકોટ વેકેશન કરવા આવી હતી. રાજકોટ આવ્યા બાદ તેના પતિ ધૈર્યકુમાર સાથે વાતચીત કરી ઇશાએ સાસણગીરમાં ફરવા જવાની ઇચ્છા વ્યકત કરી હતી. પરંતુ તેના પતિએ સાસણને બદલે સુરત જવાનું કહ્યું હતું. પતિએ સાસણ જવાની ના કહેતા તેનું માઠું લાગી આવતાં પરિણીતા ગુરુવારે બપોરે પિતા અરવિંદભાઇ મનહરલાલ શાહના ઘરેથી નીકળી ગઇ હતી. અને રાત્રિના ટ્રેન નીચે પડતું મૂકી દીધું હતું. પરિણીતાના આપઘાતથી તેના છ વર્ષના પુત્રએ માતાની હુંફ ગુમાવી હતી. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.