• Gujarati News
  • Admission In Rajkot College With New Guideline Of Government

સરકારની નવી ગાઈડલાઈન મુજબ સાયન્સ કોલેજોમાં એડમિશન અપાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સરકારની નવી ગાઈડલાઈન મુજબ સાયન્સ કોલેજોમાં એડમિશન અપાશે
- પ્રવેશ પ્રક્રિયા - સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન રાજકોટ સહિ‌ત સૌરાષ્ટ્રમાં ૧૯ સાયન્સ કોલેજો છે
- એડમિશન પ્રક્રિયા કેવી રીતે કરવી તે અંગેની સૂચના આગામી ગુરુવાર સુધીમાં સૌરાષ્ટ્ર યુનિ.ના સત્તાવાહકોને મળી જશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિ‌ટી સંલગ્ન ૧૯ સાયન્સ કોલેજોમાં એડમિશન પ્રક્રિયા સરકારની ગાઈડ લાઈન મુજબ કરવામાં આવશે. આ માટે આગામી ગુરુવાર સુધીમાં સૂચના મળી જશે તેમ કુલપતિ ડો. મહેન્દ્ર પાડલિયાએ જણાવ્યું હતું. ધો.૧૨ સાયન્સનું પરિણામ કુલ ૯૪ ટકા આવ્યું છે ત્યારે સાયન્સ કોલેજોમાં તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળશે કે કેમ? તે અંગે ઘણા વિદ્યાર્થીઓ ચિંતિત છે, પરંતુ સરકાર દ્વારા એડમિશનનો મામલો હાથમાં લેવામાં આવ્યો છે અને આગામી ગુરુવાર સુધીમાં નવી ગાઈડ લાઈન જાહેર થવાની છે ત્યારે આ વર્ષે પણ તમામ વિદ્યાર્થીઓને સાયન્સ કોલેજોમાં એડમિશન મળી જશે તેવો આશાવાદ કુલપતિએ વ્યક્ત કર્યો હતો.

વર્ષ ૨૦૧૩ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિ‌ટી સંલગ્ન સાયન્સ કોલેજોમાં યુનિ.ના સત્તાવાહકોની મનસૂફી મુજબ એડમિશન આપવામાં આવતા હતા. કેટલીક સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં માળખાકિય સુવિધા ન હોવા છતાં ઘેટાં-બકરાંની જેમ વિદ્યાર્થીઓને ભરી દેવાતા હતા. તેની અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડતી હતી. આ બાબતે ઉચ્ચ શિક્ષણ વિભાગને અનેક રજૂઆતો પણ મળી હતી. વર્ષ ૨૦૧૪માં ધો.૧૨ પાસ કરનાર સાયન્સના વિદ્યાર્થીને કોઈ અગવડતા ન પડે તેમજ મેરિટ મુજબ પ્રવેશ મળે તેવી વ્યવસ્થા કરવાની જાહેરાત અગાઉ જ કરી દેવામાં આવી છે. પરંતુ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન કરવી કે કેમ? તે સહિ‌તના નિર્ણય હજુ સુધી રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યા નથી.

પરંતુ મોડામાં મોડું આગામી ગુરુવાર સુધીમાં એડમિશન પ્રક્રિયા અંગેની ગાઈડ લાઈન સૌરાષ્ટ્ર યુનિવર્સિ‌ટીને મળી જશે. ત્યારબાદ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે. યુનિવર્સિ‌ટીની મધ્યસ્થ પ્રવશ સમિતિના ચેરમેન બી.કે. કલાસવાએ પણ એક અખબારી યાદી જાહેર કરીને સાયન્સના વિદ્યાર્થીઓને ૨૯મી મે સુધીમાં નવી ગાઈડ લાઈન બહાર પડી જશે તેવી માહિ‌તી આપવામાં આવી છે અને આ તમામ માહિ‌તી સૌરાષ્ટ્ર યુનિવર્સિ‌ટીની સત્તાવાર વેબસાઈટ પર ગુરુવારે જ અપલોડ કરી દેવામાં આવશે અને તે મુજબ જ એડમિશન આપવામાં આવશે.

સાયન્સની નવી કોલેજોની મંજૂરી અપાશે

રાજકોટ સહિ‌ત સૌરાષ્ટ્રમાં સાયન્સની ૧૯ કોલેજો આવેલી છે, પરંતુ આ વર્ષે ધો.૧૨ સાયન્સનું પરિણામ ધારણાથી ઘણું ઊંચુ આવ્યું છે. બીએસસીમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત ન રહી જાય તે માટે આ વર્ષે નવી સાયન્સ કોલેજોની મંજૂરી આપવામાં આવશે. જે કોલેજો પાસે તમામ પ્રકારની માળખાકિય સુવિધા હશે અને લોકેશન પણ યોગ્ય હશે તેવી કોલેજોને મંજૂરી આપવામાં આવશે. તેમ કુલપતિએ જણાવ્યું હતું.

૩૭ ડિવિઝનની હાલમાં મંજૂરી છે

૧૯ સાયન્સ કોલેજમાં કુલ ૩૭ ડિવિઝનને મંજૂરી આપવામાં આવી છે. એક ડિવિઝન દીઠ ૧૨૦ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. ૩૭ ડિવિઝન લેખે રાજકોટ સહિ‌ત સૌરાષ્ટ્રની ૧૯ કોલેજોમાં ૪૪૪૦ વિદ્યાર્થીઓને વિના વિઘ્ને પ્રવેશ મળી જશે.

રાજકોટમાં ૧૦ સાયન્સ કોલેજ છે

રાજકોટમાં સાયન્સની કુલ ૧૦ કોલેજો છે. જેમાં એક સરકારી, બે ગ્રાન્ટ ઈન એઈડ અને સાત સ્વનર્ભિર કોલેજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જામનગરમાં એક સરકારી, પોરબંદરમાં એક ગ્રાન્ટ ઈન એઈડ, કોડીનારમાં એક ખાનગી, સુરેન્દ્રનગરમાં એક સરકારી, અમરેલીમાં એક ખાનગી અને એક ગ્રાન્ટ ઈન એઈડ, મોરબીમાં એક ગ્રાન્ટ ઈન એઈડ, આટકોટમાં એક ખાનગી અને જૂનાગઢમાં સરકારી કોલજ છે.

પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરી દેવા તાકીદ

ચાર સેમેસ્ટરના કુલ માર્કનો સરવાળો ૧૩૨ થી ઓછો થતો હોય અને જેની માર્કશીટમાં 'સુધારણા જરૂરી' તેવું લખેલું હોય તેવા વિદ્યાર્થીઓની જે તે વિષય કે વિષયોની પૂરક પરીક્ષા લેવામાં આવનાર છે. પૂરક પરીક્ષામાં બેસવા માગતા વિદ્યાર્થીઓએ ૧૦ જૂન સુધીમાં ફોર્મ ભરી દેવા જણાવાયું છે.