પડધરીનો ફરાર અપરાધી લોડેડ પિસ્તોલ સાથે પકડાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રૂરલ એસઓજીએ ભરૂડી ટોલનાકા નજીક કાર આંતરીને પકડયો

પડધરી રહેતો અને તાજેતરમાં જ હોટેલ સંચાલકને ધમકી દેવાના ગુનામાં ફરાર નામચીન અપરાધી દીપક પ્રતાપભાઇ ડોડિયાને પોલીસે ભરૂડી નજીકથી શનિવારે મધરાતે લોડેડ પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો.નામચીન ગુનેગાર દીપક ડોડિયા જીજે પ સીઇ પ૦પ૦ નંબરની હોન્ડા આઇકોનમાં ગેરકાયદે શસ્ત્ર સાથે રાજકોટથી જૂનાગઢ તરફ જઇ રહ્યો હોવાની એસઓજીના દાનુભાને બાતમી મળી હતી.

જેના આધારે પીઆઇ દેસાઇ,મદદનીશ ધર્મેન્દ્રસિંહ, શિવરાજસિંહ ખાચર અને કરશનભાઇએ ભરૂડી ટોલનાકા નજીક ઉપરોક્ત કારને આંતરી હતી. અંદર બેઠેલા દીપક ડોડિયાની અંગ જડતી લેતાં બે કારતૂસ ચડાવેલી લોડેડ પિસ્તોલ મળી આવી હતી.દીપક ડોડિયાએ દસ દિવસ પહેલાં સાગરીતો સાથે પડધરી નજીક ન્યારા પેલેસ હોટેલના સંચાલક પ્રકાશભાઇ વિરાભાઇ ડાંગરને દારૂ પીવાના ગ્લાસ મુદ્દે પિસ્તોલ બતાવીને ખૂનની ધમકી આપી હતી. એ ગુનામાં પોલીસને તેની તલાશ હતી. અગાઉ દીપક પર બે હત્યાનો આરોપ હતો. જો કે, તે બન્ને કેસમાં નિર્દોષ છૂટયો હતો.

પિસ્તોલ મૃતક હિ‌સ્ટ્રીશીટર રામલા પાસેથી લીધી’તી
આરોપી દીપક ડોડિયાએ ગેરકાયદે પિસ્તોલ મોરબીના હિ‌સ્ટ્રીશીટર રામલા પાસેથી ત્રણ વર્ષ પહેલા ખરીદ કર્યાની કબૂલાત આપી હતી અને રામલો બે વર્ષ પહેલાં રાજકોટમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હોવાથી આગળની તપાસ ઉપર પડદો પડી ગયો છે.

ધમકી કેસમાં આમ્ર્સ એક્ટ, રાયોટિંગની કલમનો ઉમેરો કરાયો હતો
ન્યારા પેલેસ હોટેલના સંચાલકને ધમકી દેવાના બનાવમાં ફોજદાર વાય.બી.જાડેજાએ હોટેલના સીસીટીવીના ફૂટેજ મેળવ્યા હતા. ફૂટેજ જોતા આરોપી સાથે પાંચથી વધુ શખ્સ હતા અને તેણે કાઉન્ટર ઉપર પિસ્તોલ મૂકીને ધમકી આપ્યાનું સ્પષ્ટ થતાં તેની સામે આમ્ર્સ એક્ટ અને રાયોટિંગની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.