ગોંડલમાં ખાનગી ટ્રાવેલ્સ પલટી મારતાં બેના મોત, 16 ઘાયલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગોંડલનાં બીલીયાળા પાસે ખાનગી ટ્રાવેલ્સ પલ્ટી મારી જતાં
- ઇજાગ્રસ્તોને રાજકોટ-ગોંડલની હોસ્પિટલમાં ખસેડાયા


ગોંડલ નજીક નેશનલ હાઇ-વે પર આવેલા બિલિયાળા ગામના પાટિયા પાસે ખાનગી ટ્રાવેલ્સની મિનિ બસનું ટાયર ફાટતાં બસ પલટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં ધારી પંથકના એક ખેડૂત સહિત બે વ્યક્તિના મૃત્યુ નીપજયા હતા. ૧૬ મુસાફરોને ઇજા થતાં રાજકોટ અને ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં, બે વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

અકસ્માતની ઘટના અંગેની પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાજકોટના માતૃકૃપા ટ્રાવેલ્સની સિટી રાઇડ બસ શનિવારે સાંજના ચારેક વાગ્યાના સુમારે વિસાવદર તરફ જઇ રહી હતી ત્યારે ગોંડલ નજીક આવેલા બિલિયાળા ગામના પાટિયા પાસે બસનું ટાયર ફાટતાં પલટી મારી ગઇ હતી.

પૂરપાટ વેગે જઇ રહેલી બસ નંબર જી. જે. ૧૦ વી ૯૮૭ અચાનક જ પલટી મારી જતાં મુસાફરો ચીસો પાડી ઊઠ્યા હતા. અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા ધારી તાલુકાના વેકરિયા ગામના મહેન્દ્રભાઇ લાલજીભાઇ વિરાણી નામના ખેડૂતનું મોત થયું હતું. આ ઉપરાંત, ધારી પંથકનો જ એક મુસ્લિમ યુવાન મોતને ભેટ્યો હોવાનું જાણવા મળે છે.

ઇજા પામેલા રાજકોટના મનોજભાઇ મકવાણા, રેખાબેન મકવાણા, જશુભાઇ દાફડા, સાયરાબેન પરમાર, સવજીભાઇ સરસિયા, સમીમબેન કાનાણી, પ્રગતિબા પરમાર, રિધ્ધિબા પરમારને ગોંડલની સરકારી હોસ્પિટલમાં અને રંજનબેન ગોસ્વામી, પ્રભાબેન હસમુખભાઇ, ઉર્મિલાબેન, રસિલાબેન, હિના હસમુખભાઇ, રમિલાબેન હરીશભાઇ, જલ્પા મનસુખભાઇ અને પ્રજ્ઞાબેન કાનાભાઇને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

ઇજાગ્રસ્તોમાં મોટાભાગના ધારી અને રાજકોટ પંથકના હોવાનું જાણવા મળે છે. અકસ્માતના બનાવની જાણ થતાં ગોંડલની માનવસેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફૂલ રાજ્યગુરુ સહિતના કાર્યકરો દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.