• Gujarati News
  • Aavas Yojna Mater Of Rajkot Municipal Corporation Latest News

મનપાની આવાસના બાકીદારોને રેલો આવ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટેક્સ બ્રાન્ચ ટાર્ગેટ પૂરો કરવા ઊંધા માથે, આવાસ યોજના શાખાએ પાંચ કરોડનો લક્ષ્યાંક પાર કરી દીધો

રાજકોટ મહાપાલિકાની આવાસ યોજનાના જે લાભાર્થીઓએ હપ્તાની રકમ છેલ્લા લાંબા સમયથી ભરી નથી તેવા લાભાર્થીઓના ક્વાર્ટર જપ્ત કરી લેવાની મનપાએ નોટિસ આપતા જ બાકીદારોને રેલો આવ્યો છે. છેલ્લા ૧પ દિવસમાં જ ૪૧ લાખથી વધુ ચૂકવાઇ ગયા છે. મનપાએ જુદી-જુદી યોજના હેઠળ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવાસ યોજના બનાવી છે. આવાસના લાભાર્થીઓમાંથી કેટલાકે વર્ષોથી મનપામાં હપ્તો જમા કરાવ્યો નથી. હપ્તાનું તોતિંગ માગણું વસૂલ કરવા માટે મનપાની આવાસ યોજના શાખાએ બાકીદારોનું લિસ્ટ તૈયાર કર્યું હતું.

૬પ૦થી વધુ બાકીદારો પાસેથી હપ્તો વસૂલ કરવા કડક નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસમાં એવું સ્પષ્ટ અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે જો હપ્તાની રકમ ભરપાઇ કરવામાં નહીં આવે તો ક્વાર્ટરની ફાળવણી રદ કરીને અન્ય લાભાર્થીને ફાળવી દેવામાં આવશે. આ ચેતવણી મળતા જ બાકીદારોમાં દોડધામ શરૂ થઇ ગઇ હતી. પંદર દિવસમાં જ રૂ.૪૧ લાખની રકમ મનપાની તિજોરીમાં ઠલવાઇ ચૂકી છે. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં આવાસ યોજના શાખાને રૂ.પ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. ટેક્સ બ્રાન્ચે તો હજુ તેનો ટાર્ગેટ પૂરો કર્યો નથી પણ આવાસ યોજના શાખાએ રૂ.પ કરોડથી વધુની આવક મેળવીને લક્ષ્યાંક પાર કરી નાખ્યો છે.

શનિવારની રજામાં ૧પ૬ કરદાતાઓએ મિલકત ટેક્સ ભર્યો, આજે રવિવારે પણ ચાલુ

મનપાની ટેક્સ બ્રાન્ચ નાણાકીય વર્ષ પૂરું થવાના અંતિમ તબક્કામાં લક્ષ્યાંક પૂરો કરવા હવે રહી રહીને ઘાંઘી થઇ છે. છેલ્લા દિવસોમાં શનિ-રવિની રજામાં પણ વસૂલાતની કામગીરી ચાલુ રાખી છે. શનિવારે રજામાં ૧પ૧ આસામીઓ પાસેથી રૂ.૨૪ લાખની આવક મેળવી શકાઇ હતી. આવતીકાલે રવિવારે પણ સિવિક સેન્ટરોમાં ટેક્સ વસૂલાતની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

ક્રિસ્ટલ મોલના બાકીદારો ૪૮ કલાકમાં ટેક્સ નહીં ભરે તો મિલકત સીલ

ક્રિસ્ટલ મોલમાં ડી-માર્ટ, ક્રોમા સેન્ટર, બીગ સિનેમાનો તોતિંગ મિલકત વેરો બાકી છે. બાકીદારોએ આકારણી દર ઘટાડી આપવાની માગણી કરી છે. તેની સામે મનપાએ લેખિતમાં આ માગણી નામંજૂર હોવાનું જણાવવા છતાં હજુ સુધી વેરો ચૂકતે થયો નથી. અનેકવખત તાકીદ કરવા છતાં ટેક્સ ચૂકવવામાં ન આવતા તંત્રે ક્રિસ્ટલ મોલના આ બાકીદારોને ૪૮ કલાકની છેલ્લી મહેતલ આપી છે. આમ છતાં જો ટેક્સ ચૂકતે નહીં થાય તો મિલકત સીલ કરી દેવાનો નિર્ણય મનપાએ લીધો છે.

બાકીદારોને માગણા નોટિસ-કેવિએટ મળતી નથી, ૨૦૦૦ પોસ્ટમાંથી પરત આવી

ટેક્સના બાકીદારોને માગણા નોટિસ અને કેવિએટ પોસ્ટ ખાતા મારફત મોકલવામાં આવે છે. ચાલુ વર્ષે જેટલી માગણા નોટિસ મનપાએ પોસ્ટ ખાતા મારફત મોકલી છે તેમાંથી ૨૦૦૦ જેટલી પરત આવી હોવાનું ટેક્સ બ્રાન્ચના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. સરનામું મળતું ન હોવાનું, સરનામું અધૂરું હોવા જેવા કારણો આપવામાં આવ્યા છે.

તંત્રની તવાઇ ઉતરતાં બાકીદારોમાં ફફડાટ

મનપાએ બાકીદારો સામે કડક કાર્યવાહીનો પ્રારંભ કરી મિલકત શીલ કરવાના આદેશ કર્યા બાદ વેરા વસુલાતની કામગીરી વધુ વેગવંતી બનાવી છે. જેના પગલે બાકીદારોમાં તંત્રની તવાઇ ઉતરતાં ફફડાટની લાગણી વ્યાપી ગઇ છે. આવા સંજોગોમાં જોવું રહ્યું કે તંત્ર રાજકીય ઓથ ધરાવનારા બાકીદારો સામે કેવા પગલા ભરે છે?