• Gujarati News
  • 20 દિવસમાં તમામ ટ્રાફિક સિગ્નલો કાર્યરત થઇ જશે

20 દિવસમાં તમામ ટ્રાફિક સિગ્નલો કાર્યરત થઇ જશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટવાસીઓમાટે માથાનો દુખાવો બનેલી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા દિવ્ય ભાસ્કરે સમાધાન મિલજુલકેના અભિગમ સાથે શરૂ કરેલા પ્રયાસને મહત્ત્વની સફળતા મળી છે. શહેરમાં 11 સ્થળોએ લાગેલા ટ્રાફિક સિગ્નલોમાંથી મોટાભાગના સિગ્નલો ડબ્બા બનીને ઊભા હતા. ઝુંબેશ બાદ કેટલાક સિગ્નલો શરૂ થયા હતા તો કેટલાક મેન્ટેનન્સના વાંકે યથાવત્ સ્થિતિમાં રહી ગયા હતા. મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ શુક્રવારે દરખાસ્ત મંજૂર કરીને પુનાની કંપનીને કોન્ટ્રાક્ટ આપી દેતા આગામી વિસેક દિવસમાં શહેરના તમામ 11 ટ્રાફિક સિગ્નલો શરૂ થવાનાં એંધાણ દેખાઇ રહ્યા છે. સિગ્નલો શરૂ થયા બાદ ટ્રાફિક સમસ્યામાં મહત્તમ રાહત થાય તેવો આશાવાદ વ્યકત થઇ રહ્યો છે.

દિવ્ય ભાસ્કરે ટ્રાફિક સમસ્યાનો ચિતાર મેળવવા શહેરના વિવિધ વિસ્તારનો અભ્યાસ કરતા એક કારણ સામે આવ્યું હતું કે, જે સ્થળે ચાર રસ્તા ભેગા થાય છે તે ચોકમાં વાહનોના થપ્પા લાગી જાય છે. ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિ હોવા છતાં ચક્કાજામની સ્થિતિ નિવારી શકાતી નહોતી. અંગે ટ્રાફિક શાખાના અધિકારીઓ સાથે વાતચીત કરતા શહેરમાં 11 સ્થળોએ ટ્રાફિક સિગ્નલો છે, પરંતુ ટેક્નિકલ ક્ષતિને કારણે બંધ હોય સમસ્યા વધુ વેધક બની હોવાનું તેમણે જણાવ્યું હતું. ટ્રાફિક સિગ્નલના મેન્ટેનન્સની જવાબદારી મહાનગરપાલિકા સંભાળતી હોય દિવ્ય ભાસ્કરે મનપાના અધિકારીઅો અને પદાધિકારીઓને વાતથી વાકેફ કરી પ્રજાના હિતમાં તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.

જેના પગલે ગત શુક્રવારે મળેલી મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ ટ્રાફિક શાખા દ્વારા કરાયેલી દરખાસ્તને મંજૂરીની મહોર મારી દીધી હતી. સ્ટેન્ડિંગ કમિટીએ જૂના પોઇન્ટ પર સિગ્નલ ચાલુ કરવા તેમજ 3 નવા સ્થળે સિગ્નલ મૂકવા પુનાની એક એજન્સીને કામ સોંપી દીધું હતું અને મેન્ટેનન્સનો વાર્ષિક કોન્ટ્રાક્ટ રૂ.3 લાખમાં આપી દીધો હતો.

અંગે રોશની વિભાગના એડિશનલ સિટી એન્જિનિયર કે.પી.દેથરિયાએ જણાવ્યું હતું કે, ટ્રાફિક સિગ્નલની જાળવણીનું કામ અગાઉ પણ પુનાની એજન્સી સંભાળતી હતી, પરંતુ કેટલાક સમયથી તેના કોન્ટ્રાક્ટનો સમય પૂરો થઇ ગયો હોય કેટલાક સિગ્નલો પર સમસ્યા ઊભી થઇ હતી. જોકે હવે સ્ટેન્ડિંગ કમિટીએ કોન્ટ્રાક્ટને મંજૂરીની મહોર મારી દીધી છે. મ્યુનિસિપલ કમિશનર તેને બહાલી આપી દે એટલે એજન્સી દ્વારા કામગીરીનો પ્રારંભ કરવામાં અાવશે. આગામી વિસેક દિવસમાં શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો કાર્યરત થઇ જવાનો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

દેથરિયાએ ઉમેર્યું હતું કે, ટ્રાફિક શાખા દ્વારા ત્રણ નવા પોઇન્ટ પર ટ્રાફિક સિગ્નલ મૂકવા માટે દરખાસ્ત મૂકી છે. આગામી દિવસોમાં મનપાની ટેક્નિકલ ટીમ અને એજન્સીનો સ્ટાફ ટ્રાફિક પોલીસને સાથે રાખી સ્થળ પર તપાસ કરશે અને તપાસ બાદ ટ્રાફિક શાખા કહેશે તે સ્થળે નવા સિગ્નલો મૂકવાની કામગીરી પણ શરૂ થઇ જશે. રાજકોટની ટ્રાફિક સમસ્યા માટે તંત્ર, અન્ય સંસ્થાઓ તથા સ્વયં નાગરિકો હળીમળીને કામ કરે તે જરૂરી છે. માત્ર તંત્ર પર સઘળી જવાબદારી નાખી શકાય નહીં.

સમસ્યા ટ્રાફિક સિગ્નલ થકી હળવી થશે.

ટ્રાફિક સમસ્યા કંઇક અંશે હળવી બની

શહેરમાં સૌથીવધુ ટ્રાફિક સમસ્યા કેકેવી ચોકમાં સર્જાતી હતી. કેકેવી ચોકમાં ટ્રાફિક સિગ્નલ કાર્યરત હતું, પરંતુ તેમાં ટાઇમર ચાલુ નહીં હોવાથી સિગ્નલ શોભાના ગાંઠિયા જેવી સ્થિતિમાં હતું. દિવ્ય ભાસ્કરના અહેવાલ અને લોકોની સમસ્યાને ધ્યાને લઇ મનપા અને ટ્રાફિક શાખાએ તાકીદે કાર્યવાહી કરતા દસેક દિવસથી કેકેવી ચોકમાં ટાઇમર શરૂ થઇ ગયું છે અને જેના કારણે પોઇન્ટ પર મહ્દઅંશે ટ્રાફિક સમસ્યાનો અંત આવ્યો છે. શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો આગામી દિવસોમાં કાર્યરત થઇ જાય તે માટે ટ્રાફિક શાખા અને મનપાએ શરૂ કરેલી કવાયત આવકાર્ય છે.

दैनिक भास्कर¾

ટ્રાફિક સમસ્યા

ઉપાય હળીમળીને