• Gujarati News
  • નાસિકમાં અકસ્માત થયો ને રાજકોટ પોલીસે મદદ કરી

નાસિકમાં અકસ્માત થયો ને રાજકોટ પોલીસે મદદ કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસપ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. રાજકોટના યુવાનોને નાસિક પાસે નડેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તોને મદદ મળવામાં સાંસા પડતા હતા ત્યારે રાજકોટ પોલીસ કન્ટ્રોલરૂમના સ્ટાફે મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી ઇજાગ્રસ્તોને સહાય પૂરી પાડી સાચા અર્થમાં મિત્રની ભૂમિકા પૂરી પાડી હતી.
રાજકોટના જાણીતા ડીજે રોનક જગદીશભાઇ પરમાર અને તેના પાંચ સભ્યો ગણેશોત્સવના કાર્યક્રમમાં પૂણે ગયા હતા અને મહોત્સવ પૂરો કરી ડીજેની ટીમ મેટાડોરમાં પોતાનો સામાન રાખી રાજકોટ આવવા નીકળી હતી. મંગળવારે રાત્રિના ત્રણેક વાગ્યે ડીજે ટીમ પૂણેથી નાસિક થઇને રાજકોટ આવતી હતી ત્યારે તેમની મેટાડોરને નાસિક નજીક પાછળથી ટ્રકે ટક્કર મારતાં મેટાડોર રોડ નીચે ઉતરી ગઇ હતી અને રોનક પરમાર તથા તેના મિત્રોને ઇજા થઇ હતી.
હાઇવે પર થયેલા અકસ્માતને પગલે રોનક પરમાર સહિતના લોકો સ્થાનિક પોલીસ તથા એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં નિષ્ફળ જતા તેમણે રાજકોટ રહેતા તેના પરિચિત પ્રિતીબેનનો સંપર્ક કર્યો હતો. પ્રિતીબેને અંગે રાજકોટ શહેર પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કરી બનાવની જાણ કરતા કન્ટ્રોલ ઇન્ચાર્જ વશિષ્ઠ રાવલ, ઘનશ્યામભાઇ અને બિપીનભાઇ ભટ્ટ સહિતના સ્ટાફે પૂણે પોલીસ કન્ટ્રોલ રૂમને તાકીદે જાણ કરતા સ્થાનિક પોલીસની જીપ અને એમ્બ્યુલન્સ તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને રોનક પરમાર સહિતનાઓને તાકીદે સારવાર અર્થે ત્યાંની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આમ રાજકોટ પોલીસે ‘અમારી હદમાં નથી આવતુ’ તેવું કહેવાને બદલે ખરા અર્થમાં મિત્ર તરીકેની ભૂમિકા ભજવી હતી.