તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • લાંચ માગવાના કેસમાં જેતપુર મામલતદાર કચેરીના ગ્રામમિત્રને 2 વર્ષની કેદ ફટકારાઇ

લાંચ માગવાના કેસમાં જેતપુર મામલતદાર કચેરીના ગ્રામમિત્રને 2 વર્ષની કેદ ફટકારાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંચ માગવાના કેસમાં જેતપુર મામલતદાર કચેરીના ગ્રામમિત્રને 2 વર્ષની કેદ ફટકારાઇ

કેદની સાથે ~ 5000નો દંડ ફટકારતા જેતપુરના સેશન્સ કોર્ટના જજ

ભાસ્કર ન્યૂઝ. જેતપુર

પાંચવર્ષ પહેલા જેતપુરની મામલતદાર કચેરીમાં રૂ.5000ની લાંચ લેતાં વચેટિયો એવો ગ્રામમિત્ર પકડાયાના બનાવમાં જેતપુરની સેશન કોર્ટે ગ્રામમિત્રને તકસીરવાન ઠરાવી 2 વર્ષની સખત કેદ અને રૂ.5000 નો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.

28માર્ચ 2009ના રોજ જેતપુરની મામલતદાર કચેરીમાં સમાજ કલ્યાણ નિરીક્ષક જયંતીભાઈ મોહનભાઈ પીપળિયા (રહે.ન્યુ પોપૈયા વાડીની બાજુમાં, પંચશીલ શેરી નંબર - 1) જેતપુર તાલુકાના જેપુર ગામના વલ્લભભાઈ નાથાભાઈ રાઠોડ પાસે તેમના માતા મણિબેનના નામની વિધવા સહાય મકાન બાંધવાની અરજી અનુસંધાને રૂ.5000ની લાંચ માગી હતી. અંગે વલ્લભભાઈએ રાજકોટ એસીબીને જાણ કરતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. પંચની હાજરીમાં મામલતદાર કચેરીના ગ્રામમિત્ર શૈલેષ બાવા ચાવડા (રહે.જેપુર, તા.જેતપુર) સ્પીકર ફોનમાં વલ્લભભાઈ પૈસા દેવા આવ્યા છે, શું કરવું તેવી વાત જયંતી પીપળિયા સાથે કરતા, પીપળિયાએ રકમ શૈલેષને લઇ લેવાનું કહેતાં શૈલેષ રૂપિયા 5000ની લાંચ લેતાં રંગે હાથે એસીબીના હાથે પકડાઈ ગયો હતો.

કેસ જેતપુરના એડિશનલ સેશન્સ જજ કે.એમ.દવેની કોર્ટમાં ચાલતા, સરકારી વકીલ વી.જી.ડેન્ગરાની દલીલોને અંતે શૈલેષને 2 વર્ષની સખત કેદ અને રૂ.5000નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. લાંચ કેસમાં જેમણે અરજદાર પાસે પૈસા માગ્યા હતા તે મુખ્ય માણસ સમાજ કલ્યાણ નિરીક્ષક જયંતીભાઈ પીપળિયાનું 2 મહિના પહેલા અવસાન થયું છે.અદાલતના ચુકાદાથી ચકચાર મચી ગઇ હતી.

અદાલતના હુકમના પગલે સરકારી કચેરીમાં ફરજ બજાવનાર ભ્રષ્ટાચારી કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

પાંચ વર્ષ પહેલા જેતપુરમાં એસીબીના હાથે 5 હજારની લાંચ લેતાં પકડાયો હતો