- Gujarati News
- આરોગ્ય કમિશનર ગુપ્તા સમક્ષ તબીબોએ રજૂ કરેલો અભિપ્રાય
આરોગ્ય કમિશનર ગુપ્તા સમક્ષ તબીબોએ રજૂ કરેલો અભિપ્રાય
આરોગ્ય કમિશનર ગુપ્તા સમક્ષ તબીબોએ રજૂ કરેલો અભિપ્રાય
બાળકોની હોસ્પિટલની બાજુમાં ઝનાના હોસ્પિટલ બનાવવાની રજૂઆત કરાઈ
રાજકોટનાહોસ્પિટલ ચોકમાં આવેલી ઝનાના હોસ્પિટલમાં જન્મ લેતા નવજાત બાળકોને કોઇ બીમારી હોય તો તેને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. જન્મ સાથે બાળકને દૂર સુધી લઇ જવાતા બાળકને અન્ય કેટલીક બીમારીમાં સપડાવાની વેળા આવે છે. સ્થિતિને દૂર કરવા ઝનાના હોસ્પિટલને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલની બાજુમાં ખસેડવા તબીબો દ્વારા આરોગ્ય કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
રાજ્યના આરોગ્ય કમિશનર જે.પી.ગુપ્તા શુક્રવારે રાજકોટ આવ્યા હતા અને શનિવારે સવારે તેમણે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી. કમિશનર ગુપ્તાએ મેડિકલ કોલેજના ડીન, સિવિલ સર્જન અને તમામ વિભાગના હેડ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં સિવિલ સર્જન ડો.ધર્મેન્દ્ર વત્સરાજ, કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલના હેડ ડો.પરીખ અને ઝનાના હોસ્પિટલના ડો.મહિમાબેને વર્ષોથી ચર્ચાસ્પદ બનેલા એક મુદ્દાની રજૂઆત કરી હતી. હાલમાં જયાં ઝનાના હોસ્પિટલ આવેલી છે તે ઝનાના હોસ્પિટલની એજ સ્થળે નવી બિલ્ડિંગ બનાવવાને બદલે ઝનાના હોસ્પિટલને સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ નજીક ખસેડવા રજૂઆત કરી હતી.
તબીબોએ રજૂઆત કરતા કહ્યું હતું કે, ઝનાના હોસ્પિટલમાં જન્મ બાદ કોઇ બાળકને કોઇ બીમારી કે અન્ય તકલીફ હોય તો તે નવજાત શિશુને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. ઝનાના હોસ્પિટલમાં મોટાભાગે ગરીબ અને ગામડાંની મહિલાઓ પ્રસૂતિ માટે આવે છે ત્યારે નવજાત શિશુને ઝનાના હોસ્પિટલથી રિક્ષામાં અથવાતો તેડીને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલે પહોંચાડાય છે. આવા સંજોગોમાં તાજા જન્મેલા બાળકને બહારના વાતાવરણની ગંભીર અસર પહોંચે છે અને બાળક વધુ કેટલીક બીમારીમાં સપડાય છે. અા સમસ્યાના નિવારણ રૂપે ઝનાના હોસ્પિટલને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ નજીક ખસેડવાનું સૂચન કર્યું હતું. આરોગ્ય કમિશનરે અંગે હકારાત્મક નિર્દેશ પણ આપ્યો હતો. ઉપરાંત કમિશનર ગુપ્તાએ કામગીરીની વિગતો મેળવી હતી.