• Gujarati News
  • ઉનાળાની બળબળતી બપોરે ગરીબોના પગ ઠારતાં શિક્ષકો

ઉનાળાની બળબળતી બપોરે ગરીબોના પગ ઠારતાં શિક્ષકો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેમને બે ટંક ખાવાના પણ સાંસા છે, એવા પરિવારો પોતાના સંતાનો માટે 44 ડિગ્રીની બળબળતી બપોરે ચપ્પલની વ્યવસ્થા તો ક્યાંથી કરી શકે? ગૌતમભાઇ પટેલ નામના શિક્ષકે પોતાની શાળાના અનેક વિદ્યાર્થીઓને ભરઉનાળે ઉઘાડે પગે આવતા જોયા, અંગે તેમણે પોતાના સાથી શિક્ષકોને વાત કરી અને ભારત વિકાસ પરિષદ નામક સંસ્થાનો જન્મ થયો. સંસ્થાના 50 સભ્યો પૈકી 25 થી વધુ શિક્ષકો છે, જેઓ સ્વખર્ચે પોતાના પગારમાંથી નાણાં કાઢી બાળકોને ચપ્પલ વિતરણ કરે છે.

ભારત વિકાસ પરિષદ દ્વારા ઊનાળામાં અત્યાર સુધીમાં મોરબી રોડ, જય જવાન, જય કિસાન સોસાયટી, મોરબી રોડ ફાટક પાસેની ઝૂંપડપટ્ટી, ચુનારાવાડ સ્લમ એરિયા, ભાવનગર રોડ, ફોર્જ એન્ડ ફોર્જ સામેની ઝૂંપડપટ્ટી, કાલાવડ રોડ પર મોટામવા પાસે ઝૂંપડપટ્ટી સહિતના વિસ્તારોમાં જઇ સરવે કરી 5 થી 15 વર્ષની વય સુધીના બાળકોને 10 મે સુધીમાં કુલ રૂ.50, 000ની કિંમતના 2000 જોડી ચપ્પલનું વિતરણ કરાયું છે. ઉપરાંત, સાત હનુમાન પાછળ આવેલા પીપળિયા ગામની શાળાના 180 શાળાના વિદ્યાર્થીઓ તેમજ ત્રંબાથી આગળ ઢાંઢણી ગામની શાળાના 300 વિદ્યાર્થીઓને ચપ્પલનું નિ:શુલ્ક વિતરણ કરાયું છે. ગૌતમભાઇ પટેલ, કેશુભાઇ એંધાણી, સુરેશભાઇ વ્યાસ, ભાવેશભાઇ ધોરાજિયા સહિતના શિક્ષકો તથા લેબર કોન્ટ્રાક્ટર ભરતભાઇ લિંબાસિયા સહિતના 50 સદસ્યો સ્વખર્ચે સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. સંસ્થા દ્વારા જય જવાન, જય કિસાન સોસાયટી ખાતે 100 પરિવારોને 5 મેથી દૈનિક 500 એમએલ છાસનું વિતરણ પણ કરવામાં આવે છે. જેમાં દાતા પ્રીતિબેન મહેતાનો સહયોગ મળ્યો છે.

સરકારી નોકરી છોડી દીધી

સંસ્થાનાપ્રમુખગૌતમભાઇ ગરીબ લોકોની સેવા કરવા માટેની પ્રવૃત્તિમાં પૂરતો સમય આપી શકે તેથી તેમણે પોતાની 8 વર્ષની નોકરી બાકી હોવા છતાં જિલ્લા પંચાયત સંચાલિત પીપળિયા પ્રાથમિક શાળાના શિક્ષકપદેથી રાજીનામું આપી દીધું હતું. સમાજની સેવા અનેક પ્રકારે થઇ શકે છે તેવા વિચાર સાથે તેઓ પોતાની સેવાકીય પ્રવૃત્તિને વિસ્તારવા માગે છે.

15000ચોપડાનું વિતરણ

સંસ્થાનાસંચાલકશિક્ષકોએ ફૂલ સાઇઝના 180 પેજના બજારમાં 30 રૂપિયાના ભાવે વેચાતા ચોપડાનું માત્ર 20 રૂપિયાના રાહત દરથી બાલક હનુમાન મંદિર, પેડક રોડ ખાતે વિતરણ શરૂ કર્યું છે. 15000 પૈકી 8000 ચોપડાં 6 મે સુધીમાં વિતરણ થઇ ચૂક્યા છે. જરૂર પડ્યે 15000 થી પણ વધુ ચોપડાનું વિતરણ કરવામાં આવશે.

ચપ્પલ વિતરણ કરતા માનવતાવાદી શિક્ષકો.