• Gujarati News
  • કમિશનરે પાંચ જગ્યા માટે પાંચ નામ મોકલી શાસકોની પાંખો કાપી

કમિશનરે પાંચ જગ્યા માટે પાંચ નામ મોકલી શાસકોની પાંખો કાપી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કમિશનરની સોગઠી બાદ શાસકોએ રબ્બર સ્ટેમ્પ બની મહોર મારવી પડશે

ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર. રાજકોટ

રાજકોટમહાપાલિકામાં અધિકારી વર્ગની કોઇ ભરતી કરવાની હોય ત્યારે સંપૂર્ણપણે શાસકોની બનેલી પસંદગી કમિટીનો નિર્ણય આખરી હોય છે. અત્યાર સુધી એવી પ્રણાલી હતી કે, જેટલી જગ્યા હોય તેનાથી વધુ નામ પસંદગી માટે મોકલાતા. જેથી શાસકો પસંદગીનો યોગ્ય નિર્ણય લઇ શકે. વખતે આસી.કમિશનરની ભરતીમાં પાંચ જગ્યા માટે કમિશનરે પોતે પસંદ કરીને નામ પણ પાંચ મોકલ્યા છે. આમા શાસકો પાસે પસંદગી કરવાનો કોઇ સવાલ રહેતો નથી.

એકતો આમેય આસી. કમિશનરની ભરતીનું પ્રકરણ પહેલેથી વિવાદમાં ફસાયેલું છે. અગાઉ અનેક વખત ભરતી મોકૂફ રાખવી પડે એવી નોબત આવી હતી. અનેક પ્રકારના આક્ષેપો ઉઠ્યા હતા. માંડ કરીને ઇન્ટરવ્યૂ પ્રક્રિયા થઇ. મહાપાલિકાના કર્મચારીઓ સહિત 78 ઉમેદવારોએ ભાગ લીધો હતો.

કુલ પાંચ જગ્યા માટે એક ઓ.બી.સી. અને અન્ય ચાર જનરલ કેટેગરીના ઉમેદવારની પસંદગી કરવાની હતી. ઇન્ટરવ્યૂ પેનલમાં ઇન્કમટેક્સ ઓફિસર, મ્યુનિ. કમિશનર, ડેપ્યુટી કમિશનર, ચીફ ઓફિસર સહિતના ચાર અધિકારીઓ હાજર રહ્યા હતા.

અત્યાર સુધી એવું બનતું આવ્યું છે કે, અધિકારી તરીકેની ભરતીમાં આખરી નિર્ણય શાસકોની બનેલી પસંદગી કમિટી કરતી હતી. કમિશનર તરફથી જેટલી જગ્યા હોય તેનાથી વધુ નામ મોકલવામાં આવતા હતા. તેમાંથી શાસકોને પસંદ કરવાનું રહેતું. વખતે કમિશનરે શાસકોને રબ્બર સ્ટેમ્પ બનાવી દીધા છે. પાંચ જગ્યા માટે નામ પણ પાંચ મોકલ્યા છે. જેમાં હાલ ઇન્ચાર્જ કમિશનર રહેલા હરેશ કગથરા, હર્ષદ પટેલ, જસ્મિન રાઠોડ જ્યારે નવા નામમાં કનકકુમાર ડેર અને કલ્પેશ કોરડિયા સહિત પાંચ નામ મોકલાયા છે. આમા શાસકોને પસંદગી કરવા જેવો કોઇ વિકલ્પ રહેતો નથી. હવે જોવાનું રહ્યું કે, શાસકો રબ્બર સ્ટેમ્પની જેમ મહોર મારી દે છે કે પછી વિકલ્પ માટે બીજા નામ મગાવશે.