• Gujarati News
  • પીપીપી આવાસ યોજના સામે ઝૂંપડપટ્ટી મહાપરિષદ મેદાને પડી

પીપીપી આવાસ યોજના સામે ઝૂંપડપટ્ટી મહાપરિષદ મેદાને પડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનાસ્લમ વિસ્તારોમાં લોકભાગીદારીથી આવાસ યોજના બનાવવામાં માત્રને માત્ર બિલ્ડરોને જમીનની લહાણી કરવાનો આશય હોય એવો વિવાદ વકરતો જાય છે. વસાહતને રેગ્યૂલરાઇઝ કરવાના બદલે તોડી પાડવાની યોજના સામે સૌરાષ્ટ્ર ઝૂંપડપટ્ટી મહાપરિષદના નેજા હેઠળ આંદોલનનું રણશિંગું ફૂંકાયું છે. 18મીએ જનજાગરણ પદયાત્રા અને માર્ચમાં મહાસંમેલન બોલાવાયું છે.

સૌરાષ્ટ્ર ઝૂંપડપટ્ટી મહાપરિષદ શહેરના મોટાભાગના સ્લમ વિસ્તારોમાં પત્રિકા વિતરણ કરીને એવો આક્રોશ વ્યક્ત કર્યો છે કે, રાજકોટમાં જ્યારથી ટીપી સ્કીમ બની પહેલાની વસાહતોને કાયમી કરવાના બદલે લોકભાગીદારીના નામે બિલ્ડરોને પધરાવી દેવાની મુરાદ છે. સ્લમ વસાહતમાં રહેતા 90 ટકા પરિવાર એસસી, એસટી અને ઓબીસી વર્ગના છે. પેટનો ખાડો પૂરવા માટે રાજકોટમાં આવીને વસવાટ કર્યો છે.

ગરીબોની વસાહત હવે લોકભાગીદારીના નામે બિલ્ડરોને લહાણી કરવાની મેલી મુરાદ સરકારે રાખી છે. તેની સામે છેવટ સુધી લડી લેવામાં આવશે એવો નિર્ધાર પત્રકાર પરિષદમાં વ્યક્ત કરાયો હતો. સરકારને ઢંઢોળવા માટે 18મીએ શહેરના સ્લમ વિસ્તારોમાં જનજાગરણ પદયાત્રા કાઢવામાં આવશે. પછી માર્ચ મહિનામાં મહાસંમેલન યોજાશે. પત્રકાર પરિષદમાં કરણાભાઇ માલધારી, દાનુભા સોઢા, રાજુભાઇ ઝુંઝા, ડી.જે.સોમૈયા, ભૂપતસિંહ ઝાલા, સત્યપાલ બૌધ, ભીખાભાઇ પડસારિયા, રાણાભાઇ રબારી, રવિભાઇ ચૌહાણ વગેરે હાજર રહ્યા હતા.

ભાજપનો બહિષ્કાર કરવાની ચીમકી

સૌરાષ્ટ્રઝૂંપડપટ્ટીમહાપરિષદે એવો રોષ વ્યક્ત કર્યો છે કે, ભાજપ સરકાર લોકભાગીદારીના નામે ગતકડું કાઢીને ગરીબોની વસાહતનું પતન કરવા પર ઉતરી આવી છે. ગરીબો પ્રત્યે જો સહાનુભૂતિ હોય તો તેની વસાહત રેગ્યૂલરાઇઝ કરી આપે. સરકાર જો યોજના બંધ નહીં કરે તો ગરીબ, પછાત અને મધ્યમ વર્ગના સમાજને સંગઠિત કરીને ભાજપનો બહિષ્કાર કરાશે.