• Gujarati News
  • કમળાની સારવાર માટેના ફોટો થેરાપી મશીનને એક્સેલન્સ એવોર્ડ

કમળાની સારવાર માટેના ફોટો થેરાપી મશીનને એક્સેલન્સ એવોર્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવજાતશિશુઓને કમળાની બીમારીમાં સારવાર માટે ઉપયોગમાં લેવાતા ફોટો થેરાપી મશીનની સર્વશ્રેષ્ઠ ડિઝાઇન બનાવવા બદલ રાજકોટની યુનિવર્સલ ડિઝાઇનોમેશન લેબને તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં માનવ સંશાધન મંત્રી સ્મૃતિ ઇરાનીની ઉપસ્થિતિમાં અત્યંત પ્રતિષ્ઠિત એવો સીઆઇઆઇ ડિઝાઇન એક્સેલન્સ એવોર્ડ એનાયત કરાયો હતો. દેશમાં ઉદ્યોગોના ધારા-ધોરણ, વિવિધ માપદંડો સ્થાપિત કરતી અને ઇન્ડસ્ટ્રિયલ પોલિસી અંગે કેન્દ્ર સરકારને માર્ગદર્શન આપતી સંસ્થા, કો ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યોજાયેલા ચાર દિવસીય સમિટમાં હેલ્થ એન્ડ પર્સનલ કેર કેટેગરીમાં દેશભરમાંથી કુલ 80 એન્ટ્રી આવી હતી. તેમાં, રાજકોટની કંપનીની પ્રોડક્ટ ‘શ્લોક ફોટોથેરાપી’ ઉપર પસંદગીનો કળશ ઢોળાયો હતો. નોંધનીય છે કે, એવોર્ડ મેળવનાર ગુજરાતની પ્રથમ કંપની છે.

યુનિવર્સલ ડિઝાઇનોમેશન લેબના મશીન ડિઝાઇન હેડ ભાવિન ડાભી તથા પ્રોડક્ટ ડિઝાઇન હેડ ભગવાનજી સોનાગ્રાએ જણાવ્યું હતું કે, ભારતમાં કમળાને કારણે મૃત્યુ પામતા નવજાત શિશુનું પ્રમાણ ખૂબ વધારે છે. તેની ટ્રીટમેન્ટ માટે અત્યારે ઉપયોગમાં લેવાતા ફોટો થેરાપી મશીન મોંઘા હોવાથી ગ્રામ્ય અને તાલુકા સ્તરે તેનો ઉપયોગ ખૂબ મર્યાદિત રહ્યો છે. અમે બનાવેલું મશીન સસ્તું તો છે જ. પણ, તેમાં તદ્દન નવી સુવિધાઓ સામેલ છે. મશીનમાં પ્રથમ વખત બેસીનેટ યુનિટ અને અન્ડર સરફેસ ફોટો થેરાપી યુનિટ સામેલ કરાયા છે. જે જરૂરિયાત મુજબ જોડી પણ શકાય છે અને છૂટા પણ કરી શકાય છે. લેડ યુનિટ 360 ડિગ્રીએ રોટેટ થઇ શકે છે અને સાથે તેની હાઇટ પણ એડજસ્ટ કરી શકાય છે. આવી અનેક વિશેષ સુવિધાઓને લક્ષ્યમાં લઇને મશીનને એવોર્ડ માટે પસંદ કરાતા તેની શ્રેષ્ઠતાને માન્યતા મળી છે.

એવોર્ડ સાથે નજરે પડતાં ભાવિન ડાભી તથા ભગવાનજી સોનાગ્રા