• Gujarati News
  • આયોજન અધિકારી, પ્રાંત અધિકારી ઉપર આરઓ મિટિંગમાં તડાપીટ

આયોજન અધિકારી, પ્રાંત અધિકારી ઉપર આરઓ મિટિંગમાં તડાપીટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટજિલ્લા કલેક્ટર કચેરી ખાતે મંગળવારે આરઓ (રેવન્યુ ઓફિસર) મિટિંગ યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેક્ટર મનીષા ચંદ્રાએ જિલ્લા આયોજન અધિકારી, પ્રાંત અધિકારીઓ, નગરપાલિકાના ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઓફિસરો સહિતના લાલિયાવાડી ચલાવતા અધિકારીઓનો ઉધડો લઇ લીધો હતો.

રાજકોટ જિલ્લામાં એટીવીટી (આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો) પ્રોગ્રામ હેઠળ આયોજનની ગ્રાન્ટ દર વર્ષે પાછી જતી હોય જિલ્લા કલેક્ટર ચંદ્રાએ આયોજન અધિકારી સુવાગિયાને ખખડાવી નાખ્યા હતા. પ્રોજેક્ટ અંતર્ગત દરેક પ્રાંત અધિકારીએ દર વર્ષે રૂપિયા 25 લાખની ગ્રાન્ટ વાપરવાની હોય છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થતો હોવાથી અને 2011-12ના કામો બાકી હોય તે મુદ્દે કલેક્ટર ભારે ખફા થયા હતા અને અાયોજન અધિકારીની કામગીરીની આલોચના કરી હતી.

ઉપરાંત તાલુકાઓમાં સરકારી જમીન પર દબાણ અને રી-સરવેની કામગીરીના મુદ્દે પણ કલેક્ટરે તડાપીટ બોલાવી હતી. ઇ-સેન્ટ્રીક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ નામની રી-સરવેની કામગીરીનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સી સરવેની કામગીરીમાં લોલમલોલ ચલાવતી હોય અને કામ ગોકળગાય ગતિએ ચાલતું હોય કલેક્ટરે એજન્સી સામે આકરાં પગલાંનો અણશાર આપ્યો હતો.

ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં નવા શૌચાલયો બાંધવાના લક્ષ્યાંક, ભૂગર્ભગટરના કામો અને સ્વચ્છતા મુદ્દે પાલિકાના અધિકારીઓનો ઉધડો લેવાયો હતો. જો કે પુરવઠા અધિકારી કે.એલ.પરમારે સારું પ્રેઝન્ટેશન કરતા તેના વખાણ કરવામાં આવ્યા હતા.

અધિક કલેક્ટર પણ ઝપટે ચડ્યા

આવતીઆરઓમિટિંગ પહેલા ફલાણા કામ સો ટકા પૂરા થઇ જશે તેવા છેલ્લી ત્રણ ચાર મિટિંગથી વાયદા કરતા અધિક કલેક્ટરનો પણ કલેક્ટર ચંદ્રાએ જાહેરમાં ઉધડો લઇ નાખ્યો હતો અને જે કામ પૂરા કરી શકો તેનું કમિટમેન્ટ કરો તેવું સુણાવી દીધું હતું.