• Gujarati News
  • ગિરિશમુનિજીના જન્મદિવસની ભવ્ય ઉજવણી

ગિરિશમુનિજીના જન્મદિવસની ભવ્ય ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલસંપ્રદાયના ગાદીપતિ ગિરિશમુનિ મહારાજના જન્મદિવસ અંતર્ગત નેમિનાથ વિતરાગ જૈનસંઘ ખાતે 50 શ્રાવક-શ્રાવિકાઓએ પૌષધવ્રત 11 એપ્રિલ શનિવારે કર્યું હતું. જ્યારે, 12 એપ્રિલ રવિવારના રોજ સવારે 7 વાગ્યે તપસ્વીઓને પારણાં કરાવાશે. તેમજ રોયલ પાર્ક જૈનસંઘ ખાતેથી સવારે 8 વાગ્યે આગમયાત્રા નીકળશે.

ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ ગિરિશમુનિ મહારાજનો જન્મદિવસ 12 એપ્રિલ અને રવિવારે જો કે, જન્મદિવસની વિવિધ સંઘો દ્વારા બે દિવસ ઉજવણી કરવા નિર્ણય લેવાયો હતો. નેમિનાથ વિતરાગ સ્થાનકવાસી જૈનસંઘ દ્વારા પૌષધવ્રત દ્વારા ઉજવણી કરાઇ હતી. જેમાં, જોડાનાર 50 ભાવિકોએ પૌષધ(નિર્જળા વ્રત) શનિવાર સવારના 7 વાગ્યાથી રવિવાર સવારના 7 સુધી જળ વગર રહેવાનું વ્રત કર્યું હતું. ભાવિકોને રવિવારે સવારે 7 વાગ્યે સંઘ ખાતે રાબ, ગોળનું પાણી, મગનું પાણી, ચા-દૂધ, મોરા સાટા, ગાંઠિયા દ્વારા પારણાં કરાવવામાં આવશે.

ત્યારબાદ, સવારે 8 વાગ્યે રોયલ પાર્ક જૈનસંઘ, 150 રિંગરોડ ખાતેથી આગમભાવ યાત્રા નીકળશે, જે 8:45 વાગ્યે શેઠ ઉપાશ્રય જૈનસંઘ, 150 ફૂટ રિંગરોડ ખાતે પહોંચશે. જ્યાં સવારે 9 વાગ્યે શેઠ ઉપાશ્રયમાં ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ ગિરિશમુનિ મહારાજનું અભિવાદન સમારોહ યોજાશે, જેમાં, સાધુ-સંતો, મહાસતીજીઓ, જુદા-જુદા જૈનસંઘોના પ્રમુખો, શ્રાવક-શ્રાવિકાઓ વગેરે ઉપસ્થિત રહેશે. અભિવાદન સમારોહ દરમિયાન સવારે 11:30 વાગ્યે પરમાત્માની પગદંડી ભાગ-2નું વિમોચન કરાશે. શેઠ ઉપાશ્રય જૈનસંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠના જણાવ્યાનુસાર બૃહદ રાજકોટ જૈનસંઘ દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરાયું છે. જેમાં, સૌરાષ્ટ્રના સ્થાનકવાસી જૈનસંઘો તેમજ, અન્ય સંઘોના પ્રમુખો પણ ઉપસ્થિત રહેશે.