• Gujarati News
  • દળાવવા આવેલા ઘઉંના ડબામાંથી 35 હજાર નીકળ્યા

દળાવવા આવેલા ઘઉંના ડબામાંથી 35 હજાર નીકળ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્તમાનયુગમાં નાણાંના પ્રશ્ને પરિવાર વચ્ચે તડા પડી જાય છે. ત્યારે નવા થોરાળા વિસ્તારમાં આવેલા એક ફલોર મિલના માલિકે ઘઉંના ડબ્બામાંથી નીકળેલા 35 હજાર પંચની રૂબરૂમાં તેના મૂળ માલિકને સુપરત કરી પ્રમાણિકતા દાખવી છે. ફલોર મિલ માલિકનું જાહેર સન્માન કરવાની ફલોર મિલ એસોસિએશને જાહેરાત કરી છે.

રાજકોટ ફલોર મિલ એસોસિએશનના પ્રમુખ એ.એચ. રાજાણીના જણાવ્યા મુજબ સર્વોદય સોસાયટી મેઇન રોડ નવા થોરાળા ખાતે ફલોર મિલ ચલાવતા પરેશભાઇ નારણભાઇ સોલંકીની ઘંટીમાં દળાવવા માટે રામનગર સોસાયટી શેરી નં. 2મા રહેતા ખોજા ઇકબાલભાઇ સદરૂદીન ગીલાણી ઘઉંનો ડબ્બો મૂકી આવ્યા હતા જ્યારે વારો આવ્યો ત્યારે ઘઉંનો ડબ્બો ઘંટીમાં ઠાલવતા ઘઉંની અંદર દબાવીને રાખવામાં આવેલી ચલણી નોટો પણ ઘંટીમાં ઠલવાઇ હતી. તાકીદે ઘંટી બંધ કરી નાણાં ગણતા પૂરા 35 હજાર હતા. એસોસિએશનના આગેવાનોનો સંપર્ક સાંધી પંચ રૂબરૂ રકમ મૂળ માલિકને સુપરત કરાઇ હતી. લાભપાંચમ બાદ જનરલ મિટિંગ મળશે જેમાં પરેશભાઇ સોલંકીનું સન્માન કરાશે.